કચ્છ-ગુજરાતને પાણીની તંગી નહીં થાય

0
188

કચ્છ સહિત રાજ્યમાં પીવાના પાણીની સ્થિતિ અંગેનો તાગ મેળવવા પાણી પુરવઠા મંત્રીના અધ્યક્ષ પદે મહત્વની બેઠક મળી : પાણી પુરવઠા વિભાગના અધિકારીઓ સાથે યોજાયેલી બેઠકમાં રાજ્યના કયા વિસ્તારોમાં પીવાના પાણીની મુશ્કેલી છે તે અંગેની વિગતો મેળવી પાણી પહોંચાડવા માટેના આયોજન અંગે એક્શન પ્લાન તૈયાર કરાશે

(પ્રતિનિધિ દ્વારા)
ગાંધીનગર : રાજ્યમાં કાળઝાળ ઉનાળાની શરૂઆત થઈ છે ત્યારે કચ્છ સહિત રાજ્યના ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાતમાં પીવાના પાણીની શું સ્થિતિ છે તેમ જ ક્યાંય પણ પાણીની મુશ્કેલી છે કે કેમ તે અંગેની સ્થિતિનો તાગ મેળવવા માટે પાણી પુરવઠા મંત્રીના અધ્યક્ષ પદે પાણી
પુરવઠા વિભાગના અધિકારીઓ સાથે યોજાયેલી બેઠકમાં ચર્ચા કરીને તમામ વિસ્તારોમાં ઉનાળા દરમિયાન પીવાનું પાણી પહોંચાડવા માટેનો એક્શન પ્લાન તૈયાર કરવામાં આવનાર હોવાનું જાણવા મળે છે.
રાજ્યના પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળીયા ના અધ્યક્ષ પદે તેમના કાર્યાલયમાં પાણી પુરવઠા વિભાગના અધિકારીઓ સાથે એક મહત્વની બેઠક મળી છે.
સુત્રો પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ આ બેઠકમાં પાણી પુરવઠા વિભાગના અધિકારીઓ તેમજ પાણી
પુરવઠા બોર્ડના અધિકારીઓ દ્વારા કચ્છ સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં પીવાના પાણીની સ્થિતિ અંગેનું એક પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવશે.આ પ્રેઝન્ટેશનમાં હાલમાં રાજ્યમાં પીવાના પાણી આપવા માટેના ઉપલબ્ધ સ્ત્રોત અને કયા સ્ત્રોત દ્વારા શહેરોમાં અને ગ્રામ્ય વિસ્તારમાં કઈ રીતે પીવા ના પાણીનો કેટલો જથ્થો રોજ ઉપલબ્ધ કરવામાં આવે છે તે અંગેની વિગતો રજૂ કરવામાં આવશે.
આ ઉપરાંત આ બેઠકમાં કચ્છ જિલ્લામાં તેમજ બનાસકાંઠા જિલ્લામાં તેમજ સૌરાષ્ટ્ર અને ઉત્તર મધ્ય ગુજરાતના કયા કયા જિલ્લાઓમાં કેટલા શહેરી વિસ્તારોમાં તેમજ કેટલા ગ્રામ્ય વિસ્તારોમાં થી પીવાના પાણીની મુશ્કેલી અંગેની ફરિયાદો મળી છે કે કેમ અને ફરિયાદો મળી છે તો કેટલી ફરિયાદો મળી છે અને તેમને પીવાનું પાણી પહોંચાડવા અને આ મુશ્કેલીઓ દૂર કરવા શું પગલાં લેવામાં આવ્યા છે તે અંગેની વિગતો પણ અધિકારીઓ દ્વારા રજુ કરવામાં આવશે.
સૂત્રો પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ પાણી પુરવઠા મંત્રી કુવરજીભાઈ બાવળીયા એ ગત સપ્તાહે કચ્છ અને બનાસકાંઠા જિલ્લા કલેકટર પાસેથી જિલ્લામાં પીવાના પાણીની સ્થિતિ અંગેનો અહેવાલ મંગાવ્યો હતો. આથી કચ્છ જિલ્લામાં પણ પીવાના પાણીની સ્થિતિ અંગેની સમીક્ષા કરીને કચ્છ જિલ્લામાં જ્યાં પણ પીવાના પાણીની મુશ્કેલી છે ત્યાં પૂરતા પ્રમાણમાં પીવાના પાણી પહોંચાડવા માટે અધિકારીઓને સૂચનાઓ આપવામાં આવનાર હોવાનું જાણવા મળે છે.
સુત્રો પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ પાણી પુરવઠા મંત્રીના અધ્યક્ષ પદે મળેલી બેઠકમાં કચ્છ સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ઉનાળા દરમિયાન પીવાના પાણીની કોઈપણ મુશ્કેલી ઊભી ન થાય અને જ્યાં પણ મુશ્કેલી હોય ત્યાં વ્યવસ્થા કરીને પીવાનું પાણી પહોંચાડવા માટેનું આયોજન કરવા માટેનો એક્શન પ્લાન તૈયાર કરવામાં આવનાર હોવાનું જાણવા મળે છે.