મિશન – ર૦રર : કચ્છમાં કકળાટ શરૂ : રાજકીય પક્ષો સામે સમાજ શક્તિનો મોરચો

0
73

  • લોહાણા – જૈન સમાજની નારાજગી લાલબતીરૂપ

ટિકિટ ફાળવણી બાદ ઠેર- ઠેર કચવાટ : લોહાણા સમાજના સક્ષમ અપક્ષ ઉમેદવારને મહાપરિષદનું સમર્થન

રાજકીય અન્યાય સામે લડત ચલાવવા લોહાણા મહાપરિષદનો ખુલ્લો પત્ર વહેતો થયો : કચ્છમાં પણ સમાજના આગેવાનોની ખાનગી બેઠકોનો દોર શરૂ : ઉમેદવારી પત્રક દાખલ કરવાના અંતિમ દિવસે નવાજુની થવાના એંધાણ

ભુજ : ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં લોહાણા સમાજને રાજકીય પક્ષો દ્વારા ઘોર અન્યાય થયો છે. આગામી વિધાનસભા ચૂંટણી માટે મુખ્ય રાજકીય પક્ષોએ સમગ્ર રાજ્યમાં રઘુવંશી સમાજની અવગણના કરી છે. ત્યારે આવનારી ચૂંટણીમાં લોહાણા સમાજના સક્ષમ ઉમેદવારોને અપક્ષ ચૂંટણી લડવા માટે લોહાણા મહાપરિષદે અહવાન કર્યું છે.
કચ્છ જિલ્લાની તમામ છ બેઠકો પર રાજકીય પક્ષોએ પોતાના ઉમેદવારો જાહેર કરી દીધા છે. કોઈ પણ રાજકીય પક્ષ દ્વારા લોહાણા સમાજના કોઈ પણ ઉમેદવારને ટીકીટ મળી નથી. ત્યારે લોહાણા સમાજે રાજકીય પક્ષોને પોતાની તાકાત બતાવવાનું નક્કી કરી લેવું જોઈએ. આગામી સોમવારે ઉમેદવારી પત્રક દાખલ કરવાનો અંતિમ દિવસ છે, ત્યારે લોહાણા મહાપરિષદનો એક ખુલ્લો પત્ર વહેતો થયો છે, જેમાં જણાવાયું છે કે, કચ્છ સહિત દરેક જિલ્લા અને શહેરોમાં લોહાણા જ્ઞાતિના મતદારોની સંખ્યા નોંધપાત્ર છે. ઘણા વિસ્તારોમાં લોહાણા સમાજનું પ્રભુત્વ પણ છે, ત્યારે રાજકીય પક્ષો જો લોહાણા સમાજને ઉમેદવારી આપવામાં વિચારણા ન કરે તો સમાજના આગેવાનોએ અપક્ષ ઉમેદવાર તરીકે લડવા આગળ આવવું જોઈએ.કચ્છની વાત કરીએ તો લોહાણા સમાજના મતદારોની સંખ્યા ૪ર,૬પ૭ નોંધાઈ છે, જેમાં સૌથી વધુ મતદારો ભુજ વિસ્તારમાં ૧૪,૭૧પ નોધાયા છે. ભુજ બેઠક પર હારજીત માટે લોહાણા સમાજના મતદારો નિર્ણાયક ભુમિકા ભજવે છે. ત્યારે કચ્છ જિલ્લામાં પણ ભુજની બેઠક પર કોઈ લોહાણા સમાજના આગેવાન અપક્ષ ઉમેદવારી નોંધાવે તેવી શકયતાઓ જોવાઈ રહી છે. લોહાણા પરિષદના ખુલ્લા પત્ર બાદ ભુજમાં સમાજના આગેવાનોની ગુપ્ત બેઠકોનો દોર ચાલી રહ્યો હોવાનું ચર્ચાઈ રહ્યું છે. તો સોમવારે ભુજ વિધાનસભા બેઠક પર લોહાણા સમાજના કોઈ દિગ્ગજ આગેવાન અપક્ષ ઉમેદવારી નોંધાવે તેવી ચર્ચા હાલે ભુજ શહેરમાં ચાલી રહી છે.લોહાણા મહાપરિષદના પ્રમુખ સતીશ વિઠલાણીએ આવી હિંમત કરનાર સમાજના ઉમેદવારને તન, મન અને ધનથી મદદ કરવાની ખાત્રી આપી છે. તથા સમાજના તમામ લોકો પણ તેને મદદ કરશે તેવી ખાત્રી ઉચ્ચારી છે. આ ખુલ્લા પત્રમાં જણાવાયું છે કે, વિધાનસભાની ચૂંટણીમાં જો રાજકીય પક્ષોની આંખ ખોલવામાં નહીં આવે તો ભવિષ્યમાં પણ આ રીતે જ અન્યાય થતો રહેશે. લોહાણા સમાજ દરેક ક્ષેત્રમાં આગળ છે, પરંતુ રાજકીય ક્ષેત્રે હાંસીયામાં ધકેલાઈ ગયો છે. સમાજને ઉપર લાવવા માટે આ વખતે પ્રયાસ કરવો અનિવાર્ય છે. રાજકીય પક્ષોને સંગઠનની શક્તિનો પરચો બતાવવા લોહાણા મહાપરિષદના ખુલ્લા પત્રમાં અપીલ કરવામાં આવી છે.આ અંગે શ્રી લોહાણા મહાપરિષદના કચ્છ ઝોનના ઝોનલ પ્રેસિડેન્ટ કે.સી. ઠક્કરનો સંપર્ક કરતાં તેમણે જણાવ્યું હતું કે, લોહાણા મહાપરિષદ દ્વારા રઘુવંશી સમાજને જાહેર અપીલ કરાઈ છે, ત્યારે કચ્છની કોઈ પણ બેઠક પર લોહાણા સમાજના સક્ષમ અપક્ષ ઉમેદવાર નામાંકન પત્ર ભરશે તો લોહાણા મહાપરિષદ દ્વારા તેમને સંપૂર્ણ ટેકો આપવામાં આવશે.જયાં એકતરફ લોહાણા સમાજ ટીકીટ ફાળવણી મુદ્દે રાજકીય પક્ષોથી નારાજ છે, ત્યાં કચ્છના અન્ય સમાજોમાં પણ ટીકીટ ફાળવણીને લઈને કયાંકને કયાંક કચવાટ જોવા મળી રહ્યો છે. સેન્સ પ્રક્રિયા દરમિયાન અનેક સમાજો દ્વારા પોતાના સમાજને પ્રતિનિધિત્વ મળે તેવી માંગ રાજકીય પક્ષો સમક્ષ મુકાઈ હતી. ટીકીટ ફાળવણી બાદ હવે અમુક સમાજોમાં પ્રતિનિધિત્વ ન મળતાં નારાજગી સ્પષ્ટ દેખાઈ રહી છે.કચ્છની છ વિધાનસભા બેઠકો માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉમેદવારોના નામ જાહેર કરી દેવાયા છે. તમામ બેઠકો પર સ્થાનિક ઉમેદવારને ટીકીટ ફાળવવામાં આવી છે, જેને સમગ્ર જૈન સમાજે આવકાર આપ્યો છે, પરંતુ કચ્છની એક પણ બેઠક પર જૈન સમાજને ટીકીટ ન મળતાં સમાજમાં નારાજગી જોવા મળી છે તેવું ભાજપના જૈન અગ્રણી વાડીલાલ દોશીએ જણાવ્યું હતું. ઉમેદવારોની સેન્સ પ્રક્રિયા દરમિયાન દરેક સીટ પર સ્થાનિક ઉમેદવારને ટીકીટ આપવાની માંગ ભાજપ હાઈકમાન્ડે માન્ય રાખી હતી, પરંતુ જાહેર થયેલી યાદીમાં એક પણ જૈનનું સમાવેશ થયો નથી, જેથી જૈન સમાજમાં અસંતોષની લાગણી ફેલાઈ છે.ટિકિટ ફાળવણી મુદ્દે જૈન સમાજમાં અસંંતોષ