નવા વાહનોની ખરીદી સાથે કચ્છવાસીઓએ દશેરાનું મુહૂર્ત સાચવ્યું

0
28

ભુજ : વિજયાદશમીના પાવન અવરસે મા શક્તિની ઉપાસના, શસ્ત્રપૂજન સાથે નવા વાહનોની ખરીદીને શુકનવંતી માનવામાં આવે છે. આજે વિજયાદશમીના શુભ મુહૂર્તમાં કચ્છવાસીઓએ નવા વાહનોની ખરીદી કરી હતી. આસો સુદ આઠમના પણ નોંધપાત્ર નવા વાહનોનું વેચાણ થયું હતું. ગત બે વર્ષો દરમિયાન કોરોના મહામારીના કારણે નવા વાહનોના વેચાણમકાં ઘટાળો થયો હતો, પરંતુ આ વર્ષે ઓક્ટોબર મહિનામાં તહેવારોની મોસમ છેલ્લા દાયકાની શ્રેષ્ઠ બની રહેશે તેવો અંદાજે ઓટો મોબાઈલ ક્ષેત્રના જાણકારોએ આપ્યો હતો.

કચ્છ જિલ્લામાં ગત બે વર્ષોની તુલનાએ આ વર્ષે કચ્છમાં ટુ વ્હીલર્સ અને કોમર્શીયલ વાહનોની ખરીદીમાં વધારો જાેવા મળ્યો હતો. કચ્છવાસીઓએ દશેરાનું મુહૂર્ત સાચવવા અગાઉથી જ બુકિંગ કરાવ્યું હતું. પેટ્રોલ-ડીઝલથી ચાલતા વાહનો ઉપરાંત ઈ-વાહનોનું વેચાણ પણ વધ્યું છે. જિલ્લા મથક ભુજ ઉપરાંત ગાંધીધામ, અંજાર, મુન્દ્રા, નખત્રાણા વગેરે શહેરોમાં આવેલા રિટેલ વેચાણસથાનો પર ગ્રાહકો ઉમટ્યા હતા. એક અંદાજ મુજબ કચ્છ જિલ્લામાં પ૦૦થી વધુ નવા વાહનો વિજ્યાદશમીના દિવસે દોડતા થયા હતા.

ભુજ જી.કે. બજાજ શોરૂમના મેનેજર નિરવભાઈ જાેષીએ જણાવ્યું કે, દશેરાના દિવસે ૭૦ ગાડીઓનું બુકીંગ થયું છે. અત્યાર સુધી ૩૫ જેટલી ગાડીઓની ડિલેવરી આપવામાં આવી છે. અને હજુ પણ ઘરાકો નવા વાહન ખરીદવા આવી રહ્યા છે. ગયા વર્ષ કરતા આ વર્ષે પણ ઘરાકી સારા પ્રમાણમાં નિકળી છે.

શોર્ય હોન્ડાના મિતભાઈ ઠક્કરે જણાવ્યું કે, નવરાત્રિથી માંડીને દિવાળી સુધી સારા પ્રમાણમાં ઘરાકી રહેતી હોય છે. આ વખતે ધનતેરસ સુધી ૫૦ જેટલી ફોરવ્હીલર ગાડીઓનું બુકીંગ થઈ ચુક્યું છે. આજે ૧૦થી ૧૨ જેટલી ગાડીઓની ડિલેવરી પણ કરવામાં આવી છે. ગયા વર્ષ કરતા આ વખતે ૨૦થી ૩૦ ટકા જેટલો ઘરાકી વધી છે. કારણ કે ગયા વર્ષે કોવિડના કારણે લોકો નવી વસ્તુઓ ખરીદવાનું ટાળી રહ્યા હતા. પરંતુ આ વર્ષે જનજીવન રાબેતા મુજબ થતા ગ્રાહકો પણ નવા વાહનોની ખરીદી કરી રહ્યા છે.