ભચાઉના નંદગામમાંથી એલસીબીએ બાયો ડીઝલનો જથ્થો ઝડપ્યો

મામલતદાર સહિતની ટીમે ઘટનાસ્થળે માપણી સહિતની કાર્યવાહી હાથ ધરી

ભચાઉ : પૂર્વ કચ્છમાં ગેરકાયદેસર પટ્રોલિયમ પદાર્થોમાં બાયો ડીઝલ અને બેઝ ઓઈલનું વેચાણ બેફામ બન્યું છે. સામે પોલીસ દ્વારા પણ સતત કાર્યવાહી કરીને ગેરકાયદેસર રીતે બાયો ડીઝલ સહિતના પેટ્રોલિયમ પદાર્થોના કરાતા વેચાણ પર ધોંસ બોલાવામાં આવી રહી છે. તેવામાં પૂર્વ કચ્છ એલસીબીએ ભચાઉ તાલુકાના નંદગામમાંથી ગેરકાયદેસર બાયો ડીઝલનો જથ્થો ઝડપી પાડ્યો હતો.પ્રાપ્ત વિગતો મુજબ રેન્જ આઈજીપી જે.આર.મોથલિયા તેમજ પૂર્વ કચ્છ એસપી મયૂર પાટીલની સૂચનાથી તેમજ પૂર્વ કચ્છ એલસીબીના ઈન્ચાર્જ પીઆઈ એસ.એસ. દેસાઈના માર્ગદર્શન તડે એલસીબીનો સ્ટાફ ગેરકાયદેસર રીતે પેટ્રોલિયમ પદાર્થના કરાતા વેચાણ પણ રોક લગાવવા માટે પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન મળેલી બાતમી હકીકતને આધારે ભચાઉના નંદગામમાં દરોડો પાડવામાં આવ્યો હતો. જેમાં ટેન્કરની લોખંડની ટાંકીમાં ભરાયેલા બાયો ડીઝલના જથ્થાનું ગેરકાયદેસર રીતે વેચાણ કરવામાં આવતું હતું. પોલીસે પાડેલા દરોડામાં અંદાજે ચારેક હજાર લિટર જેટલો જથ્થો ઝડપાયો હોવાનું જાણવા મળ્યું છે. આ અંગે એલસીબીના ઈન્ચાર્જ પીઆઈ એસ.એસ. દેસાઈ સાથે વાત કરતા તેમણે ઉમેર્યું હતું કે, એલસીબીની ટીમ દ્વારા નંદગામમાં રેઈડ પડાઈ છે. જેમાં ગેરકાયદેસર રીતે વેચાણ કરાતા પેટ્રોલિયમ પદાર્થને ઝડપી પડાયો છે. બનાવની જાણ ભચાઉ મામલતદારને કરાતા મામલતદારશ્રીની ટીમ દ્વારા માપણી સહિતની કાર્યવાહી હાથ ધરાઈ છે.આ લખાય છે તે દરમિયાન પોલીસ અને મામલતદારની ટીમ દ્વારા કાર્યવાહી ચાલુમાં હોતા ચોક્કસ કેટલો જથ્થો સિઝ કરાયો છે તેની માહિતી પ્રાપ્ત થઈ શકી નથી.