KKR અને RR વચ્ચે એલિમિનેટર મુકાબલો

IPL-11માં ત્રીજા સ્થાને રહેલી કોલકાતા નાઇટ રાઇડર્સ અને ચોથા સ્થાને રહેલી રાજસ્થાન રોયલ્સ વચ્ચે આજે સાંજે સાત કલાકે એલિમિનેટર મુકાબલો યોજાશે જેમાં જીતનાર ટીમ ક્વોલિફાયર ટુમાં પહોંચશે જ્યારે હારનાર ટીમના અભિયાનનો અંત આવી જશે.

રાજસ્થાન રોયલ્સ અને કોલકાતા નાઇટ રાઇડર્સ આ સિઝનમાં બે વખત સામ-સામે ટકરાયા હતા અને બંને વખત કોલકાતાએ જીત મેળવી હતી 18 એપ્રિલે બંને જયપુરમાં ટકરાયા ત્યારે કોલકાતાએ સાત વિકેટે જીત મેળવી હતી જ્યારે 15મેના રોજ કોલકાતામાં બંને ફરી ટકરાયા હતા જેમાં કોલકાતાએ છ વિકેટે વિજય મેળવ્યો હતો.

કોલકાતાએ પોતાની છેલ્લી ત્રણ મેચમાં જીત મેળવી છઠ્ઠી વખત અંતિમ ચારમાં પ્રવેશ મેળવ્યો હતો.કોલકાતા માટે સૌથી સારી બાબત એ છે કે તેને પ્લેઓફનો મુકાબલો હોમગ્રાઉન્ડ પર રમવાનો છે. કોલકાતા નાઇટ રાઇડર્સને આ મેચ હોમ ગ્રાઉન્ડ પર રમવાનો પણ ફાયદો મળી શકે છે.

બીજી તરફ રાજસ્થાન રોયલ્સને એલિમિનેટર મુકાબલામાં ઇંગ્લેન્ડના વિકેટકીપર જોશ બટલર અને ઓલરાઉન્ડર બેન સ્ટોક્સની કમી વર્તાશે. તેમ છતાં રાજસ્થાને પોતાની અંતિમ લીગ મેચમાં જે રીતે આરસીબીને પરાજય આપ્યો હતો તે મુજબના દેખાવ કોલકાતા સામે જીત મેળવવા કરવો પડશે.

સુનીલ નારાયણ અને દિનેશ કાર્તિક કોલકાતા નાઇટ રાઇડર્સના મુખ્ય હથિયાર પૈકી એક છે. તે પછી રાજસ્થાનના બેટ્સમેનો માટે તેની પાસે રિસ્ટ સ્પિનર કુલદીપ યાદવ, પીયૂષ ચાવલા અને ક્રિસ લિન છે.

કાર્તિકે કોલકાતા તરફથી 438 રન બનાવ્યા છે જ્યારે સુનીલ નારાયણે 300થી વધુ રન બનાવવા ઉપરાંત 16 વિકેટ પણ ઝડપી છે. આ ઉપરાંત આન્દ્રે રસેલ પણ એકલા હાથે બેટિંગ અને બોલિંગ બંને દ્વારા મેચનું પાસું પલટવામાં સક્ષમ છે.

રાજસ્થાન રોયલ્સ માટે સૌથી સારી બાબત એ બની હતી કે, મુંબઈ અને પંજાબની ટીમ પોતાની અંતિમ મેચો હારી ગઈ હતી. હવે કેપ્ટન રહાણેને ખુદ આગળ આવી પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન કરવું પડશે. સંજુ સેમસન અને રાહુલ ત્રિપાઠી પાસે પણ ટીમ મેનેજમેન્ટને સારા પ્રદર્શનની આશા રહેશે. ટીમ માટે સારી બાબત એ છે કે, સાઉથ આફ્રિકાના વિકેટકીપર હેનરિક ક્લાસેન ફિનિશરની ભૂમિકા ભજવી શકે છે.