કચ્છના ૧૬૦૦ થી વધુ બુઝુર્ગ મતદારો સંપર્ક વિહોણા બન્યાનું ઉજાગર

0
30

  • ૮૦ વર્ષથી વધુ વયના મતદારોને સન્માનવા ટાંકણે વિગત આવી સામે

મતદારના મૃત્યુ, અન્ય સ્થળે રહેણાંક બદલ્યા બાદ નામ કમી ન કરાવ્યાનું તારણ : ચૂંટણી તંત્રે ફોર્મ – ૭ ભરી નામ કમી કરવાની હાથ ધરી કામગીરી

(બ્યુરો દ્વારા)ભુજ : ગુજરાત વિધાનસભાની ચૂંટણીને આડે ત્રણેક માસ જેટલો સમય બાકી રહ્યો હોઈ રાજકીય પક્ષોની સાથોસાથ ચૂંટણી તંત્ર પણ હરકતમાં આવી ગયું છે. હાલમાં જ ચૂંટણી પંચની સુચના અનુસાર ખાસ મતદાર યાદી સંક્ષિપ્ત સુધારણા ઝુંબેશ પણ હાથ ધરવામાં આવી હતી. વિધાનસભાની ચૂંટણીમાં ૮૦ ધવર્ષથી વધુની ઉંમરના વરિષ્ઠ નાગરિકો મતદાન કરે અને યુવાનોને પ્રેરણા મળે તે હેતુથી ૮૦ વર્ષથી વધુ ઉમરના મતદારોને શુભેચ્છા પત્ર પાઠવી વિધાનસભા ચૂંટણીમાં મતદાન કરવા માટે પ્રોત્સાહિત કરાયા હતા, ત્યારે આ ઝુંબેશ દરમ્યાન ૧૬૦૦ થી વધુ બુઝુર્ગ મતદારો સંપર્ક વિહોણા બન્યાનું ઉજાગર થવા પામ્યું છે.આ અંગેની વિગતો મુજબ કચ્છ જિલ્લાની છ સહિત રાજ્યની ૧૮ર વિધાનસભા બેઠકો પર આગામી સમયમાં ચૂંટણી યોજાનાર છે. લોકશાહીના મહાપર્વ એવા વિધાનસભાની ચૂંટણીમાં મતદાર યાદીમાં નોંધાયેલા તમામ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરે તે માટે ચૂંટણીપંચ અત્યારથી જ સક્રિય બન્યું છે. સિનિયર સિટીઝનો તેમાં પણ ખાસ કરીને ૮૦ વર્ષથી વધુની ઉમરના મતદારો મતદાન કરે તે માટે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ચૂંટણી પંચના આદેશાનુસાર કચ્છ જિલ્લા મુખ્ય ચૂંટણી અધિકારી અને નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા જિલ્લાની છ વિધાનસભા બેઠક પર નોંધાયેલા ૮૦ વર્ષથી વધુની ઉમરના ૩પ૧૮૦ મતદારો મતદાન કરે તે માટે તેઓને પત્ર લખવામાં આવ્યા હતા. બીએલઓ મારફતે આ પત્રો તમામ મતદારો સુધી પહોંચતા કરાયા છે. આવા મતદારો પ૦ વર્ષથી વધુ સમયથી મતદાન કરી રહ્યા છે તે માટે તેઓને શુભેચ્છા પણ પાઠવવાની સાથોસાથ આ સિનિયર સીટીઝન મતદારો ચૂંટણીમાં મતદાન કરે અને યુવાનોને મતદાન કરવા માટે પ્રેરણા પુરી પાડે તે માટે વિનંતી પણ કરાઈ હતી. જો કે આ કામગીરી દરમ્યાન ૧૬૦૦ થી વધુ
બુઝૂર્ગ સંપર્ક વિહોણા બન્યાની પણ માહિતી મળવા પામી છે.આ બાબતે કચ્છના ચૂંટણી વિભાગના સુત્રોએ કે, ચૂંટણી પંચના આદેશ મુજબ કચ્છ જિલ્લામાં પણ ૮૦ વર્ષથી વધુ ઉમરના ૩પ૧૮૦ મતદારોને બીએલઓ મારફતે ઘરે જઈને શુભેચ્છા પત્ર પાઠવવામાં આવ્યા હતા. આ પત્ર પાઠવતી વેળાએ કચ્છની છ વિધાનસભા બેઠકો પર ૧૬૦૦ થી વધુ બુઝુર્ગ મતદારોનો સંપર્ક થઈ શકયો ન હતો. મતદારના મૃત્યુ, અન્ય સ્થળે રહેણાંક બદલ્યા બાદ નામ કમી ન કરાવ્યાના કારણે આ સ્થિતિ સર્જાઈ હોઈ ચૂંટણી તંત્રે ફોર્મ – ૭ ભરી નામ કમી કરવાની કામગીરી હાથ ધરી છે.