ભુજમાં આજથી કચ્છ ભાજપ દ્વારા અગ્રેસર ગુજરાત કેમ્પેનનો પ્રારંભ

0
56

લોકો પોતાના અભિપ્રાયો આપશે : જેને દિલ્હી સુધી ભાજપ દ્વારા પહોંચાડાશે

ભુજ : વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે ત્યારે રાજકીય પક્ષો પણ એક્શનમાં આવી ગયા હોઈ પ્રચાર પ્રસાર શરૂ કરી દીધા છે. ત્યારે ભાજપ દ્વારા ચૂંટણીના ઢંઢેરા માટે નવી પ્રક્રિયા અપનાવવામાં આવી છે. ચૂંટણી પૂર્વે લોકો પાસે અભિપ્રાય મેળવીને સંકલ્પ પત્ર જાહેર કરાયો છે. જે અંતર્ગત ગાંધીનગર ખાતે અગ્રેસર ગુજરાત કેમ્પેન લોંચ કરવામાં આવ્યું હતું. આજથી રાજ્યના તમામ જિલ્લા અને તાલુકા મથકે આ કેમ્પેનની શરૂઆત કરવામાં આવી છે. જે અંતર્ગત કચ્છ જિલ્લા ભાજપ દ્વારા શહેરના હમીરસર કિનારે તેનું આયોજન કરવામાં આવ્યું હતું. તા. ૧૫ સુધી જનતા પાસે સુચનો માંગવામાં આવશે અને ખાસ સુચન પેટી અનેક સ્થળે મુકવામાં આવશે.

આ અંગે વધુ વિગત આપતા સરહદ ડેરીના ચેરમેન અને કચ્છ જિલ્લા મહામંત્રી વલમજીભાઈ હુંબલે જણાવ્યું કે, ગાંધીનગર ખાતે પ્રદેશ ભાજપ અદ્યક્ષ સી.આર. પાટીલની ઉપસ્થિતિમાં આ કેમ્પેનની શરૂઆત કરાઈ હતી. જે અનુસંધાને રાજ્યની સાથે કચ્છના જિલ્લા અને તાલુકામાં પણ આ કેમ્પેન શરૂ કરી દેવાયું છે. ભાજપ હંમેશા ચૂંટણી વખતે કંઈક નવું કરવાની ભાવના સાથે આ વખતે ગુજરાત અગ્રેસર કેમ્પેન અંતર્ગત લોકોના અભિપ્રાયો લઈ તેમની વાત વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને કેન્દ્રી ગૃહમંત્રી અમિતભાઈ શાહ સુધી પહોંચાડવા કટિબદ્ધ છે. લોકો અહીં કાર્ડ પર પોતાના ચૂંટણીલક્ષીને અભિપ્રાયો આપી શકશે અને જે પણ કંઈ ખુટતી કડીઓ હશે તે ભાજપ વહેલીતકે પૂર્ણ કરવામાં આવશે. અમુક પક્ષો ચૂંટણી હોય ત્યારે જ તેને લક્ષીને કાર્યક્રમો કરતા હોય છે પરંતુ ભાજપ એક એવો પક્ષ છેે જે ચૂંટણી પૂર્ણ થયા બાદના થોડા જ દિવસોમાં પ્રજાલક્ષી કામોની શરૂઆત કરી દેતું હોય છે અને ૩૬૫ દિવસ પ્રજાલક્ષી કાર્યો જ આ પાર્ટી દ્વારા કરવામાં આવે છે.

આ તકે ભુજ શહેર પ્રભારી અને પૂર્વ ધારાસભ્ય રમેશભાઈ મહેશ્વરી, નગરપતિ ઘનશ્યામભાઈ ઠક્કર, ઉપનગરપતિ રેશ્માબેન ઝવેરી, બાલકૃષ્ણ મોતા, પ્રફુલસિંહ જાડેજા, રાજેશભાઈ ગોર, વિજુબેન રબારી, કમલભાઈ ગઢવી, ભૌમિક વછરાજાની, જયંત ઠક્કર, જયદિપસિંહ જાડેજા, દેવરાજ ગઢવી, આમદભાઈ જત, અનિલભાઈ છત્રાળા, દિવ્યરાજસિંહ જાડેજા, હશ્મીતાબેન ગોર, હર્ષલબેન ગોર, રચનાબેન, વંદનાબેન પટ્ટણી, હેમાબેન ગોસ્વામી, વંદનાબેન પીઠડીયા, બિંદીબેન ભાટી સહિતના ઉપસ્થિત રહ્યા હતા.