કચ્છી સંતશ્રી પૂ. હરિદાસજી મહારાજનો આજે પ્રાગટય દિવસ

0
49

દેશ – વિદેશમાં વસતા લાખો અનુયાયીઓમાં હર્ષની લાગણી : ઠેર ઠેર સેવાકીય કાર્યો કરાયા : હરિદ્વાર સ્થિત કચ્છી લાલરામેશ્વર આશ્રમમાં ભક્તોએ મેળવ્યા પૂજ્ય સંતશ્રીના આશીર્વાદ : મહારાજશ્રીના દીર્ઘાયુ માટે કરાઈ પ્રાર્થના

ભુજ : કચ્છી સંતશ્રી પૂ.હરિદાસજી મહારાજના આજે ૭૧ મા પ્રાગટ્ય દિવસે કચ્છ સહિત દેશ-વિદેશમાં વસતા લાખો અનુયાયીઓમાં આજે ખુશીની લાગણી પ્રસરી ગઈ છે. ઠેર ઠેર સેવાકીય કાર્યો સાથે મહારાજશ્રીનો જન્મદિવસ ઉજવવામાં આવી રહ્યો છે. સવારથી જ સોશિયલ મીડિયામાં ભક્તોએ મહારાજશ્રીના પ્રાગટય દિવસની શુભેચ્છાઓની આપ લે કરી હતી.

આ અંગેની વિગતો મુજબ દેશ – વિદેશમાં લાખો અનુયાયીઓ ધરાવતા કચ્છી સંત પૂ. હરિદાસજી મહારાજ કચ્છ અને કચ્છવાસીઓ માટે હરહંમેશ ચિંતા સેવતા જ હોય છે, તેની સાથોસાથ ન માત્ર દેશ પરંતુ વિશ્વમાં પણ કયાંય કુદરતી આપતિ સર્જાય ત્યારે પોતાના સંપ્રદાય – અનુયાયીઓ મારફતે રાહતકાર્ય – બચાવકાર્ય સહિતની પ્રવૃતિઓ કરાતી હોય છે. વૈશ્વિક મહામારી કોરોનાએ પાછલા બે વર્ષથી હાહાકાર મચાવ્યો હતો ત્યારે આ મહામારી દરમ્યાન પણ પૂ. હરિદાસજી મહારાજે કચ્છી આશ્રમ હરિદ્વાર તરફથી સેવાકીય પ્રવૃતિઓ અવિરત ચાલુ રાખી હતી. મહારાજશ્રીએ વૈશ્વિક સુખ શાંતિ માટે તાજેતરમાં જ લખપતા તાલુકામાં આવેલા પવિત્ર તીર્થસ્થાન એવા મોરચબાણથી બદ્રીનાથની ૧૮૦૦ કિ.મી.ની કઠીન પદયાત્રા પૂર્ણ કરી હતી. આજે કચ્છી સંતશ્રી પૂ.હરિદાસજી મહારાજનો જન્મદિવસ હોતા દિવસે સર્વે ઓધવ પ્રેમીઓમાં અનેરો ઉત્સાહ અને થનગનાટ જાેવા મળી રહ્યો છે.

મહારાજશ્રી હરહંમેશ ભક્તોને સંદેશ આપતા જણાવે છે કે, જીવનમાં તપ ખુબ જ જરૂરી છે. તપ સાધનાથી સિદ્ધિઓની પ્રાપ્તિ થાય છે. હરિદાસજી મહારાજે વાલરામ ચાલીસા પાઠ કરાવી ધાર્મિક ગ્રંથોનો ઉપદેશ આપ્યો હતો. ભગવાન ઓધવરામ, ભગવાન વાલરામના જીવનમાંથી બોધપાઠ લેવા પણ શીખ આપતા રહે છે. આજે તેમના ૭૧માં જન્મ દિવસે હરિદ્વાર સ્થિત કચ્છી લાલરામેશ્વર આશ્રમ ખાતે મહારાજશ્રીના પ્રાગટય દિવસની ઉજવણી કરવામાં આવી હતી. કચ્છ, મોરબી, રાજકોટ, જામનગર, વાપી, વલસાડ, સુરત, મુંબઈ સહિત જુદા જુદા રાજ્યો અને વિદેશમાં વસતા મહારાજશ્રીના ભક્તોએ આજના દિવસે મહારાજશ્રીના સોશિયલ મીડિયા મારફતે દર્શન કરીને ધન્યતા અનુભવવા સાથે દીર્ઘાયુ માટે પ્રાર્થના કરી હતી, તેમજ મહારાજશ્રીના સેવાકીય કાર્યોના પંથે તેઓ સદાય ચાલતા રહે તેવા આશીર્વાદની કામના કરી હતી. આજે મહારાજશ્રીના અનુયાયીઓ દ્વારા ભજન, સત્સંગ, આરતી, સંધ્યાપાઠ, વાલરામ ચાલીસા સહિતના ધાર્મિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે.