ભારતીય સંસ્કૃતિના જતન માટે રાષ્ટ્રહિતમાં મતદાન કરીએ

0
112

ભુજ : કચ્છની તમામ છ વિધાનસભા બેઠક માટે મતદાન પ્રક્રિયા ચાલી રહી છે. કચ્છવાસીઓ પોતાના જનપ્રતિનિધિઓને ચૂંટવા માટે લોકશાહીના મહાયજ્ઞમાં પોતાના મતરૂપી આહુતિ આપી રહ્યા છે. ભુજની ઓલ્ફ્રેડ હાઈસ્કૂલ ખાતેના મતદાન મથકમાં ભુજ નૂતન સ્વામિનારાયણ મંદિરના સંતોએ મતદાન કરી પોતાની પવિત્ર ફરજ નિભાવી હતી. આ પ્રસંગે ભુજ સ્વામિનારાયણ મંદિરના સંત પૂ. સદગુરૂ સ્વરૂપદાસજીએ કચ્છવાસીઓને મતદાન કરી પોતાની ફરજ નિભાવવા અપીલ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, મતદાન કરવું એ દરેક નાગરિકની નૈતિક ફરજ છે.

વિધાનસભાની ચૂંટણી માટે મતદાન ચાલી રહ્યું છે. ત્યારે દરેક કચ્છવાસીઓ મતદાન પ્રત્યે સભાન બની પોતાનો મત અચૂક આપે તે ઈચ્છનીય છે. તેમણે દરેક કચ્છવાસીને દેશના જવાબદાર નાગરિક તરીકે મતદાન કરવા માટે આગ્રહ પૂર્વક અનુરોધ કર્યો હતો. તેમણે વધુમાં જણાવ્યું હતું કે,  ભારતના નાગરિક તરીકે સૌને મતદાનનો અધિકાર મળ્યો છે ત્યારે આપણે સૌ ભારતીય સંસ્કૃતિને જાળવી રાખવા વાદવિવાદ ભૂલી રાષ્ટ્ર્રહિતમાં મતદાન કરી મળેલા અધિકારનો સદુપયોગ કરીએ.

આજરોજ ભુજ સ્વામિનારાયણ મંદિરના વંદનીય સંતોએ ભુજની ઓલ્ફ્રેડ હાઈસ્કૂલમાં સામુહિક રીતે મતદાન કર્યું હતું.

આ પ્રસંગે કોઠારી દેવપ્રકાશ સ્વામીએ કચ્છ અને ભુજના મતદારો ઉપરાંત ખાસ કરીને પટેલ ચોવીસીના મતદારોને રાષ્ટ્રહિતને ધ્યાનમાં રાખીને મોટી સંખ્યામાં મતદાન કરવા અપીલ કરી હતી.શાસ્ત્રી સૂર્યપ્રકાશદાસ સ્વામીએ જય સ્વામિનારાયણ સાથે સમાજને અપીલ કરતા જણાવ્યું હતું કે જે મતદાન નથી કરતું તેને ભારતના નાગરિક કહેવાનો હોવાનો હક્ક નથી.ભારતના નાગરિક તરીકે દેશની શાંતિ વિકાસ અને રાષ્ટ્રહિતને ધ્યાનમાં લઈને અવશ્ય બહોળા પ્રમાણમાં મતદાન કરવું જોઈએ