-તો કચ્છની પ્રત્યેક વિધાનસભા બેઠકના ૪થી ૭,૦૦૦ જેટલાં મતોનું મેન્યુઅલ કાઉન્ટિંગ કરવું પડશે

0
30

કચ્છના ૩પ હજાર વયોવૃદ્વ મતદારોને ઘેર બેઠાં પોસ્ટલ બેલેટનો વિકલ્પ : દિવ્યાંગ મતદારોને પણ આજ સુવિધાની ચૂંટણી પંચની જાહેરાત પણ માર્ગદશિકા જાહેર ન થયાની અસમંજસ : જિલ્લા ચૂંટણી તંત્ર અવઢવમાં

(બ્યુરો દ્વારા)ભુજ : આગામી ચૂંટણીમાં દિવ્યાંગ મતદારો અને ૮૦ વર્ષથી વધુ વયનાં લોકો ઘેરબેઠાં પણ મતદાન કરી શકશે એવી ઘોષણા કેન્દ્રીય ચૂંટણી પંચે કરી છે ત્યારે તેમને પોસ્ટલ બેલેટનો વિકલ્પ અપાવાનાં અનુમાન સાથે સ્થાનિક ચૂંટણી તંત્ર એવું ગણિત પણ માંડી રહ્યું છે કે જો એમ થાય તો ઈવીએમની ઝડપી મતગણના વચ્ચે દરેક મતવિસ્તારના હજારો મતોનું કાઉન્ટિંગ મેન્યુઅલી કરવું પડે તેમ હોઈ આ નવા નિયમથી કચ્છમાં પ્રત્યેક વિધાનસભા બેઠક પર ૪ થી ૭૦૦૦ જેટલા મતોનું મેન્યુઅલ કાઉન્ટિંગ કરવાની સ્થિતિ સર્જાઈ શકે તેમ છે.આ અંગેની વિગતો મુજબ કચ્છ જિલ્લામાં ૮૦થી વધુ વયના આશરે ૩પ૧૪૧થી વધુ અને દિવ્યાંગ મતદારોની સંખ્યા પણ હજારોમાં છે. આથી ચૂંટણી પંચની ઘોષણા મુજબ આ મતદારોને પોસ્ટ બેલેટનો વિકલ્પ અપાય અને બંને વર્ગના મતદારો વધુ સંખ્યામાં આ જ વિકલ્પ અપનાવે તો હાલ મેન્યુઅલી ગણવા પડતા મતો કરતાં પોસ્ટલ બેલેટની સંખ્યા ખાસ્સી વધી જાય તેમ છે. ચૂંટણી વિભાગના સૂત્રોનુસાર ૬૦ ટકા કે તેથી વધુ મતદાનના કિસ્સામાં દરેક વિધાનસભા મત વિસ્તારના આશરે ૪થી ૭ હજાર મતોનું મેન્યુઅલ કાઉન્ટિીંગ કરવાનું થાય તેવી સંભાવના નકારી ન શકાય.જિલ્લા ચૂંટણી તંત્રના સૂત્રોનુસાર સામાન્ય મતદાનની સાથે દિવ્યાંગ, વૃદ્વ મતદારોના મતદાન માટે સ્ટાફની વ્યવસ્થા, આ બંને વર્ગના તમામ મતદારોનો સંપર્ક કેવી રીતે કરવો તે અંગે ચૂંટણી પંચ દ્વારા સ્પષ્ટતા કરવામાં ન આવી હોવાથી અસમંજસની સ્થિતિ વ્યાપી છે. જેમાં મુખ્ય પ્રશ્ન એ છે કે ટપાલ વિભાગ દ્વારા ઘરે પહોંચાડાયેલ પોસ્ટલ બેલેટ માટેના નિયમની જેમ મતગણતરીના દિવસની સવાર સુધી સ્વીકારાતા રહેવું કે કેમ? મતદાન કરેલા પોસ્ટલ બેલેટ એકત્ર કરવા માટે બીએલઓને જવાબદારી સોંપવી કે અન્ય સ્ટાફની નિયુકિત કરવી વગેરે પ્રશ્નોનો હજી સુધી સ્પષ્ટ ઉત્તર મળી શકયો નથી. જો કે જિલ્લામાં તાલુકા અને તેના ગામવાઇઝ ૮૦ અને દિવ્યાંગ મતદારોની નામ, સરનામાની વિગતો અલગ કરવામાં આવી રહી છે. ત્યારબાદ આગામી દિવસોમાં વયોવૃદ્વ અને દિવ્યાંગ મતદારોનો રુબરુ કે પત્ર દ્વારા સંપર્ક કરવા સહિતની કામગીરી હાથ ધરાશે.