માળિયા ટોલનાકે કચ્છના ટ્રક ડ્રાઈવરને માર મારતા હાઈવે બંધ

0
43

ટોલનાકાના સિક્યુરીટી દ્વારા ટ્રક ડ્રાઈવરને માર મારવામાં આવતા જ ટોલનાકા પર ટ્રકો થંભાવી દેવામાં આવી : કચ્છથી જનારી ટ્રકોના ચાલકોએ કર્યો ચક્કાજામ

મોરબી : ટોલનાકા ઉપર અવારનવાર મારામારી બનાવો બનતા હોય છે. પણ આ વખતે માળિયા હળવદ હાઈવે પર આવેલ અણીયારી ટોલનાકે રાત્રીના ટોલનાકાના સિક્યુરીટી વાળાઓએ કચ્છના ટ્રક ડ્રાઈવરને માર મારતા કચ્છથી નિકળેલી ગાડીઓના ચાલકોએ ટ્રકો થંભાવી દઈ હાઈવે પર ચક્કાજામ કર્યો હતો. ધટનાની જાણ થતા જ માળિયા પોલીસની ટીમ દોડી જઈને બનાવ અંગે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ માળિયા હળવદ હાઈવે પર આવેલ અણીયારી ટોલનાકે રાત્રીના કચ્છના ટ્રક ડ્રાઈવર ધનાભાઇ જગાભાઇ કલોતરા (ઉ.૨૩) પોતાનો ટ્રક અણીયારી ટોલનાકા નજીક રાખીને નજીકમાં હોટલમાં ચા પાણી પીવા માટે ગયેલ હોય દરમિયાન ટોલનાકાના સિક્યુરીટી ગાર્ડ દ્વારા ટ્રક રોડ પરથી હટાવવા માટે ડ્રાઈવર સાથે સિક્યુરીટી ગાર્ડ દ્વારા રકજક કરવામાં આવી હતી અને બાદમાં અજાણ્યા ત્રણ સિક્યુરીટી ગાર્ડ દ્વારા ટ્રક ડ્રાઈવર ધનાભાઇને માર મારવામાં આવ્યો હતો. જેથી તેને અન્ય ટ્રક ચાલકોને રોકીને બનાવ અંગે જાણ કરવામાં આવતા મોટી સંખ્યામાં ટ્રક ચાલકો અણીયારી ટોલનાકે થંભી ગયા હતા અને ટોલનાકું બંધ કરાવ્યું હતું તો જેના કારણે માળિયા અમદાવાદ હાઈવે થોડા સમય માટે બંધ થયો હતો. ધટનાની જાણ થતા જ માળિયા પોલીસની ટીમ દોડી જઈને ટ્રક ચાલકોને સમજાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો અને ભારે મથામણ બાદ પોલીસ ટ્રક ચાલકોને સમજાવી શકી હતી બાદમાં માળિયા પોલીસ મથકે ભોગ બનનાર ઘનાભાઈ કલોતરાને લઇ જઈને ફરિયાદ નોંધાવી હતી. બનાવ અંગે ફરિયાદ નોંધી માળિયા પોલીસે વધુ તપાસ હાથ ધરવામાં આવતા આરોપી સીદીક મોવર, સીદીક જેડા અને યાદમહમદ મોવર હોવાનું વધુ તપાસમાં સામે આવ્યું છે અને આરોપીઓ પોલીસના હાથવેંતમાં હોવાની માહિતી સુત્રોમાંથી મળી હતી.