લખપતના આર.ટી.આઈ. એક્ટિવીસ્ટ પર ફોચ્ર્યુનર કાર ચડાવી દેવાઈ : પુત્રનું મોત

0
28

પિતા-પુત્ર એક્ટીવાથી દયાપરથી મેઘપર જઈ રહ્યા હતા : આરોપીઓની ધરપકડ ન થાય ત્યાં સુધી લાશ સ્વિકારવાનો ઈન્કાર

ભુજ : લખપત તાલુકાના મેઘપરથી ઓડીવાંઢ વચ્ચે એકટીવાથી જઈ રહેલા આર.ટી.આઈ. એક્ટિવીસ્ટ પર ફોચ્ર્યુનર કાર ચડાવી દેવાઈ હતી, જેમાં પુત્રનું મોત થયું હતું જયારે આર.ટી.આઈ. એક્ટીવીસ્ટને સારવાર માટે ભુજની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. આરોપીઓની ધરપકડ ન થાય ત્યાં સુધી યુવકની લાશ સ્વિકારવાનો ઈન્કાર કરી જી. કે. જનરલ હોસ્પિટલ ખાતે દલિત સમુદાયના લોકો એકત્ર થઈ ગયા હતા.
ગઈકાલે રાત્રે પોણા નવ વાગ્યાના અરસામાં રમેશભાઈ બલીયા (ઉ.વ.૪૭) અને પુત્ર નરેન્દ્ર રમેશ બલીયા (ઉ.વ.ર૪) બંને પિતા-પુત્ર એકટીવાથી દયાપરથી પોતાના ગામ મેઘપર તરફ જઈ રહ્યા હતા. દરમિયાન ફોચ્ર્યુનર ગાડી નંબર જીજે ૧ર બીઆર ૮૧૦૦ વાળા નવલસિંહ કારુભા જાડેજા (રહે. જુણાચાય, લખપત)વાળાએ પાછળથી ગાડી ચડાવી દઈ ટક્કર મારી હતી. પિતા-પુત્રને ગંભીર ઈજાઓ પહોંચતા સુરેશ બલીયા (રહે. મેઘપર)વાળા સારવાર માટે ભુજની જી. કે. જનરલ હોસ્પિટલમાં લઈ આવતા ફરજ પરના તબીબે નરેન્દ્ર બલીયા (ઉ.વ.ર૪)ને મૃત જાહેર કર્યા હતા જયારે પિતા રમેશ બલીયાને ગંભીર ઈજાઓ પહોંચી હોવાથી તેને વધુ સારવાર માટે ભુજની લેવા પટેલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. જી. કે. જનરલ હોસ્પિટલ ચોકીએ યુવકનું મૃતદેહ સ્વિકારવાની દલીત અધિકાર મંચ અને સમુદાયના લોકો દ્વારા ઈનકાર કરવામાં આવ્યો હતો, જયાં સુધી આરોપીઓની ધરપકડ નહીં થાય અને કડક કાર્યવાહી નહીં થાય ત્યાં સુધી લાશ સ્વિકારવાનો ઈન્કાર કરાતા જી. કે. હોસ્પિટલ ખાતે નખત્રાણા વિભાગના ડીવાયએસપી, પી.આઈ. પી.એસ.આઈ. સહિતનો કાફલો દોડી આવ્યો હતો. બીજી તરફ, નરા પોલીસ મથકે હત્યા અને હત્યાના પ્રયાસની કલમો તળે આરોપીઓ સામે ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી ધરપડક કરવા પોલીસે ચક્રો ગતીમાન કર્યા હતા.

બનાવ અંગે જુદી-જુદી વાતો વહેતી થઈ

ગત રાત્રે થયેલી આ ઘટના અંગે અનેક વાતો વહેતી થઈ હતી. માધ્યમોને કહેવાયું હતું કે ખનીજ-રેતીનું ગેરકાયદેસર ભરેલું ટ્રેકટર પકડાવ્યો હોવાના મનદુખે આ ઘટના બની છે તો આર.ટી.આઈ. કરી હોવાથી ગાડી ચડાવી દેવાઈ છે. ખરેખર પોલીસની તપાસમાં જ બહાર આવી શકે કે, આર.ટી.આઈ. કરી હતી કે કોઈ દુશ્મની હતી કે ખનીજની ગાડી પકડાવી હતી તે મનદુઃખે ગાડી ચડાવી દેવાઈ છે. પોલીસની યોગ્ય તપાસ બાદ જ ખરી હકીકત સામે આવે તેમ છે.