મુંબઈથી એમ.ડી. ડ્રગ્સની અગાઉ કેટલી ખેપ મારી તે માટે બે દિવસના રિમાન્ડ લેવાયા

0
36

  • રવિવારે રાત્રે બોરીવલી સ્ટેશન બહાર મુંબઈ એ.ટી.એસ.ની ટીમે દબોચ્યો હતો

મુંબઈથી કયા કયા ડ્રગ્સ માફીયાઓ પાસેથી એમ.ડી. ખરીદતો તેના નામ પણ ખુલશે

ભુજ : રવિવારે રાત્રે એક વાગ્યાના અરસામાં મહારાષ્ટ્ર એ.ટી.એસ.ની ટુકડીએ બાતમી આધારે બોરીવલી સ્ટેશન બહાર ડ્રગ્સનો જથ્થો લઈ ભુજ જઈ રહેલા યુવકને દબોચી લીધો હતો. કસ્તુરબા પોલીસ મથકે ભુજના યુવક સામે ગુનો નોંધી તેને કોર્ટમાં રજૂ કરી બે દિવસના રિમાન્ડ લેવાયા હતા. રિમાન્ડ દરમિયાન મુંબઈથી અગાઉ કેટલી ડ્રગ્સની ખેપ મારી અને કયા કયા ડ્રગ્સ ડિલર પાસેથી જથ્થો ખરીદી કરતો તેના નામ ખુલવા પામશે.ભુજ શહેરના સંજોગનગર ખાતે રહેતો ઈમરાન ઉર્ફે રોયલ અબ્દુલ અરબ રવિવારે રાત્રે મુંબઈથી ભુજ માટે રવાના થાય તે પહેલા જ એ.ટી.એસ.એ તેને દબોચી લીધો હતો. એ.ટી.એસ.ની ટુકડીએ તેની પાસેથી ૧૯.૬ ગ્રામ મેફેડોન ડ્રગ્સ કિંમત ૧,૯૬,૦૦૦નો જથ્થો એક મોબાઈલ અને ૭૦૦ રુપીયા રોકડ કબજે કરી કસ્તુરબા પોલીસ મથકે ગુનો નોંધાવ્યો હતો. એન.ડી.પી.એસ.ની કલમો તળે ગુનો નોંધાવનારા કસ્તુરબા પોલીસ મથકના વિશ્વંભર યજ્ઞેશ્વર બાંદિવડેકરએ જણાવ્યું હતું કે, ભુજના ઈમરાન અરબની અટકાયત કર્યા બાદ તેને ગઈકાલે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા, કોર્ટમાં રજૂ કર્યા બાદ તેના બે દિવસના રિમાન્ડ મંજૂર થયા છે. રિમાન્ડ દરમિયાન અગાઉ કેટલી વખત તે મુંબઈથી ભુજ માટે જથ્થો લઈ ગયો છે અને મુંબઈથી કયા કયા ડ્રગ્સ પેડલરો તેના સંપર્કમાં છે અને કોની કોની પાસેથી કેટલો જથ્થો ખરીદી કર્યો છે તે તમામના નામો ખુલવા પામશે.નોંધનીય છે કે, ઈમરાન ઉર્ફે રોયલ અરબ છેલ્લા દોઢેક વર્ષથી એમ્બ્યુલન્સ અને ટ્રેન મારફતે ડ્રગ્સની ૧પથી ર ૦ ગ્રામની પડીકીની ખેપ મારતો હતો. અમદાવાદ તેમજ મુંબઈના ડ્રગ પેડલરો પાસેથી આ પડીકી લઈ ભુજમાં ૧-૧ ગ્રામ વ્યસનીઓને વેંચી મારતો હતો. અંતે આ ઈમરાન ઉર્ફે રોયલ અરબ નામનો શખ્સ મુંબઈમાં એ.ટી.એસ.ના હાથે દબોચાઈ ગયો હતો.