ધ્રબની કમંઢપુર પ્રાથમિક શાળામાં રાષ્ટ્રીય બાલિકા દિવસની ઉજવણી કરવામાં આવી

0
47

બાળકોને ઈમરજન્સી હેલ્પલાઇન અંગેની જાણકારી આપવામાં આવી

દેશના બાળકોમાં દિકરા-દિકરીઓની સંખ્યા વચ્ચે પ્રવર્તતી અસમાનતા  અને  બાલિકાઓના શિક્ષણ, પોષણ, સ્વાસ્થ્ય સુવિધાઓ, સુરક્ષા, સન્માન, કાનૂની અધિકારો અંગે જાગરૂકતા વધારવા માટે ૨૪ જાન્યુઆરીનો દિવસ દેશભરમાં રાષ્ટ્રીય બાલિકા દિવસ તરીકે ઉજવવામાં આવે છે ત્યારે મુન્દ્રા તાલુકાના ધ્રબની કમંઢપુર પ્રાથમિક શાળામાં પણ આ દિવસની ભારે ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી.

કાર્યક્રમની શરૂઆતમાં રાષ્ટ્રીય કિશોર સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત હેલ્થ કાઉન્સિલર મહેન્દ્ર વાઘેલાએ વિદ્યાર્થીઓને સ્વચ્છતા, સમતોલ આહાર, કસરત જેવા વિવિધ વિષયોને આવરી લઈને આરોગ્યલક્ષી જાણકારી આપી હતી.

પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ઝરપરાના હેલ્થ સુપરવાઇઝર પ્રકાશ ઠક્કર દ્વારા મહિલા કલ્યાણ તેમજ બાળ વિકાસ મંત્રાલય દ્વારા ૨૦૦૮થી આ દિવસને રાષ્ટ્રીય બાલિકા દિવસ તરીકે ઉજવવામાં આવે છે એવી જાણકારી આપવાની સાથે ઇમરજન્સી હેલ્પલાઇન નંબર ૧૦૦(પોલીસ), ૧૦૧(ફાયર), ૧૦૪(આરોગ્ય-તાવ), ૧૦૮(આરોગ્ય,અકસ્માત, ઇમરજન્સી), ૧૮૧(અભયમ), ૧૦૯૮(ચાઈલ્ડ હેલ્પ) અંગેની માહિતી આપી હતી.

ઉપરાંત દીકરો – દીકરી એક સમાન સૂત્રની અમલવારી કરવા માટે સરકાર દ્વારા ગર્ભસ્થ શિશુની જાતીય તપાસ પર સંપૂર્ણ નિષેધ અંગે કડક અમલવારી શરૂ કરવામાં આવી છે તે અંગે કાયદાકીય જાણકારી આપવાની સાથે સેવ ગર્લ ચાઈલ્ડ સ્કીમ દ્વારા દીકરીને બચાવી, ભણાવી – ગણાવી સમાજમાં મોભાનું સ્થાન પ્રાપ્ત કરવાની હિમાયત કરી હતી.

ધ્રબના સામુદાયિક આરોગ્ય અધિકારી ડો. હસનઅલી આગરીયાએ બાળકોની આરોગ્ય તપાસ કરી હતી તથા નીતાબેન મકવાણાએ સેનિટેશન અંગે બાલિકાઓને જાણકારી આપી હતી અને સ્થાનિક આશા કાંતાબેન મહેશ્વરીએ બાળકોના વજન ઉંચાઈ કર્યા હતા.

કાર્યક્રમના અંતે શાળાના આચાર્ય પરેશભાઈ નાયીએ આભારની લાગણી વ્યક્ત કરતા ગુજરાતમાં બેટી બચાવો, બેટી પઢાવો અભિયાનની શરૂઆત કરીને દેશને નવો રાહ ચીંધનાર તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અભિયાનને વેગ આપવા બાળકના માતા-પિતા તેમજ વાલીઓ આગળ આવી દીકરીને ભણાવે એવી અપીલ કરી હતી.