હમીરસર તળાવની જેમ ભુજના ઉમાસર તળાવનું બ્યુટીફિકેશન કરાશે

0
40

વોર્ડ.૮માં રૂા.૯૧.૯૨ લાખના રસ્તા અને ઇન્ટરલોકના કામોનું વિધાનસભા અધ્યક્ષા ડો.નીમાબેન આચાર્યે ખાતમુહૂર્ત કર્યું : વોર્ડ.૮માં રૂા.૯૧.૯૨ લાખના રસ્તા અને ઇન્ટરલોકના કામોનું વિધાનસભા અધ્યક્ષા ડો.નીમાબેન આચાર્યે ખાતમુહૂર્ત કર્યું : ભુજના તમામ વોર્ડમાં સી.સી ટીવી કેમેરા નાખવામાં આવશે : રૂા. ૪૨ કરોડના ખર્ચે નલ સે જલ યોજનાની શહેરને ભેટ મળશે

હમીરસર તળાવનું જે રીતે બ્યુટીફિકેશન કરીને શહેરવાસીઓ તથા પ્રવાસીઓ માટે નજરાણારૂપ બનાવાયું છે. તે જ રીતે વોર્ડ નં.૮માં આવેલા ઉમાસર તળાવના પાણીથી આસપાસની સોસાયટીઓને રક્ષણ આપવા પ્રોટેકશન વોલ બનાવવા સાથે તેનું બ્યુટીફિકેશન કરવામાં આવશે. જેથી આ તળાવ પણ શહેરવાસીઓ માટે ફરવા માટેનું સ્થળ બની શકશે તેવું વોર્ડ નં.૮માં સર્જન કાસા સોસોયટી ખાતે યોજાયેલા કાર્યક્રમમાં રૂા.૯૧.૯૨ લાખના વિકાસકામોનું ખાતમુર્હુત કરતા વિધાનસભા અધ્યક્ષ ડો. નીમાબેન આચાર્યે જણાવ્યું હતું.

        આ કાર્યક્રમમાં વિધાનસભા અધ્યક્ષે જણાવ્યું હતું કે, સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના જનલોક ભાગીદારી ગ્રાન્ટ અંતર્ગત વિકાસ કામો કરવામાં આવશે. જેમાં રોટરી નગરમાં રૂા.૯.૫૭ લાખના ખર્ચે, હીલ સોસાયટીમાં રૂા.૯.૭૯ લાખના ખર્ચે તથા સર્જન કાસા સોસાયટી ખાતે રૂા.૧૯.૮૧ લાખના ખર્ચે તથા શ્યામજી કૃષ્ણવર્મા હાઇટસ ખાતે રૂા. ૪.૭૯ લાખના ખર્ચે સાર્વજનિક ચોકમાં ઇન્ટરલોકના કામ કરાશે. જયારે રૂા.૨૩.૯૮ લાખના ખર્ચે સહયોગનગર , કારીતાસ સોસાયટીમાં આંતરીક રસ્તાઓનું રીસર્ફેસીંગ કામ તેમજ રાવલવાડી રઘુવંશીનગર ,નરસિંહ મહેતા નગર ખાતે રૂા.૨૩.૯૫ લાખના ખર્ચે આંતરીક રસ્તાઓના પર ડામરના કામ કરવામાં આવશે.  

        વધુમાં તેમણે ઉમેર્યું હતું કે,  ભુજ શહેર ભવ્ય, દિવ્ય અને ભક્તિનું ધામ છે. ભુજનો રાજય સરકારે ચોતરફ વિકાસ કર્યો છે. ટુંકસમયમાં તમામ વોર્ડમાં સી.સી ટીવી કેમેરા નાખવામાં આવશે.  તેમણે દિવાળી સમયે સ્મૃતિવનમાં ભુકંપના દિવગંતોની યાદમાં દિવા પ્રગટાવવાનો કાર્યક્રમ આયોજીત થશે ત્યારે તેમાં જોડાવવા શહેરવાસીઓને ઇજન આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, રાજય સરકારે રૂા. ૯.૪૦ કરોડની ફાળવણી કરી છે જેમાંથી સમગ્ર શહેરના રસ્તાઓનું રીસર્ફેસીંગ કરાશે. તેમજ નર્મદા કેનાલના કામ થઇ જતાં હમીરસર તળાવ પણ બારેમાસ ભરેલું રહેશે. ભુજ ટુરીસ્ટ સીટી હોવાથી તેમણે શહેરવાસીઓને ગ્રીન સીટી અને કલીન સીટી બનાવવા આહવાન કર્યું હતું. તેમણે લોકોને કચરો જયાં ત્યાં ન ફેંકવા તથા એક એક વૃક્ષ વાવીને તેનો ઉછેર કરવા અપીલ કરી હતી.

        આ ટાંકણે ભુજ શહેરના નગરપતિ ઘનશ્યામભાઇ ઠક્કરે જણાવ્યું હતું કે, વિધાનસભા અધ્યક્ષાની જહેમતથી ટુંકસમયમાં સુધરાઇના નવી ઇમારતનું ખાતમુહુર્ત કરાશે. શહેરના તમામ સર્કલો રીસર્ફેસીંગ કરાશે. તેમજ નલ સે જલ યોજનાના ટેન્ડર પાસ થઇ જતાં રૂા.૪૨ કરોડના ખર્ચે આ યોજનાનું ખાતમુર્હુત આગામી સપ્તાહમાં કરાશે. વર્તમાન સમયમાં શહેરમાં રૂા.૪૨ કરોડના વિકાસકામો ચાલુ છે, લોકોને એકાંતરે પાણી મળી રહ્યું છે તેની પાછળ ધારાસભ્યશ્રી તથા મહેનતુ નગરસેવકોનો સિંહફાળો હોવાનું જણાવીને શહેરવાસીઓને તમામ  કામગીરીમાં સહયોગ આપવા બદલ આભાર વ્યકત કર્યો હતો.

        આ કાર્યક્રમમાં વોર્ડ નં.૮ના નગરસેવકો મનુભા જાડેજા, ઘનશ્યામભાઇ ઠક્કર, મનીષાબેન સોલંકી, હેમાબેન સીજુ, તથા સર્વશ્રી આગેવાનમાં બાલકૃષ્ણ મોતા, જયંતભાઇ ઠક્કર, બિંદિયાબેન ઠક્કર, નિકુલભાઇ ગોર, હિરેનભાઇ ઠાકોર, પ્રફુલસિંહ જાડેજા, જયેશભાઇ ઠક્કર, ગોદાવરીબેન ઠક્કર,સોસાયટીના આગેવાનશ્રી રમેશભાઇ ગરવા, જેસાભાઇ દેસાઇ, ચેતનભાઇ પટેલ તથા વોર્ડ નં. ૮ની વિવિધ સોસાયટીના રહેવાસીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.