કચ્છનો પ્રથમ સોડાએશ પ્રોજેકટ ૩પ૦૦ કરોડના ખર્ચે માંડવીના બાડા દરિયા કિનારે સ્થાપાશે

0
26

  • સામાજિક અને આર્થિક ઉત્થાન માટે ઉદ્યોગ આવકાર્ય
  • પર્યાવરણીય લોકસુનાવણી પ્રચંડ જનસમર્થન સાથે પૂર્ણ થઈ : પ્રોજેકટ એકમ શરૂ થવાથી ર હજાર લોકો માટે રોજગારીના નવા દ્વાર ખુલશે
  • માંડવી પંથકમાં આવતા જીએચસીએલના પ્રોજેકટને વિવિધ ગામોના પ્રતિનિધિઓએ આપ્યું સમર્થન : જનસુનાવણીમાં પર્યાવરણ અને રોજગારલક્ષી પ્રશ્નોનો સંતોષકારક જવાબો મળતાં સોંપાયા સમર્થન પત્રો
  • પર્યાવરણની રક્ષા સાથે સામાજિક જવાબદારી પ્રત્યે જીએચસીએલ દ્વારા વ્યક્ત કરાઈ પ્રતિબદ્ધતા : આધુનિક અદ્યતન ટેકનોલોજીથી સજ્જ પ્લાન્ટ પર ઉત્પાદનની કાર્યક્ષમતા વધવાની સાથે પ્રદુષણનું સ્તર પણ ઘટશે : એન.એન. રાડિયા

ભુજ : માંડવી તાલુકાના બાડા નજીક આવી રહેલા જીએચસીએલના સૂચિત એશ પ્લાન્ટ માટે પર્યાવરણીય લોકસુનાવણી હાથ ધરવામાં આવી હતી, તે સફળ રીતે સપન્ન થઈ હતી. ગત તા. ૧૭ ઓકટોબરના સૂચિત પ્રોજેકટ સાઈટ પર મુંદરા પ્રાંત અધિકારી ચેતન મિશણના અધ્યક્ષ સ્થાને પર્યાવરણીય લોકસૂનાવણી હાથ ધરવામાં આવી હતી. જેમાં ગુજરાત પ્રદુષણ બોર્ડના તુષાર બારમેડા અને જીએચસીએલના સીઈઓ એન.એન. રાડિયા ઉપરાંત કંપનીના જવાબદાર અધિકારીઓ હાજર રહ્યા હતા.અંદાજે ૧૧ કલાક સુધી ચાલેલી લોકસુનાવણીમાં બફર ઝોનના ગામો ઉપરાંત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. સામાજિક અને આર્થિક વિકાસ માટે સ્થાનિકે ઉધોગો હોવા આવકાર્ય છે. સ્થાનિકે મોટા ઉધોગો આવવાથી બેરોજગાર યુવાનોને સ્વમાનભેર રોજગારીની તકો મળે છે. અને અન્ય સંલગ્ન વ્યવસાયો વિકસાવવાની પણ સંભાવના ઉભી થાય છે. જેથી સ્થાનિક લોકો ઉદ્યોગ સંલગ્ન અન્ય વ્યવસાયો શરૂ કરી પોતાની આજીવિકાનું માધ્યમ ઉભું કરી આત્મનિર્ભર પણ બની શકે છે. સુનાવણીમાં ભાગ લેનાર બાડા તાલુકા પંચાયત સદ્દસ્ય પ્રતિનિધિ અને માંડવી તાલુકા સરપંચ સંગઠનના પૂર્વ પ્રમુખ વરજાંગભાઈ ગઢવીએ જણાવ્યું હતું કે, અસરગ્રસ્ત વિસ્તારમાં આવતા ગામો દ્વારા ગામના પર્યાવરણીય સબંધી પ્રશ્નો રજૂ થયા હતા, જેનો કંપની દ્વારા સંતોષકારક પ્રત્યુતર મળ્યો હતો. મોટાભાગની અસરગ્રસ્ત ગ્રામ પંચાયતો દ્વારા કંપનીને સમર્થન પત્ર પણ સોંપી દેવામાં આવ્યા છે. માંડવી પંથક ઔધોગિક વિસ્તારથી વંચિત રહ્યો હોવાથી સ્થાનિક શિક્ષિત અને બેરોજગાર યુવાનોને આજીવિકા માટે મુંદરા, કંડલા વિસ્તારો સુધી જવું પડે છે, ત્યારે આ વિસ્તારમાં ઉધોગ આવતાં સ્થાનિકે રોજગારીની તકો ઉપલબ્ધ થશે. આ ઉપરાંત કંપની દ્વારા સામાજિક ઉત્તરદાયિત્વના ભાગરૂપે થતી પ્રવૃત્તિઓથી ગ્રામજનોનું જીવનધોરણ સુધરશે અને પશુપાલન, ખેતી અને માછીમારી જેવા પરંપરાગત વ્યવસાય સાથે સંકળાયેલા લોકોને પણ લાભ મળશે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, વિરોધ મોટાભાગે બફર ઝોન વિસ્તારની બહારના લોકો દ્વારા કરવામાં આવ્યો હતો. જેમને આ સુચિત પ્રોજેકટ સાથે કોઈ સીધો સબંધ નથી અને આ સુનાવણી સફળ રહી હતી. પાંચોટિયા સરપંચ પુનશીભાઈ ગઢવી, હરિભાઈ ગઢવી (માજી પ્રમુખ માંડવી તાલુકા પંચાયત) બાયઠ તા.પં. સદ્દસ્ય બળવંતસિંહ ઝાલુભા જાડેજા, મોટા લાયજા તા.પં. સદ્દસ્ય કેવલ ગઢવી, મોટા લાયજા સરપંચ વિરમ ગઢવી, માંડવી તાલુકા મહેશ્વરી સમાજના પ્રમુખ લક્ષ્મીચંદ ફુફલ, સામતભાઈ ગઢવી, હરિભાઈ ગઢવી, ગોવિંદગર કેશવગર બાવાજી (ઉપપ્રમુખ માંડવી તાલુકા પંચાયત), રૂકિયાબાઈ અબ્દુલ તુર્ક, રફીક હુસેન માજોઠી (બાયઠ), પ્રતાપ મનજી ભાનુશાલી (બાયઠ), કિશોર જીવણ ગઢવી (સરપંચ મોટા લાયજા) વગેરે ઉપરાંત બફર ઝોનમાં આવતા બાડા, ભીંસરા, પાંચોટીયા, નાના લાયજા, મોટા લાયજા, ભાડા, બાયઠ, માપર, બાંભડાઈ, પદમપુર, જનકપુર, છગડી ગામના આગેવાનોએ પણ લોકસુનાવણી દરમ્યાન કંપની દ્વારા સંતોષકારક જવાબો મળ્યા હોવાનું જણાવ્યું હતું.
જીએચસીએલના એન.એન. રાડિયાએ જણાવ્યું હતું કે, લોકસુનાવણી દરમ્યાન અનેક ગામના પ્રતિનિધિઓ દ્વારા સમર્થન પત્રો અને વિવિધ પર્યાવરણ સબંધી રજૂઆતો મળી છે. કંપની લોકસુનાવણી દરમ્યાન લોકોએ ઉઠાવેલા પ્રશ્નો અને વ્યક્ત કરેલી ચિંતાનો ગંભીરતાથી અભ્યાસ કરી લોકહિત માટે જરૂરી તમામ પગલાં લેવા જીએચસીએલ પ્રતિબદ્ધ છે. જીએચસીએલ દ્વારા લોકસુનાવણી સમયે ઉપસ્થિત સર્વે ગ્રામજનો પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરવામાં આવી હતી.શ્રી રાડિયાએ વધુમાં જણાવ્યું હતું કે, પ્રોજેકટની સ્થાપના માટે પ૦૦ એકર જમીન પૈકી ૮પ ટકા ખાનગી અને ૧પ ટકા સરકારી રીતે સંપાદિત કરવામાં આવશે. જેના કારણે આજુબાજુના લોકોને પણ જમીનના સારા ભાવ મળવાથી લાભ થશે. આ પ્લાન્ટ પર પ્રથમ તબક્કામાં પ.પ૦ લાખ ટન, બીજા તબક્કામાં પ.પ૦ લાખ ટન આમ કુલ ૧૧ લાખ ટન સોડાએસ પ્રોજેકટ શરૂ થવાથી ર હજાર લોકોને રોજગારી મળશે. બાડાના આ સૂચિત પ્રોજેકટની પ્રૌદ્યગિકીય પ્રક્રિયા એટલે કે, ટેકનોલોજી ખુબ જ આધુનિક અને અદ્યતન રહેશે, જેથી ઉત્પાદનની કાર્યક્ષમતા વધુ રહેશે અને સાથે સાથે પ્રદુષણનું સ્તર પણ ઘટશે. ગ્રીનફિલ્ડ સોડાએશ પ્રોજેકટમાં પ્રદુષણ ઘટાડવા માટે અનેક પાસાઓ હિસ્સો ધરાવશે. જેમાં મુખ્યત્વે સોડાએશ ઉત્પાદનની અદ્યતન કાર્યક્ષમ ટેકનોલોજી કે, જેની પસંદગી પ્રર્વતમાન પ્રદુષણ ધારાધોરણ માપદંડને અનુરૂપ હોય તેવા ઉપરાંત ભવિષ્યમાં જો વધુ કઠોર ધારાધોરણ માપદંડ અમલી થાય તો તેને પણ અનુરૂપ રહે તે ધ્યાને રાખી ઈ.એસ.પી. અને ડસ્ટકલેકટરની જેવા અદ્યતન કાર્યક્ષમ પોલ્યુશન કંટ્રોલ તેમજ સેફટી ઉપકરણોની પસંદગી પ્રક્રિયામાં વિવિધ તબક્કાઓમાં અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે. જે હવાના પ્રદુષણને ઘટાડશે. ક્લિનિગ પ્રક્રિયામાં શકય તેટલા ઉચ્ચ ગુણવત્તાના રો મટીરીયલ એટલે કે, લાઈમસ્ટોનનો ઉપયોગ કરાશે. સોડા એશની પ્રક્રિયામાં લાઈમસ્ટોનની રિકવરી તથા મીઠાની બ્રાઈન પ્રક્રિયામાં તેમજ સોલાર સોલ્ટની રિકવરી બ્રાઈન વોશ સિસ્ટમ, એમઓનિયા રિકવરી પ્રક્રિયા વધુ કાર્યક્ષમ રહેશે, જેના પગલે હવા અને પાણી બંનેના પ્રદુષણમાં ઘટાડો થશે. આ પ્લાન્ટ પર ગ્રીન પાવર દ્વારા કોલસાના બળતણનો વપરાશ ઘટાડીને પ્રદુષણના સ્તરને પણ ઘટાડવામાં
આવશે.