‘નેતાઓ’ મથે છે પણ, કચ્છમાં ચૂંટણીનો માહોલ જામતો નથી

0
32

ભૂતકાળમાં ચૂંટણી સમયે કચ્છમાં એકાદ માસ સુધી તહેવાર જેવો માહોલ જોવા મળતો : સ્થાનિકે યોજાતી રાત્રી સભાઓ બની ભૂતકાળ : રાત્રી ખાટલા બેઠકોથી ધમધમે છે : સ્ટાર પ્રચાર ન હોય તો ચૂંટણી સભામાં ચકલુંય નથી ફરકતું : રાજકીય પક્ષોનો પણ ચૂંટણી પ્રચાર માટે લોકસંપર્ક અને રોડ શો તરફ ઝુકાવ : સોશ્યલ મીડિયાના વધતા પ્રભાવથી ચૂંટણી જંગની રોનક પડી ઝાંખી : જુની પેઢીના મતદારોએ ભૂતકાળના સંભારણાઓ વાગોળ્યા

ભુજ : કચ્છની છ બેઠકો માટે મતદાનને આડે હવે આંગળીના વેઢે ગણાય તેટલા જ દિવસો બાકી રહ્યા છે, પરંતુ કચ્છ જિલ્લામાં ચૂંટણીલક્ષી માહોલમાં ઉદાસીનતા જોવા મળી રહી છે. કચ્છમાં વસવાટ કરતા યુપી અને બિહાર સહિતના પરપ્રાંતિય લોકો કહે છે કે, કચ્છમાં વિધાનસભા ચૂંટણી યુપી-બિહારની સરખામણીમાં તદન ફિક્કી લાગી રહી છે.
વિનાશક ભૂકંપ પહેલા વીસમી સદીમાં થતી ચૂંટણીઓમાં કચ્છમાં એકાદ માસ સુધી તહેવાર જેવો માહોલ જોવા મળતો હતો. કચ્છના શહેરો અને ગ્રામીણ વિસ્તારોમાં ચોરે-ચોરે અને ચાના ગલ્લે ચૂંટણીની ચર્ચાઓ જ ચાલતી જોવા મળતી. જુની પેઢીના મતદારો ભૂતકાળના સંભારણા વાગોળતાં કહે છે કે, ભુજમાં મહેરઅલી ચોક, ગંગાબા મિડલ સ્કૂલનું મેદાન ચૂંટણી સભાના એપી સેન્ટર હતા. સ્થાનિક નેતાઓ મોડી રાતે ચૂંટણી સભા યોજતા ત્યારે ભુજનો વેપારી વર્ગ, શ્રમજીવીઓ અને ભુજવાસીઓ રાત્રીનું વાળુ પતાવી ચૂંટણી ભાષણો સાંભળવા પહોંચી આવતા. લાઈટની અત્યારના સમય જેવી વ્યવસ્થા ન હોતા રાજકીય પક્ષો પેટ્રોમેક્ષ ભાડે લઈ સભા સ્થળે પ્રકાશની વ્યવસ્થા કરતા. શ્રોતાઓ પણ મહેરઅલી ચોકમાં બંધ દુકાનોના ઓટલે અને જમીન પર બેસી નેતાઓને સાંભળતા હતા.માંડવીના આઝાદ ચોક, ગાંધીધામમાં ચાવલા ચોક, નખત્રાણાના વથાણ ચોક, નલિયામાં બજાર ચોક જેવા વિસ્તારમાં સ્થાનિક નેતાઓને સાંભળવા મેદની ઉમટી પડતી હતી. જે-તે સમયે સેટેલાઈટ ટીવી ચેનલો કે અન્ય કોઈ મનોરંજનના સાધનો ન હોતા લોકોને ચૂંટણી સભાઓ પણ રોચક લાગતી હતી. અત્યારે સમય બદલાયો છે.

સોશ્યલ મીડિયા ખુબ વાયરલ થયું છે. દેશ-દુનિયાની ખબરો ગણતરીની મિનિટોમાં જ લોકો સુધી સ્માર્ટફોનના માધ્યમથી પહોંચી જાય છે. ઘટના દિવાનખંડમાં ખાનગી ન્યુઝ અને મનોરંજન ચેનલોની ભરમાર છે. ઓટીટીનું માધ્યમ પણ ઝડપભેર લોકપ્રિય બન્યું છે. ત્યારે ચૂંટણી માટે જાહેરસભાઓનું પ્રમાણ ઘટ્યું છે. લોકો સ્વયંભૂ ઉમટશે નહીં તેવી ભીતિથી રાજકીય પક્ષો પણ જાહેરસભાના બદલે હવે લોકસંપર્ક, ડોર ટુ ડોર પ્રચાર અને રોડ શોથી પ્રચાર કાર્યને પ્રાધાન્ય આપે છે. એક સમયે જયા સ્થાનિક નેતાઓની ચૂંટણી સભામાં સ્વયંભૂ જનમેદની એકઠી થઈ જતી હતી ત્યાં હવે સ્ટાર પ્રચારક ન હોય તેવી ચૂંટણી સભામાં ચકલુંય ફરકતું નથી. બદલતા સમયની સાથે સાથે ચૂંટણી પ્રચારના પ્રકારો પણ બદલાયા છે. હવે સોશ્યલ મીડિયા પર આક્રમક ચૂંટણી જંગ જોવા મળે છે, પરંતુ ગ્રાઉન્ડ લેવલ પર ચૂંટણીનો માહોલ સાવ ફિક્કો બની રહે છે. રાજકીય પક્ષો પણ હવે મતદારોની તાસીર સમજી ગયા છે ત્યારે ચૂંટણી વખતે સોશ્યલ મીડિયા પર પ્રચાર માટે ટીમોને કાર્યરત કરે છે. આજનો યુવા મતદાર ચૂંટણી સભાઓમાં આકર્ષિત થતો નથી ત્યારે રાજકીય પક્ષોને પણ હવે પરંપરાગત પ્રચાર કાર્યક્રમો બદલવાની ફરજ પડી છે. જુની પેઢીના મતદારો આજકાલના ચૂંટણી જંગ પહેલા જેવો જોમ-જુસ્સો ન જોવા મળતો હોવાનો વસવતો વ્યકત કરી રહ્યા છે.

ખાટલા બેઠકો બની ભૂતકાળ

કચ્છના ગ્રામીણ વિસ્તારમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી હોય કે વિધાનસભા કે લોકસભાની ચૂંટણી. ચૂંટણી સમયે ભારે ઉતેજના જોવા મળતી. ગામના પાદરે અને નાના-મોટા ગલ્લાઓ પર દિવસભર ચૂંટણીની ચર્ચાઓ ચાલતી રહેતી હતી. જયારે રાત્રીના ભાગે રાજકીય પક્ષની આગેવાનો અને કાર્યકરોની હાજરીમાં ખાટલા બેઠકો યોજાતી હતી. બદલતા સમયની સાથે હવે ખાટલા બેઠકો ભૂતકાળ બની ગઈ છે. ગ્રામીણ મતદારો પણ મોટાભાગે હાઈ-ટેક થઈ ગયા છે ત્યારે ગ્રામ્ય વિસ્તારોમાં પણ ચૂંટણી પ્રચાર માટે સોશ્યલ મીડિયાનો ઉપયોગ રાજકીય પક્ષો દ્વારા કરવામાં આવી રહ્યો છે.