કચ્છની સરકારી કચેરીઓમાં આવતીકાલથી મીની વેકેશન

0
20

  • કામકાજનો આજે છેલ્લો દિવસ…

ચાલુ મહિનાના અંત સુધી રજાઓનો માહોલ રહેવાનો હોઈ કચેરીઓ ભાસશે સુમસામ : અન્ય જિલ્લાના બાબુઓ આજ સાંજથી જ પોતાના વતનની પકડશે વાટ

અરજદારોના કામો ચડશે ટલ્લે : દિપોત્સવી બાદ ચૂંટણીની તારીખો જાહેર થાય તેમ હોઈ અધિકારી – કર્મચારીઓ ચૂંટણી કામગીરીમાં વ્યસ્ત બન્યા બાદ મોટા ભાગની કામગીરી બની શકે છે પ્રભાવિત

(બ્યુરો દ્વારા)ભુજ : કચ્છની શાળા – કોલેજોમાં ગઈકાલથી જ દિવાળી વેકેશન શરૂ થઈ ગયું હોઈ શૈક્ષણિક સંકેુલો સુમસામ બન્યા છે. આવતીકાલથી સરકારી કચેરીઓમાં પણ મીની વેકેશનનો પ્રારંભ થઈ રહ્યો છે. આગામી આઠ થી દસ દિવસ સુધી તહેવારો સહિતની રજાઓના પગલે કચેરીઓમાં પણ કાગડા ઉડતા નજરે ચડશે.આ અંગેની વિગતો મુજબ હિન્દુઓના પવિત્ર અને સૌથી મોટા તહેવાર દિપોત્સવીના પંચપર્વનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. તહેવારોની ઉજવણીને લઈને સૌ કોઈમાં અનેરો થનગનાટ જોવા મળી રહ્યો છે. બજારોમાં પણ હવે છેલ્લી ઘડીની ગ્રાહકી નિકળતા વેપારીઓના મુખે પણ અનેરી રોનક જોવા મળી રહી છે. આ મોટા તહેવાર દરમ્યાન બાળકોને શાળામાં વેકેશન હોવા સાથે અધિકારી – કર્મચારીઓ માટે પણ રજાઓનો યોગ સર્જાતા પ્રવાસના આયોજનો પણ ઘડી લેવાયા છે. લાંબા સમય બાદ સરકારી કચેરીઓમાં લાંબા મીની વેકેશનની સ્થિતિ સર્જાતા અધિકારી – કર્મચારીઓના મુખે પણ ખુશી જોવા મળી રહી છે. દિપોત્સવી બાદ ચૂંટણી જાહેર થાય તેમ હોઈ તે પૂર્વે અધિકારી – કર્મચારીઓ પોતાના પરિવારજનો સાથે વધુમાં વધુ સમય વીતાવી શકે તે હેતુથી થનગની રહ્યા છે. આવતીકાલે ચોથા શનિવાર સાથે સરકારી કચેરીઓમાં મીની વેકેશન શરૂ થઈ રહ્યું છે. મહિનાના અંત સુધી રજાઓનો યોગ સર્જાતો હોઈ આઠ થી દસ દિવસ સુધી મોટા ભાગની કચેરીઓમાં જવાબદારોની ગેરહાજરી જોવા મળી શકે તેમ છે. આજે કામકાજનો છેલ્લો દિવસ હોઈ અન્ય જિલ્લાના બાબુઓ સાંજથી જ પોતાના વતનની વાટ પકડી લેશે.હાલે દિપોત્સવી પર્વ્‌ અને તે બાદ ચૂંટણીની તારીખો જાહેર થાય તેમ હોઈ અધિકારી – કર્મચારીઓ ચૂંટણી કામગીરીમાં વ્યસ્ત બન્યા બાદ મોટા ભાગની કામગીરી પ્રભાવિત બની શકે તેમ છે.