માંડવી પંથકમાં ખનિજ માફીયા બેફામ : ચાર જગ્યાએ રેતી ચોરી ફુલ સ્વીંગમાં

0
295

  • સવારના પાંચ વાગ્યાના ટકોરે માર્ગો પર રેતી ચોરીના ટ્રેકટરો સળસળાટ દોડતા થાય

કોડાય, રાયણ, નાગલપુર અને જતનગર વિસ્તારમાં ૩૦ જેટલા ટ્રેકટરો વહેલી સવારે લોડિંગ થઈ કન્સ્ટ્રકશન સાઈટ પર પહોંચી જાય : સ્થાનિક ખાખીધારીઓના ટ્રેકટરો પણ રેતી ચોરીની પ્રવૃત્તિમાં સામેલ

ભુજ : પશ્ચિમ કચ્છમાં ખાણ ખનીજ વિભાગની ટુકડીએ મોટાભાગે નિષ્ક્રીય રહેતી હોય છે, માધ્યમો અથવા ત પોલીસ વિભાગ દ્વારા અંગુલી નિર્દેશ કરાય ત્યારે તેઓ આળસ મરડી કાર્યવાહી કરતા હોય છે. પશ્ચિમ કચ્છ પોલીસ દ્વારા પણ અવાર નવાર રેતી, બોકસાઈટ, બેન્ટોનાઈટની ગેરકાયદેસર ખન્ન અને પરીવહન પર કાર્યવાહી કરાતી હોય છે ત્યારે માંડવી પંથકમાં દરરોજ સવારે પાંચ વાગ્યાના ટકોરે દોડતા રેતી ચોરીના ટ્રેકટરો પર કોઈ કાર્યવાહી કરાતી ન હોવાથી પંથકના લોકો અચંબામાં પડી ગયા છે.પશ્ચિમ કચ્છ એલસીબી દ્વારા તાજેતરમાં નખત્રાણા પંથકમાં રેતીચોરી પર કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, તો એ પુર્વે નાસતા ફરતા આરોપીઓને પકડતી પેરોલ ફરલો સ્કવોડની ટુકડીએ રેતી ચોરી કરીને જતા ડમ્પરોને પકડી લીધા હતા. જો કે ભુજ તાલુકાના ગામડાઓમાં જેવા કે હબાય, ઝીકડી, કુનરીયા, નાડાપા સહિતના વિસ્તારોમાં પરીવહન થતી રેતી ચોરીની પ્રવૃત્તી પર કાર્યવાહી કરવામાં આવી હોય તેવો એકેય કિસ્સો સામે આવ્યો નથી. બીજીતરફ, માંડવી પંથકના કોડાય, રાયણ, નાગલપુર અને જતનગર પંથકમાંથી દરરોજ સવારે ૩૦ જેટલા ટ્રેકટરો ગેરકાયદેસર રીતે લોડિંગ કરી અને પંથકના માર્ગો પર સળસળાટ દોડતા હોય છે, પણ આ ટ્રેકટરો સામે કોઈ કાર્યવાહી હજુ કરાઈ નથી. સ્થાનિક ખાખીધારીઓના સાતથી આઠ ટ્રેકટર પણ આ રેતી ચોરીની પ્રવૃત્તીમાં સામેલ હોવાથી પશ્ચિમ કચ્છ એલસીબી, પેરોલ ફરલો સ્કવોડ અને સ્થાનિક પોલીસને કાર્યવાહી કરવામાં આંખની શરમ નડતી હોય તે પણ એક કારણ જાણકારો વ્યકત કરી રહ્યા છે.આ ચાર જગ્યાની રેતીની માંગ વધારે હોવાથી દરરોજ સવારે આ ટ્રેકટરો લોડિંગ કરી એક જ કલાકમાં કન્સ્ટ્રકશન સાઈટ પર પહોંચી જાય છે.

એસ.પી. કક્ષાએથી જ આ પ્રવૃત્તી પર રોક આવી શકે
પશ્ચિમ કચ્છમાં થતી ખનીજ ચોરીની પ્રવૃત્તી પર એસ.પી.ના સીધા માર્ગદર્શન હેઠળ અવાર નવાર દિવસે અને રાત્રી દરમિયાન કાર્યવાહી કરાતી હોય છે, ત્યારે માંડવી પંથકમાં દોડતા આ ટ્રેકટરો પર હજુ સુધી ધાક બેસાડતી કાર્યવાહી કરાતી નથી. આમ, આ પંથકમાં સવારે પાંચ વાગ્યાના ટકોરે દોડતા સળસળાટ ટ્રેકટરો પર કાર્યવાહી કરી સરકારી તીજોરીને નુકસાન થતુ અટકાવાય તેમજ રેતીચોરીની પ્રવૃત્તી પર સકંજો એસ.પી. કક્ષાએથી જ થઈ શકે તેમ છે.