સીએમની સૂચના બાદ કચ્છ પોલીસ બાયોડીઝલના વેપલા પર તુટી પડી, ૬ દિવસમાં ૮૩ હજાર લિટર પ્રવાહી જપ્ત

ઉપરી સૂચના બાદ જ કાર્યવાહી કરવાની કુટેવ સરકારી ખાતાઓમાં કરી ગઈ છે ઘર : તાજેતરમાં પૂર્વ કચ્છના લાકડિયા, પડાણા, વર્ષામેડી, ચીરઈ, સૂરજબારી, બામણસર તેમજ પશ્ચિમમાં બિદડા અને મમુઆરા, અંજાર વિસ્તારમાં પોલીસે કરી છે કાર્યવાહી

સરકારની લાલ આંખ બાદ પકડાતો જથ્થો એ વાતની સાબિતી છે કે અગાઉ પણ બેરોકટોક વેચાતું હતું બાયોડીઝલ

ભુજ : કચ્છ સહિત રાજ્યમાં ગેરકાયદે રીતે બાયોડીઝલનો વેપલો થઈ રહ્યો છે. બાયોડીઝલના નામે બેરોકટોક પણે ભળતા પદાર્થો વેચાતા હોવાથી સરકારને ટેક્સની આવકમાં ગાબડું પડતું હતું તો વાહનોમાં એન્જિનમાં નુકસાન થવાથી પર્યાવરણને પણ બાયોડીઝલ નુકસાન કર્તા હોવાથી આવા પદાર્થોનું ગેરકાયદેસરનું વેચાણ બંધ કરવા માટે અંતે મુખ્યમંત્રીએ સૂચના આપી હતી. કચ્છ સહિત સમગ્ર રાજ્યમાં બાયોડીઝલ અને બેઝઓઈલના થતા ગેરકાયદેસરના બેફામ વેપલા પર તુટી પડવા આદેશ અપાયા હતા. જેથી પૂર્વ અને પશ્ચિમ કચ્છ પોલીસ બાયોડીઝલ પર તુટી પડી હોય તેમ ૬ દિવસમાં ૮૩ હજાર લિટરથી વધુ બાયોડીઝલ કબ્જે કરવામાં આવ્યું છે.આ અંગેની વિગતો મુજબ કચ્છમાં વાગડથી લઈ લખપત સુધી બાયોડીઝલના નામે ભળતા પદાર્થોનું બેફામ વેચાણ થઈ રહ્યું છે. મોટે ભાગે બાયોડીઝલનો ઉપયોગ ટ્રાન્સપોર્ટના વાહનોમાં થઈ રહ્યો છે. કારણ કે ડીઝલના ભાવ ૧૦૦ને આંબી ગયા છે. આવા સમયે ખર્ચો બચાવવા ટ્રાન્સપોર્ટરો બાયોડીઝલનો ઉપયોગ વાહનમાં કરી રહ્યા છે. ખાણ, ટ્રાન્સપોર્ટ, ટ્રાવેલ્સ સહિતના પરિવહન માટેના વિકલ્પોમાં હવે બાયોડીઝલ પ્રથમ પસંદગી બની છે. તે તંત્રની કાર્યવાહી પરથી સ્પષ્ટ થયું છે. કારણ કે આવા સ્થળોએથી બાયોડીઝલ ઝડપાયું છે. પેટ્રોલપંપમાં વેચાતા પેટ્રોલ અને ડીઝલથી સરકારને કમાણી થાય છે, પરંતુ ગેરકાયદે રીતે વેચાતા બાયોડીઝલથી સરકારને ફદીયું પણ ન મળતાં પોતાની તિજોરી ભરવા માટે પોલીસને કામે લગાડવામાં આવી છે.મુખ્યમંત્રીની સૂચના બાદ ૩ જુલાઈથી કચ્છમાં થયેલી કાર્યવાહી પર એક નજર કરીએ તો લાકડિયા નજીક ખોડાસર પાટિયા પાસે ૩પ૦૦ લિટર બાયડીઝલ સાથે આરોપી ઝડપાયો હતો. બાદમાં ૬ તારીખે લાકડિયા નજીક નવા કટારિયા જવાના પાટિયા પાસે પંપ સાથે પ હજાર લિટર બાયોડીઝલ સાથે બે શખ્સો તેમજ બિદડા નજીક ટેમ્પોમાંથી ૮૦૦ લિટર બાયોડીઝલ સાથે બે શખ્સોને ઝડપી લેવામાં આવ્યા હતા. તો વરસામેડી નજીક ટ્રાવેલ્સના વર્કશોપમાં ઉભા કરાયેલ ટેન્કરના પેટ્રોલપંપમાંથી પણ પ૦૦૦ લિટર બાયોડીઝલ તેમજ સૂરજબારી નજીક સાગર આઈ માતા હોટલ પાસે લોખંડના ટાંકામાં મોટર ફીટ કરી વેચાતા ૪૦૦૦ હજાર લિટર બાયોડીઝલને ઝડપી લેવામાં આવ્યું હતું. તો ૭મી તારીખે વરસાણા નજીક તેમજ નાની ચીરઈ પાસે ૪૦૦૦ લિટર બાયોડીઝલ સ્થાનિક પોલીસે પકડ્યું હતું. તો ૮મી તારીખે રાપરના બામણસરમાંથી ર૦,૦૦૦ લિટર, પડાણા નજીકથી ૮૦૦૦ લિટર અને ભુજના મમુઆરા સીમમાંથી ૧૦૦૦ લિટર બાયોડીઝલ પોલીસે કબ્જે કરી લાખોનો મુદ્દામાલ સીઝ કર્યો હતો. તો ગઈકાલે જ ૩ર હજાર લિટર બેઝ ઓઈલ કબ્જે કરાયું હતું, જેમાં અંજાર પોલીસે કળશ સર્કલ પાસેથી ટેન્કરની તપાસ કરી તેમાંથી ૧૮.પ૦ લાખની કિંમતનું ર૪ હજાર લિટર બેઝ ઓઈલ કબ્જે કર્યું હતું. આ જથ્થો માધાપરમાં રહેતા અંક્તિ રમેશચંદ્ર ઠક્કરને આપવાનો હતો. તો ગાંધીધામ બી ડિવિઝન પોલીસે પડાણામાં મેપલ કંપની સામે આવેલા વાડામાં દરોડો પાડી ટેન્કરમાં રાખેલું ૪ લાખનું ૮ ટન બેઝ ઓઈલ કબ્જે કર્યું હતું. સત્યરાજસિંહ ધર્મેન્દ્રસિંહ ગોહિલ આ જથ્થો વેચતો હોવાનું સામે આવ્યું હતું.
હજુ પણ આ ઝુંબેશ યથાવત રહેવાની હોવાથી આંકડો વધવાની શકયતા છે. પરંતુ હરહંમેશ ઉપરી સૂચના આવે તે બાદ જ કાર્યવાહી થતી હોય છે. કેટલાક લોકો આ કાર્યવાહી પણ પાસેરા પુણી સમાન હોવાનું જણાવી રહ્યા છે.