ભોરારા પાટિયા પાસે એલસીબીનો સપાટો : બ્લેક ટ્રેપનું વહન કરતા પાંચ ડમ્પરો ઝડપાયા

0
37

૬પ.૬ર લાખના મુદ્દામાલ સાથે પાંચ ડ્રાઈવરોની અટકાયત : ફાચરીયા પાટીયાથી લફરા જતા રોડ પર આવેલી ખાણમાંથી માલ ભર્યો હોવાની કેફિયત

 ભુજ : મુંદરા તાલુકાના ફાચરીયા ગામથી વાંકી – પત્રી થઈ મુંદરા જતા રોડ પર ગેરકાયદે રીતે રોયલ્ટી વગર બ્લેક ટ્રેપ ખનિજનું પરિવહન કરવામાં આવતું હોવાની ફરિયાદો વારંવાર લોકો દ્વારા પોલીસ તંત્ર સમક્ષ કરવામાં આવી હતી, જે ફરિયાદના આધારે ગઈકાલે રાત્રે ભુજ એલસીબીએ ભોરારા પાટિયા પાસે વોચ ગોઠવીને એક સાથે પાંચ ડમ્પરોને ઝડપી પાડતા ભારે ફફડાટ મચી ગયો હતો.

આઈ. જી. જે.આર. મોથાલીયા અને એસપી સૌરભસિંઘના માર્ગદર્શન હેઠળ પીઆઈ સંદીપસિંહ ચુડાસમાની આગેવાનીમાં એલસીબીની ટીમ એએસઆઈ દેવજીભાઈ મહેશ્વરી, હેડ કોન્સ્ટેબલ વાલાભાઈ ગોયલ, પ્રદ્યુમનસિંહ ગોહીલ, સુરેશભાઈ વેગડા, નવીનકુમાર જાેશી સહિતનાઓ તપાસ માટે પહોંચ્યા હતા. જે અન્વયે મુંદરા – અંજાર હાઈવે રોડ પર ભોરારા ગામના પાટીયા પાસે આવેલ મોમાય કૃપા હોટલની સામેના રોડ પર ટીમ વોચમાં હતી, ત્યારે ગુંદાલા તરફથી આવતા રોડ પર ડમ્પરો આવતા તેઓને રોડ સાઈડમાં ઉભા રખાયા હતા. જેઓના ચાલકો પાસે રોયલ્ટી કે આધાર – પુરાવા માંગવામાં આવતા તેઓ રજૂ કરી શક્યા ન હતા. ડમ્પરમાં ભરેલ બ્લેક ટ્રેપ બાબતે પુછતા ફાચરીયા પાટીયાથી લફરા જતા રોડ પર ડાબી બાજુ આવેલ માંડણભાઈ રબારીની ખાણમાંથી શેઠ શૈલેષભાઈ આહિર, પૂર્વજીતસિંહ ભરતસિંહ જાડેજા અને જાનીભાઈ સોનીના કહેવાથી આ ખનિજ ભર્યું હોવાની કેફિયત આપતા પાંચેય ડ્રાઈવરોની અટકાયત કરવામાં આવી હતી. ચાલકોમાં બારોઈના ભાણજી વેલજી દાફડા, કુંદરોડીના નૌશાદખાન મોૈતીનખાન, રાપર ગોવિંદ પરના બાબુભાઈ મોતીભાઈ ભરવાડ, અંજાર નવાનગરના સંજયભાઈ છગનભાઈ ખાંડેકા અને બનાસકાંઠા ચાણસમાના જીગર રામજીભાઈ દેસાઈનો સમાવેશ થાય છે. રેડ દરમ્યાન દસ લાખની કિંમતના ડમ્પર નંબર જી.જે.૧ર.ઝેડ. ૯પ૩૯, જી.જે.૩ એ ડબલ્યુ ૪૦૪ર, જી.જે.૧ર.બી.વી. ૦૯પ૪, જી.જે.૭ વાય વાય ૬૮૯ર અને રપ લાખનું ડમ્પર નંબર જી.જે.૧ર. બી.વાય. ૬૧૧ર કબજે કરી તેમાં રહેલ ૧૭૩ ટન બ્લેક ટ્રેપ ખનિજ કિંમત રૂા. ૬ર,ર૮૦ નો મુદ્દામાલ સીઝ કરવામાં આવ્યો હતો. પાંચેય ઈસમો સામે મુંદરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.