કંડલાથી નિકળતાં ટેન્કરમાંથી સીપીયુ તેલની ચોરીની ગેરપ્રવૃત્તિનો પર્દાફાશ

0
37

પોલીસે ભીમાસરની હોટલ પાસે કાર્યવાહી કરીને ર૬૧૦ લિટર તેલ કબ્જે કર્યું : રાધા ક્રિષ્ના હોટલનો સંચાલક જ ડ્રાઈવરોને ફોડી લઈ તેલની ચોરી કરતો હોવાની હક્કિત ખુલ્લી : ડ્રાઈવર અને સંચાલકની અટકાયત

ગાંધીધામ : કંડલાથી નિકળતા ઓઈલ ભરેલા ટેન્કરમાંથી સીપીયુ તેલની ચોરીની ગેરપ્રવૃત્તિનો અંજાર પોલીસે પર્દાફાશ કર્યો છે. જેમાં હોટલના સંચાલક સહિત બે શખ્સોને ઝડપી પાડી તેમના કબ્જામાંથી ર૬૧૦ લિટર તેલ કબ્જે કરવામાં આવ્યું છે.અંજાર પોલીસ સ્ટેશનમાંથી જાણવા મળતી વિગતો મુજબ ભીમાસર સીમમાં આવેલ કારગીલ કંપનીની સામે હોટલ રાધા ક્રિષ્નાની પાછળ બાવળોની ઝાડીમાં ચોરી કે છળકપટથી સીપીયુ તેલની ચોરી થતી હોવાની બાતમીના આધારે અંજાર પોલીસે કાર્યવાહી કરી હતી. જેમાં હોટલ પાસે પોલીસને જોઈને એક શખ્સ ભાગવાની કોશિષ કરતો હતો. જેને ઝડપી પુછપરછ કરતાં તેનું નામ હનુમાનરામ પીરારામ ગોદારા (ચૌધરી) હોવાનું જણાઈ આવ્યું હતું. સ્થાનિકે તપાસ કરતાં અલગ અલગ કેરબાઓમાંથી ર,૦૮,૮૦૦ની કિંમતનું ર૬૧૦ લિટર સીપીયુ તેલ મળી આવ્યું હતું. આ મુદ્દામાલ બાબતે પુછતાં મીઠીરોહરમાં રહેતા શેઠ માવજીભાઈ બિજલ બાબરિયાએ આ માલ રાખ્યો હોવાનું જણાવ્યું હતું. જેથી માવજીભાઈને નોટીસ આપીને પોલીસ સ્ટેશન બોલાવવામાં આવ્યા હતા. જયાં તેમણે કબૂલાત આપી કે, કંડલામાંં આવેલી કંપનીઓમાંથી ટેન્કરમાં માલ ભરીને હોટલ પર આવતા જતા ટેન્કરના ડ્રાઈવરો તેમની હોટલ પર રોકાણ કરતા ત્યારે તેમના ટેન્કરમાંથી અલગ અલગ રિફાઈન કરેલું ઓઈલ ચોરી લઈ કેરબાઓમાં ભરવામાં આવતું હતું. ડ્રાઈવરો સાથે મિલિભગત કરીને આરોપી હોટલ સંચાલક પોતાની હોટલમાં આ તેલનો જથ્થો રાખતો હોઈ બંને ઈસમો સામે છેતરપિંડીની કલમો તળે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.