કાસેઝમાંથી કરોડોની દાણચોરીનો નવો કીમીયો : ઝોનમાંથી માલ લોડ કરો-રસ્તામાં કરી દયો સગેવગે

0
63

  • દેશની તિજોરીને મોટો આર્થિક ધુમ્બો..! કોના બાપની દિવાળી..!

કંડલા સ્પેશ્યલ ઈકોનોમીક ઝોનમાથી કન્ટેઈનર લોડ થાય, બોન્ડ ટુ બોન્ડ એકસપોર્ટ દેખાડાય, સામે ડમી અધિકારીઓના સીક્કાઓ લાગે, અને માલ તો ગંતવ્ય સ્થળના બદલે વચ્ચે વાડીઓમાં કે અન્ય ગોપનીયા સ્થળોમાં ઠલવાઈ જાય : કાગળ પરની કાર્યવાહી દેખાય અને કરોડોની થઈ જાય ગોબાચોરી..!

હજુ તો કાસેઝથી બાંગ્લાદેશ જવા નીકળેલા પ૦૦થી વધુ કન્ટેઈનરો બાંગ્લાદેશ પહોંચે તે પહેલા જ લોકલ માર્કેટમાં ખડકાયા એટલે કે ડીટીએ થઈ ગયા, જેમાથી ૩૦૦ કન્ટેઈનરના તો હજુય સરનામા શોધ્યા નથી મળતા, ત્યાં ફરીથી કાસેઝથી દીલ્હી જવા નીકળેલ કન્ટેઈનર રસ્તામાં ચોકકસ બાતમીથી ડીઆરઆઈએ ચકાસતા ખાલી મળી આવતા કાસેઝ પ્રસાસનથી લઈ અને દાણચોર ટોળકી સહિતનાઓમાં મચેલી છે દોડધામ

ગાંધીધામ : પૂર્વ કચ્છમાં આવેલા કંડલા સ્પેશ્યલ ઈકોનોમીક જોનમા પાછલા કેટલાક સમયથી સોપારી આયાત-નિકાસને લઈને ભારે ચિંતા જગાવતી એક પછી એક ગંભીર ઘટનાઓ પ્રકાશમાં આવવા પામી રહી છે. આ બાબતે સહેજ વિગતે વાત કરીએ તો કાસેઝમાંથી જ બિનવારસુ સોપારીઓની બોરીઓ મળવાના સિલસિલા એકતરફ ચાલુ જ પડયા છે અને તેના તાગ કે આ સોપારીનો માલ કોનો છે, ત્યા સુધી એજન્સીઓ પહોચતી જ નથી ત્યાં તો હવે કાસેઝથી આવી સોપારી એક યા બીજી છટકબારીઓ શોધીને બહાર નીકળતી હોવાના ઘટનાક્રમો પણ સતત સામે આવવા પામી રહ્ય ાછે.હજુ તો કાસેઝથી નીકળેલ સોપારીનુ કન્ટેઈનર ડીઆરઆઈ લુધીયાણાથી ઝડપીને પરત લઈ આવી તેની તપાસ ચલાવી જ રહી છે ત્યાં ફરીથી જેના પર ર૦૦ ટકા જેટલી તગડી ડયુટી લાગે છે તેવા સોપારીનો વધુ જથ્થો કાસેઝથી બોન્ડ ટુ બોન્ડ દિલ્હી જવા નીકળેલ તેની તપાસમાં જ રસ્તામાં તે ગુમ કરી દેવાયો હોવાનો ચોંકાનારો ખુલાસો સામે આવવા પામી રહ્યો છે. આવા સમયે તપાસ ચાલી રહી છે અને તથ્ય તો કદાચ સચોટ અને તટસ્થ તપાસ થશે તો બહાર આવશે પરંતુ બીજીતરફ જાણકારો દ્વારા એમ કહેવાય છે કે, કંડલા સ્પેશ્યલ ઈકોનોમીક જોનમાંથી વસ્તુઓ ડીટીએ એટલે કે લોકલ માર્કેટમાં વેચી દઈ અને ડયુટી ફેરનો જે મોટો આર્થીક લાભ છે તે લણી લેવાની દીશામાં એક ચોકકસ ટોળકી સક્રીય બની ગઈ છે અને કાસેજથી કાગળ પર સાચો દેખાડીને માલ ગેરકાયદેસર રીતે કેમ બહાર કાઢી લેવો તેનો એક નવો જ કારસો અને એમઓ આ ટોળકી અપનાવતી હોવાનુ મનાઈ રહ્યુ છે.આ મામલે સહેજ વિગતે વાત કરીએ તો કાસેજમાં ગુન્હાઓ કરવાની નવી પદ્વતિ જ અમલમાં આવી ગઈ છે. ઝોનમાંથી કન્ટેઈર એકસપોર્ટ માટે ભરો, રસ્તામાં તેને ગમે તે સેફ જગ્યાએ ખાલી કરી નાખો(જે નિયમ પ્રમાણે થઈ ન શકે) અને ખાલી કર્યા બાદ લોકલ માર્કેટમાં તેની વેંચી દેવાના કારસાને જાણે કે, એક ચોકકસ સિન્ડીકેટ બરાબરનો અંજામ આપી રહી હોય તેમ એક પછી એક આવા કારસ્તાનો સોમ આવવા પામી રહ્યા છે. એટલું જ માત્ર નહી પરંતુ બોન્ડ ટુ બોન્ડ એકસપોર્ટ દેખાડેલ કન્ટેઈનર જે માર્ગમાં જ ખાલી કરી દેવાય છે તેને મુંદરા પણ સેફોસેફ પહોંચાડી અને તે ભરેલુ છે તેવુ બતાવીને એકસપોર્ટના ડોકયુમેન્સ પણ બનાવી લેવામાં આવી રહ્યા છે. આ ભેજાબાજ સિન્ડીકેટ હાલમાં આ રીતે સિફતપૂર્વક ઝોનના નીતીનિયમોનો છટકબારી તરીકે ઉપયોગ કરી અને મોટા પ્રમાણમાં ઘોટાળાઓ આચરી રહી હોય તેમ ફલિત થવા પામી રહ્યુ છે. અહી સવાલ એવો પણ થતો હશે કે બાન્ડ ટુ બોન્ડ એકસપોર્ટ દેખાડીને કૌભાંડ આચરાય છે અથવા તો નવો કીમીયો અપનાવાય છે તો એ કીમીયો શુ હોઈ શકે છ. વિગતે તેની વાત કરીએ તો કાસેજથી બોન્ડ ટુ બોન્ડ કહીને એકસપોટ કરવા જે માલ નીકળ્યો હોય તે સુરત જવાનો હોય તો સુરતમાં જે-તે અધિકારીઓએ બીલ ઓફ એન્ટ્રીમાં રીસીવીંગનો થપ્પો મારી દેવાનો હોય છે. પરંતુ હકીકતમાં બોન્ડ ટુ બોન્ડના નામે કાસેજથી જે માલ નીકળે છે તે બોગસ રીસીવરના સહી સિક્કાઓ કરાવી અને માલ લોકલ માર્કેટમાં જ ડમ્પ કર રહ્યા છે. આ બાબતે ચર્ચાતી વિગતો અનુસાર કાસેઝ થી દિલ્હી બોંડ ટુ બોંડ જઈ રહેલા એક કન્ટૅનરને રસ્તામાંજ આંતરીને તપાસ કરવામાં આવી હતી. ઝોનથી નિકળતા સમયે તેમાં સોપારી હોવાનું ઓન રેકર્ડ ડિક્લેર હતું અને કસ્ટમ ક્લીયરન્સ દિલ્હીથી થવાનું હોવાથી અહીથી સંપુર્ણ ચેક થયા બાદ દિલ્હી જવા તે નિકળ્યું હતું. દરમ્યાન રસ્તામાં ડીઆરઆઈએ ચોક્કસ બાતમીના આધારે કંટેનર વાહનને આંતરીને તેને ખોલવીને તપાસ કરતા તે ખાલી મળ્યું હતું. મતલબ કે ઝોનથી નિકળ્યા બાદ રસ્તામાં આયાતકાર દ્વારા સરકારને અંધારામાં રાખીને સોપારીનો જથ્થો કાઢી નાખવામાં આવ્યો હતો. એટલે કાસેઝમાં હવે દાણચોરી કરવાનો નવો કારસો ચાલી રહ્યો છે તેનો આ તાજી ઘટના જ બેાલતો પુરાવો બની
રહ્યો છે.

કસ્ટમના ગુજરાત ચીફ બે દિવસથી કચ્છમાં બેઠા હતા, તેઓ દિવાળી ટુર પર હતા?

કાસેઝ-મુંદરા વિસ્તારમાં જ રીતે કસ્ટમની ઢીલીનીત અથવા તો ભ્રષ્ટચારી કરતુતો થકી જે કાંડો રચાઈ રહ્યા છે તે જરા સહેજ પણ ચલાવી ન લેવાય : ગુજરાત ચીફ કસ્ટમે ગંભીરતા દાખવી જ ઘટે : સોપારીના કન્ટેઈનર બહાર નીકળી જાય, ખાલી થઈને પરત સેઝમાં પણ ગોઠવાઈ જાય, આવું તો બીજે કયાંય નહી બનતુ હોય.!

ગાંધીધામ : કંડલા-મુંદરા સહિત કચ્છના કસ્ટમવીભાગમાં જે રીતે ચલકચલાણઓ ચાલી રહ્યા છે તે ખુબજ ગંભીર છે. કયારેક કંડલા સેઝ તો કયારે મુંદરા સેઝ પ્રતિબંધિત વસ્તુઓની ગેરકાયદેસર હેરફેર માટે દેશ-વિદેશમાં ચમકી રહ્યા છે. ત્યારે અહી સીધો જ સવાલ થાય છે કે, કસ્ટમવીભાગ અહી શું કરી રહ્યુ છે? ૩૦૦ કરોડથ વધુનો ઈ- સિગારેટ કાંડ હોય કે પછી કાસેઝમાં સર્જાતા સોપારીકાંડ, આવી ઘટનાઓને જોતા ગુજરાતના કસ્ટમના ચીફ પણ બે દીવસથી કચ્છમાં જ પડયાપાથર્યા હોવાનુ મનાય છે. હવે જો ગુજરાત કસ્ટમના ચીફ બે દીવસથી કચ્છમાં જ છે અને કસ્ટમના નામ નીચે જ અહી કૌભાંડો આચરાઈ રહયા છે તેમ છતા તેઓએ કોઈ જ કડક પગલા લીધાનુ હજુ સુધી બહાર ન આવતુ હોય તો સવાલ તો થવાનો જ છે કે, કસ્ટમના ગુજરાતના ચીફ કચ્છમાં તપાસર્થે આવ્યા છે કે, દિવાળી ટુર પર ફરવા આવ્યા છે?

સોપારીકાંડમાં પૂર્વ કચ્છના અમુક પોલીસવાળાઓની પણ સંડોવણી હોવાની ચર્ચા

ગાંધીધામ : કાસેજથી બોન્ડ ટુ બોન્ડ સોપારી એકસપોર્ટ કરવાનુ દેખાડાય છે તેમાં ભ્રષ્ટ સિન્ડીકેટનો ભાગ હવે કેટલાક પૂૃવ કચ્છના ખાખીધારીઓ પણ ભજવતા હોવાનુ ચર્ચાય છે. કહેવાય છે કે, આ સોપારીકાંડમાં અમુક પોલીસવાળાઓપણ જોડાયા છે, કન્ટેઈર ઝોનમાથી નીકળીને રસ્તામાં વાડીમાં ખાલી થાય તે પછી આ ખાલી કન્ટેેઈનરને અમુક પોલીસ વાળા જ પ્રોટેકશન આપે છે..અને તે કન્ટેઈનર સલામત મુંદરા પહોચી જાય ત્યા સુધીમાં તે લોકો પ્રાઈવેટકારથી પાયલોટીંગ પણ કરતા હોવાનુ મનાય છે.

બોન્ડ ટુુ બોન્ડ સોપારી કાંડના ઘટનાક્રમનો આ રહ્યો એકસ-રે..!

• કાસેઝથી દિલ્હી બોન્ડ-ટુ બોન્ડ એકસપોર્ટ કરવા માટે કાસેઝના જ યુનિટમાંથી નીકળેલ સોપારીના ચાર કન્ટેનર રીસીવના સ્થળે પહોચે તેનાથી એકાદ-બે કી.મી. આગળ દીલ્હીમાં ખાલી કરાઈ રહ્યા હતા • દરમ્યાન જ ગાંધીધામ ડીઆરઆઈ-દિલ્હી ડીઆરઆઈની ટુકડી ત્રાટકી અને આ ચાર ખાલી કન્ટેઈનરોને ઝડપી લીધા અને પંચનામુ કરી દિલ્હી કસ્ટમને સોપી દીધા • તેની સાથે જ આ આ જ યુનિટના વધુ એક કન્ટેઈનર કાસેઝથી બહાર નીકળી દિલ્હી જવા રવાના થાય તે પહેલા જ તેને પણ કાસેઝ ગેટ બહાર અટકાવી, ચેક કરી અને તેમાં સોપારીઓનો જથ્થો બરાબર નીકળતા તેને દિલ્હી જતા અટકાવી કાસેઝ યુનિટમાં પરત મોકલી અપાયા છે • કાસેઝથી બોન્ડ ટુ બોન્ડના નામે નીકેલા કન્ટેઈનર દિલ્હીમાં પહોચે તે પહેલા અન્યત્ર ખાલી થવામાં કસ્ટમતંત્રના કે અન્ય એજન્સીઓની સાથે સબંધિત યુનિટે સેટીંગ કરી બોગસ રીસીવીંગ સ્ટેમ્પથી આખોય કારસો ગોઠવ્યો હોવાનુ દેખાય છે

DRIએ કાસેજ કસ્ટમને કાર્યવાહીની લેખિત જાણ કરી : હવે યુનિટને લ્યો સાણસામાં

ગાંધીધામ : ડીઆરઆઈ દ્વારા કાસેઝથી દિલ્હી ગયેલા કન્ટેઈનરમાં લોલમલોલની કાર્યવાહી ડીઆરઆઈ દ્વારા પકડી અને કરાઈ છે તે બાબતે કાસેઝ કસ્ટમવીભાગના જવાબદાર અધિકારીઓને પણ લેખિતમાં અવગત કરાયા છે. ડીઆરઆઈ તેમનો તપાસ રીપોર્ટ પૂર્ણ કરી અને કસ્ટમવિભાગને સોપશે તે બાદ કસ્ટમ કાસેઝના આ યુનિટની સામે કડકાઈથી કાર્યવાહી કરી શકે છે.

  • વાડ જ ગળે છે ચીભડાં..!

મુંદરા ઈ-સિગારેટ કાંડ : કસ્ટમના એક રીટાયર્ડ કમિશ્નરના પુત્રનું નામ ખુલતા જ આમીયાચંદ્રએ કેમ હથિયાર મુકી દીધા છે હેંઠા..!

એજન્સીના અધિકારીઓ અને તેમના સબંધીઓ જ મિસડીકલેરેશન અથવા તો પ્રતિબંધિત સીગારેટના આયાત-નિકાસમાં જોતરાયેલા હોવાનુ ખુલે તેનાથી વધુ શર્મનાક અને ચિંતાજનક વાત બીજી કહી હોય..! : મુંદરામાં કસ્ટમના કયા પૂર્વ જોઈન્ટ કમિશ્નરના પુત્રના નામે છે વેરહાઉસ : કેમ હજુ સુધી ખુલ્લીને આ અધિકારીની સામે લાલઆંખભરી કાર્યવાહી નથી કરાઈ?

આમીયાંચદ્રની સામે સીબીઆઈ તપાસ જ થવી જોઈએ : કાસેઝ તથા મુંદરા સેઝનો આમીયાચંદ્રનો કાર્યકાળ ભારે ખરડાયેલો હોવાની દેખાય છે સ્થિતી : કાસેઝમાં પણ આમીયાચંદ્રના સમયકાળમાં અપાયેલા તમામ લાયસન્સ ચેક થવા જોઈએ : મુંદરામાં પણ ઈ-સીગારેટનો ૧૩પ કરોડથી વધુનો ખુલાસો આમીયાચંદ્રના નાક નીચે જ થયો : છેલ્લા કેટલાક સમયથી સોપારી સંલગ્ન વિવિધ તપાસોનો દોર ચાલી રહ્યો છે ત્યારે આ તમામ પાછળ વર્ષો થી કાર્યરત સીન્ડીકેટ જવાબદાર હોવાની ચર્ચા છે. આ અંગે મુંદ્રા તરફના ઉચ્ચ અધિકારી અને કર્મચારી સામે વિભાગીય તપાસ પણ હાથ ધરાઈ હોવાનો સુત્રો દાવો કરી રહ્યા છે. આ કૌભાંડ આજકાલ નહિ પરંતુ લાંબા સમયથી ચાલતું હોવાની સંભાવના તેના બહુઆયામી વ્યાપને જોઇને જાણકારો વ્યક્ત કરી રહ્યા છે

ગાંધીધામ : આમીયાચંદ્રની સામે જયા સુધી ધાક બેસાડતી કડક કાર્યવાહી નહી થાય, સીબીઆઈ કે ઈડી જેવી એજન્સી તેના પર નહી ત્રાટકે ત્યાં સુધી કાસેજ હોય કે મુંદરા સેઝ જ કેમ ન હોય..અહી દાણચોર ટોળકી ગેલમાં જ રહેવાની છે. કારણ કે, તાજેતરમા જ મુંદરાના એક પ્રાઈવેટ વેરહાઉસમાં ઉપરાછાપરી પાંચથી વધુ કન્સાઈન્મેન્ટ ઈ-સીગારેટના પકડાયા છે. કાયદો એમ કહે છે કે, કોઈપણ માણસની સામે એક ગુન્હો નોધાય તો પણ ડીસીએ તેને નોટીસ આપી અને તેનુ લાયસન્સ સસ્પેન્ડ કરીને રદ જ કરી દેવાનુ હોય છે. મુંદરામાં તો એક નહી પાંચ-પાંચ કન્સાઈનમેન્ટ એક જ પ્રાઈવેટ વેરહાઉસમાંથી પકડાયા છે તેમ છતા પણ આમીયાચંદ્રએ આ વેરહાઉસવાળી પાર્ટીને ન તો શેાકોજ નોટીસ પાઠવી છે કે ન તો તેના લાયસન્સ સસ્પેન્ડ કે રદ કરવાની કોઈ કાર્યવાહી હજુ સુધી હાથધરી જેના લીધે આ આખાય પ્રકરણમાં આમીયાચંદ્રની ભૂમિકા શંકાના દાયરામાં જ આવી રહ્યા છે. ઉપરાંત જાણકારો એમ પણ કહે છે કે, પ્રાઈવેટ વેરહાઉસ જયાથી ઈ સિગારેટ પકડાઈ છે તે કસ્ટમના રીટાર્યડ કમિશ્નરના દીકરાના નામે હોવાન ુમનાય છે. કમિશ્નરનો દીકરો આ કૌભાંડમાં સંડોવણી ધરાવતો હોવાથી આમીયાચંદ્ર, કસ્ટમ તથા ડીઆરઆઈએ તેમના બધા જ હથિયારો હેઠા મુકી દીધા છે તેવુ દેખાવવા પામી રહ્યુ છે.

કચ્છના નવા કલેકટર શ્રી રાણા ગંભીરતાથી આ ઘટનાઓની કરાવે જાત તપાસ

ગાંધીધામ : કચ્છના નવા કલેકટરશ્રી ડી.કે.રાણાએ પણ કાસેજ અને મુંદરામાં જે રીતે ગંભીર ઘટનાઓ બહાર આવ્યા બાદ પણ તેનો સિલસિલો અટકતો જ ન હોય તેમ ચાલી રહ્યા છે ત્યારે આવા કેસોમાં જાત રસ લેવો જોઈએ. કલેકટરશ્રીએ ખુદ ગંભીરતા દાખવી જોઈએ અને કાસેજથી એકસપોર્ટ માટે નીકળેલ કન્ટેઈનર રસ્તામાં ખાલી થઈ જાય અને સેફોસેફ તે પરત મુંદરા ભરેલા કન્ટેઈનર તરીકે પણ પહોચી જાય તેની કડીબદ્ધ તપાસ કરવી જોઈએ. મુંદરામાં તો એજન્સીના જવાબદાર અધિકારીના પુત્રનુ જ નામ સામે આવ્યુ એટલે કે, કસ્ટમના જરીટાયર્ડ અધિકારીની ભૂંડી ભુમિકા હોય..! અધિકારી અહી કળા કરતા હોય? તો એ કેમ ચલાવી લેવાય? એજન્સી ખુદ જ આવા કૃત્યોને અંજામ આપે અથવા તો એજન્સીના અધિકારી માથે રહીને આવા ગંભીર કૃત્યોને અંજામ આપતા રહે અને તેની સામે કોઈ જ કાર્યવાહી ન થાય તો એ ગંભીર બાબત જ કહી શકાય તેમ છે. કલેકટરશ્રીએ આ બાબતે સૌના કાન આમળવા જોઈએ.

જામનગરનો નરેન્દ્ર કાસેઝમાં કોના જોરે કરે છે બેફામ કુદા-કુદ?

અગાઉના એક કેસમાં વોન્ટેડ નરેન્દ્રની ભુમિકા હાલના સિગારેટના કેસમાં પણ આવે છે ચર્ચામા
ગાંધીધામ : કાસેઝમાં જે કેટલાક ભેજાબાજો અધમ અને ઉન્માદ મચાવી રહ્યા છે તેમાં જામગનરના નરેન્દ્રનું નામ પણ ભારે ચકચારમાં રહે છે. આ નરેન્દ્ર અગાઉ એ કેસમાં વોન્ટેડ છે અને વર્તમાન સમયે જે ૧૦ કરોડની સિગારેટ પકડાઈ છે તેમાં પણ બહાર નીકળી ગયેેલી આ સિગારેટના જથ્થાની સ્થાનિકે ગેરકાયદેર વેપલા માટે નરેન્દ્રનુ નેટવર્ક જ કામ સંભાળવાનુ હોવાની વાત સામે આવી રહી છે તેમ છતા પણ નરેન્દ્ર સામે કોઈ જ લાલઆંખ થતી દેખાતી નથી. આ નરેન્દ્ર કોના જોરે કાસેઝમાં આટલો બધો છાકટો બની જવા પામ્યો છે. આજની તારીખે પણ જામગનરમાં તે ખુલ્લેઆમ ફરી રહ્યો હોવાનુ કહેવાય છે. નરેન્દ્રને જ કેમ સાણસામાં લેવામાં નથી આવતો? કાસેઝ કસ્ટમ અને પ્રશાસન દ્વારા આ શખ્સ બાબતે જામનગર પોલીસને કેમ જાણ કરવામાં નથી આવતી?

સોપારીનો ઈમ્પોર્ટસ કોણ? કાસેઝનું તેનું લાયસન્સ જ કરવુ જોઈએ રદ

ગાંધીધામ : કાસેજથી દિલ્હી જવા નીકળેલ સોપારી ભરેલા કન્ટેઈનરને રસ્તામાં સગેવગે કરી દીધાની ઘટના બન્યા બાદ એજન્સી દ્વારા આયાતકારી પેઢીનુ અન્ય કન્ટૅનર જે આજ રીતે દિલ્હી જવા રવાના થઈ રહ્યું હતું, તેને પરત કાસેઝમાં જવાનો આદેશ આપ્યો હોવાનુ કહેવાય છે. અને જે પરત આવતા તેને ચેક કરતા તેમાં સંપુર્ણ સોપારી હોવાનું મળી આવ્યું હોવાનુ ચર્ચાય છે. આમ, જથ્થો બહાર નિકળ્યા બાદ તેને રસ્તામાંજ સગેવગે કરી દેવાની મોડસ ઓપરેન્ડી પરથી પરદો ઉંચકાયો છે ત્યારે હવે આ પ્રકરણમાં આયાતકાર તેમજ સબંધિત વ્યક્તિઓની તપાસ હાથ ધરવામાં આવે અને આયાતકારનું લાયસન્સ જ આ કેસમાં રદ કરી દેવાય તે પણ સમયની માંગ જ બની રહી છે.