• વાલીઓ પાસેથી ફી ઉઘરાવી સંસ્થામાં જમા ન કરાવાઈ

સાધુ વાસવાણી ઈન્ટરનેશનલ સ્કૂલના એકાઉન્ટન્ટે ૧.૩૧ લાખ ઉઘરાવી ગજવા કર્યા ગરમ : ગજવાણી પ્રિ પ્રાયમરી સ્કૂલની શિક્ષિકા ૧.ર૮ લાખની ફી ઓળવી ગઈ

(ક્રાઈમ પ્રતિનિધિ)ગાંધીધામ : શહેરના લીલાશાનગરમાં આવેલી બે શાળાઓમાં વાલીઓ પાસેથી ઉઘરાવેલી ફી સંસ્થામાં જમા ન કરીને બે કર્મચારીઓએ ર.૬૦ લાખનો ચુનો ચોપડયો હતો. જે અંગે ગાંધીધામ એ ડિવિઝન પોલીસ મથકે બે જુદી જુદી ફરિયાદો દાખલ કરવામાં આવી હતી.વર્તમાને કોરોના કાળના કારણે શાળાઓમાં શૈક્ષણિક કાર્ય ઓનલાઈન ચાલુ છે. એક તરફ શાળાઓને પુરતી ફી પણ મળતી નથી, તેવામાં ગાંધીધામની બે શાળાઓ દ્વારા વાલીઓ પાસેથી ઉઘરાવાયેલી ફી સંસ્થામાં જમા ન કરીને બે કર્મચારીઓએ બારોબાર પોતાના ગજવા ગરમ કર્યા હતા. આ અંગે ગાંધીધામ એ ડિવિઝન પોલીસ મથકે બે ગુના નોંધાયા હતા. જેમાં સાધુ વાસવાણી ઈન્ટરનેશનલ સ્કૂલના ટ્રસ્ટી રાજેશભાઈ ધર્મદાસ ચંદનાનીએ સ્કૂલમાં હેડ એકાઉન્ટન્ટ કલાર્ક તરીકે ફરજ બજાવતા અને મેઘપર બોરીચીમાં રહેતા અક્ષય ક્રિષ્ણકાંત શર્મા વિરૂદ્ધ ગુનો નોંધાવ્યો હતો. આરોપી હેડ એકાઉન્ટન્ટે તા. ૬-૧-ર૦૧૮ થી તા. ૪-૭-ર૦ર૧ દરમ્યાન વાલીઓ પાસેથી ઉઘરાવેલી ફીની રોકડ રકમ ૧,૩૧,૯૩૦ સ્કૂલમાં જમા નહીં કરીને વિશ્વાસઘાત – છેતરપિંડી આચરી હતી. તો ફરિયાદી રાજેશભાઈએ વધુ એક ફરિયાદ ગજવાણી પ્રિ પ્રાયમરી સ્કૂલમાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતા રૂપાબેન ઈશ્વરભાઈ ગર્ગ વિરૂદ્ધ નોંધાવી હતી. શિક્ષિકા તા. ૧-૮-ર૦૧૬ થી તા. ૪-૭-ર૦ર૧ દરમ્યાન વાલીઓ પાસેથી ઉઘરાવેલી ફીની રકમ ૧,ર૮,૮૪ર ની રકમ ઓળવી જઈને સંસ્થા સાથે વિશ્વાસઘાત આચર્યો હતો. આમ બન્ને શાળાઓમાં મળીને ર,૬૦,૭૭ર ની વિશ્વાસઘાત ઠગાઈ આચરાતા ગાંધીધામ એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી, જેને આધારે પીઆઈ ડી. એમ. ઝાલા દ્વારા આગળની તપાસ હાથ ધરાઈ છે.