મોરબી હોનારત : સગાઈ પ્રસંગે ગયેલા કચ્છના પરીવારનો માળો વિંખાઈ ગયો

0
58

ભુજની મહિલાને ઈજાઓ પહોંચી તો પતિ અને બે પુત્રોના મોત નિપજયા : કુલ મૃત્યુ આંક તો ૧૯૧ થયો પણ બપોર સુધી સતાવાર જાહેર થયેલા ૧૩ર મોતમાં કચ્છના પાંચનો સમાવેશ

ભુજ : મોરબી ખાતે બનેલી દુર્ઘટનામાં અનેકના જીવ ગયા છે ત્યારે કચ્છના પરીવારનો માળો પણ વિંખાઈ ગયો છે. ભુજનો યુવક, તેની બહેન અને રાપર ખાતે રહેતા તેના પતિ-પુત્રો સગાઈ પ્રસંગે મોરબી ગયા હતા, જયાંથી પ્રસંગ પતી ગયા બાદ ઝુલતો પુલ નિહાળવા માટે ગયા હતા અને તે વેળાએ જ આ દુર્ઘટના બનતા પતિ અને બે પુત્રોના મોત નિપજયા હતા, જયારે તેમની સાથે મોરબીના અન્ય ચાર કુંટુબીજનો પણ મોતને ભેટયા હતા. આ દુઃખદ ઘટનામાં કુલ ૧૯૧ જેટલા લોકોના મોત થયા છે. પરંતુ બપોર સુધી સત્તાવાર ધોરણે ૧૩ર લોકોના નામ સામે આવ્યા હતા, જેમાં કચ્છના પાંચ વ્યક્તિ હોવાનું જાણવા મળ્યું છે.ભુજ શહેરના લખુરાઈ ચાર રસ્તા પાસે રહેતા અને કન્સ્ટ્રકશન વ્યવસાય સાથે જોડાયેલા કાસમભાઈ કુંભારે જણાવ્યું હતું કે, તે પોતાની બહેન, ભાણેજા અને બનેવી સાથે સગાઈ પ્રસંગે મોરબી ગયા હતા, મોરબી ખાતે સગાઈ પુર્ણ થયા બાદ ફરવા માટે તેઓ મોરબીના સબંધીઓ સાથે ઝુલતો પુલ જોવા માટે ગયા હતા. મોરબીની આ દુર્ઘટના થતા જ તેમની બહેનને ઓછી વતી ઈજાઓ પહોંચી હતી, જયારે તેમના બનેવી હુશેન દાઉદભાઈ કુંભાર તેમના ભાણેજા હનીફ હુશેન કુંભાર અને અસદ હુશેન કુંભાર પાણીમાં ગરકાવ થઈ ગયા હતા, બાદમાં સ્થાનિક લોકો અને બચાવ ટુકડીએ તેમના મૃતદેહ બહાર કાઢયા હતા. મૃતક ત્રણેય રાપર તાલુકાના વતની છે, જયારે તેમની સાથે અન્ય ચાર સબંધીઓ મોરબીના હતા, તેમના પણ આ દુર્ઘટનામાં મોત નિપજયા હતા. ત્રણેયના મૃતદેહને ઘરે લાવી દફનવિધી સહિતની પ્રક્રીયા હાથ ધરવામાં આવી હતી. દરમિયાન તંત્ર દ્વારા જાહેર કરવામાં આવેલી માહિતી પ્રમાણે મૃતકોમાં કચ્છના ૧૮ વર્ષિય રેશ્માબેન અલીમામદભાઈ કુંભાર, ૮ વર્ષિય અસદહુસેન માથેરી, ૧૮ વર્ષિય હનીફ હુસેન કુંભાર, ૩૪ વર્ષિય કમળાબેન મુકેશભાઈ બારડ અને ૪૬ વર્ષિય હુસેનભાઈ દાઉદભાઈ આકળાનો સમાવેશ થાય છે.

સાંસદ વિનોદ ચાવડા રાતથી રહ્યા ખડેપગે

બનાવની જાણ થતાં કચ્છ મોરબીના સાંસદ વિનોદભાઈ ચાવડા રાતથી બનાવ સ્થળે ખડેપગે રહ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વિનોદ ચાવડાનો ટેલિફોનીક સંપર્ક સાધી બનાવની હક્કિતો જાણી હતી. રાહત કાર્ય સાથે ઘવાયેલા લોકો ઝડપથી સ્વસ્થ થાય તે માટે હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. આજે સવારે મોરબી કલેકટર કચેરી ખાતે મુખ્યમંત્રીની હાજરીમાં યોજાયેલી બેઠકમાં સાંસદ વિનોદભાઈ ચાવડા, ગૃહમંત્રી હર્ષ સંઘવી સહિતનાઓ દ્વારા આગળની કાર્યવાહી માટેની ચર્ચા વિચારણ કરવામાં આવી હતી.

મોરબી દુર્ઘટના : હૃદયદ્વાવી ઘટનાથી કચ્છના લોકો પણ કંપી ઉઠ્યા

ગત સાંજે જાણ થતાં ભુજ, ભચાઉ અને રાપરથી ફાયર બ્રિગેડ અને તરવૈયાઓ તેમજ ભુજથી આર્મીની ટીમનો બચાવ રાહત કાર્ય માટે મોરબીમાં પડાવ : સામખિયાળી સહિતના ગામોમાંથી સેવાભાવી યુવાનો પણ પળવારના વિલંબ વગર દોડી ગયા : ૧પ૦ જેટલા મૃતકોમાં કચ્છના પાંચનો સમાવેશ

મોરબીમાં મચ્છુ નદી પરનો ઝુલતો પુલ તૂટી પડતા સર્જાયેલી દુર્ઘટનામાં બચાવ કાર્ય માટે કચ્છનું વહીવટી તંત્ર તાત્કાલિક એકશન મોડમાં આવ્યું હતું. કચ્છ કલેકટર દિલીપ રાણાની સૂચનાથી ભુજ નગરપાલિકા હસ્તકના ફાયર ફાઈટર વાહનો, કુશળ તરવૈયાઓ અને કર્મચારીઓની ટીમ ગત મોડી સાંજે જ મોરબી રવાના કરવામાં આવી હતી. તો ભુજથી આર્મીની એક ટીમ પણ મદદ માટે પહોંચી હતી.ડિઝાસ્ટર મામલતદારની કચેરીએથી મળતી વિગતો અનુસાર ભુજ ઉપરાંત ભચાઉ અને રાપરથી પણ બચાવ કાર્ય માટે તરવૈયાઓની ટીમ મોરબી મોકલાઈ હતી, જેઓ દ્વારા નદીના પાણીમાં ફસાયેલા લોકોને બહાર કાઢવા સાથે હોસ્પિટલમાં પહોંચાડવાની કામગીરી કરવામાં આવી હતી. કચ્છના વિવિધ વિસ્તારોમાંથી ર૧ તરવૈયાઓ ઉપરાંત બોટ, વાહનો અને ઈઆરસી સાથેની ટીમો ગત રાત્રે મોરબી પહોંચી ગઈ હતી. ભુજના નગરપતિ ઘનશ્યામભાઈ ઠક્કરે જણાવ્યું હતું કે, મોરબી દુર્ઘટનાની જાણ થતા જ અને જિલ્લા વહીવટી તંત્ર તરફથી સૂચના મળતા ફાયર ફાઈટર વાહનો અને રીઝર્વ સ્ટાફ ઉપરાંત કુશળ તરવૈયાઓને મોરબી રવાના કરાયા હતા.

કચ્છના લોકોએ મૃતકોને શ્રદ્ધાંજલિ આપી જવાબદારો સામે કાર્યવાહીની કરી માંગ

મોરબીમાં ઝુલતો પુલ તૂટી જતા બાળકો સહિત અંદાજે ૧૪૧થી વધુ લોકોના મોત થયા હતા. જેમાં કચ્છના પાંચ લોકોનો સમાવેશ થાય છે. ત્યારે કચ્છની વિવિધ સંસ્થાઓ અને જાગૃત નાગરિકો દ્વારા મૃતકોને શ્રદ્ધાંજલિ આપવા સાથે આ ઘટનામાં જેની બેદરકારી છે, તેવા ઓરેવા ગ્રુપ સહિત કોન્ટ્રાકટર અને નગરપાલિકા સામે કાર્યવાહી કરવાની માંગ કરાઈ છે. ભુજ સ્થિત માનવજ્યોત કાર્યાલય ખાતે સંસ્થાના પ્રબોધભાઈ મુનવર, રમેશભાઈ માહેશ્વરી, પૃથ્વીરાજસિંહ જાડેજા, સુરેશ માહેશ્વરી, શંભુભાઈ ગઢવી, કનૈયાલાલ અબોટી, રફીક બાવા, આનંદ રાયસોની, દિપેશ શાહ વગેરેએ મૃતકોને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા. વિશ્વ હિન્દુ પરિષદના વિભાગ મંત્રી કૃષ્ણકાંત પંડયાએ દુઃખદ ઘટનામાં મૃત્યુ પામેલા લોકોની આત્માને શાંતિ મળે તેવી પ્રાર્થના કરી હતી. આ તરફ આરએસએસ સૌરાષ્ટ્ર પ્રાંત દ્વારા શ્રદ્ધાંજલિ પાઠવતા જણાવાયું હતું કે, સમાજે આ સમયમાં સંયમ અને સમજથી કામ લેવું જોઈએ.

સેવાભાવી સંસ્થાઓ પણ મદદ માટે દોડી ગઈ

ભુજની મુક્તિજીવન સ્વામીબાપા સંસ્થાના ડિઝાસ્ટર મેનેજમેન્ટના ૩પ જેટલા સ્વયંસેવકો પણ મોરબી રવાના થયા હતા. આ સિવાય સામખિયાળી સહિતના વિસ્તારમાંથી સ્થાનિક યુવાનો તેમજ બચાવ રાહતની કામગીરી માટે ધાર્મિક અને સેવાકીય સંસ્થાઓના વાહનો પણ પહોંચ્યા હોવાનું જાણવા મળ્યું છે.