JKMM કૌભાંડ આડેસર-માંડવીમાં હજુ’ય બેફામ

કૌભાંડ પકડાયા પછી પણ સ્કીમ ચાલુ!  ૧૨૫ ઓફિસમાં દરોડા : સીઆઈડીની ટીમોએ રાજ્યમાં ૩૩ જગ્યાએથી દસ્તાવેજો, કમ્પ્યૂટર્સ કબજે કર્યાં : રાજ્યમાં ૧.૮૫ લાખ સભ્યો બનાવી ૪૪૫ કરોડ ઉઘરાવી છેતરપિંડી

આડેસર-માંડવી સહિત અનેક શહેરોમાં ઉઘરાણા ચાલુ
અમદાવાદ : સીઆઈડીના વડા ડીજીપી આશિષ ભાટીયાએ જણાવ્યું કે, તા. ૧૬ના રોજ સી.આઈ.ડી.ની ટીમો બનાવીને સાગમટે દરોડા પાડવામાં આવ્યા હતા. દરોડા દરમિયાન સાણંદ, ભાભર, દીયોદર, શિહોરી, અંબાજી, વાવ, વડગામ, પાલનપુર, વિજાપુર, સતલાસણા, ચાણસ્મા, હારીજ, પેથાપુર, ભીલોડા, જેતપુર, મોરબી, ચોટીલા, લખતર, વઢવાણ, પાલીતાણા, આડેસર, માંડવીમાં ઓફિસો ચાલુ હોવાથી રેડ સફળ રહી હતી. હજુ પણ સર્ચ ઓપરેશન ચાલુ છે.

ગાંધીધામ : કચ્છમાં પણ અંજાર-ભુજ-ગાંધીધામ-માંડવી સહીતના શહેરોમાં જે.કે.એમ.એમ. નામની જે ઉઠમણા કરાવતી યોજના પર ખુદ સીઆઈડી ક્રાઈમ દ્વારા દરોડા પાડવામા આવ્યા હતા તેને લઈને ફરીથી વધુ એક ખુલાસો સામે આવવા પામી રહ્યો છે. આ મામલે જાણવા મળતી વધુ વિગતો અનુસાર જેકેએમએમ તરીકે ચર્ચાસ્પદ બનેલા જય ખોડીયાર મિત્ર મંડળના કૌભાંડમાં સીઆઈડીની ટીમોએ રાજ્યમાં એકસાથે ૧૨૫ ઓફિસોમાં દરોડા પાડ્‌યા હતા. આ કૌભાંડના મુખ્ય આરોપી મનાતા સંચાલક રાજુ ભલુભાઈ મેવાડા, પ્રિતેશ અરવિંદભાઈ શાહ, હિરેન વિનોદચંદ્ર શાહ અને વાઘાભાઈ માલાભાઈ જીયડની અટકાયત કરવામાં આવી હોવા છતાં ઓફિસોમાં ‘સ્કીમ’ ચાલુ હોવાની વિગતો મળી હતી. ૨૩ જિલ્લા અને ૩ શહેરોમાં કાર્યરત મનાતી ઓફિસોની વિગતો મેળવી ૧૨૫ જગ્યાએ સાગમટે દરોડા પાડવામાં આવ્યા તેમાંથી ૩૩ જગ્યાએથી દસ્તાવેજો, કમ્પ્યૂટર્સ કબજે કરવામાં આવ્યાં છે. ઉલ્લેખનીય છે કે, જેકેએમએમમાં રાજ્યમાં ૧.૮૫ લાખ સભ્યો બનાવી ૪૪૫ કરોડ ઉઘરાવી ઠગાઈ કરાયાની વિગતો સીઆઈડીની તપાસમાં ખુલી ચૂકી છે. વર્ષ ૨૦૧૫-૧૬માં ચર્ચાસ્પદ બનેલાં જય ખોડિયાર મિત્ર મંડળ એટલે કે જેકેએમએમના કૌભાંડમાં હજુ પણ ઓફિસો ચાલુ રાખીને પૈસા ઉઘરાવવામાં આવતા હોવાની બાબત ધ્યાન ઉપર આવતાં સીઆઈડી (ક્રાઈમ) દ્વારા ફરી તપાસનો દોર વેગવાન બનાવાયો છે. મે. જય ખોડિયાર મિત્ર મંડળ, જેકેએમએમ ઓટો કન્સલટન્સી પ્રા.લી. અને દીપ કેપિટલ સર્વિસીસ પ્રા.લિ.ના સંબંધીતો દ્વારા ગુજરાત રાજ્યમાં ૩૫૦૦૦ સભ્યો બનાવી ૮૩.૪૪ કરોડ ઉઘરાવ્યા હોવાની વિગતો ખુલી હતી. તપાસ દરમિયાન કુલ ૧.૮૫ લાખ સભ્યો બનાવી ૪૪૫ કરોડ ઉઘરાવીને ઠગાઈ, વિશ્વાસઘાત કર્યાંની વિગતો ખુલી છે. રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા, રજિસ્ટ્રાર ઓફ કંપની અને જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના નિયમોનું ઉલ્લંઘન કરી નાણાંકીય હરાફેરી કરી ખોટી રીતે સર્ટિફિકેટ ઓફ રજિસ્ટ્રેશનનો ઉપયોગ કરી સ્કીમો જાહેર કરાઈ હતી. (૧) દર મહિને ૧૦૦૦ લેખે ૪૦૦૦૦ ભરી બાઈક અથવા ૫૦૦૦૦ મેળવવા (૨) એક હપ્તામાં ૨૬૦૦૦ ભરી ૩૫ મહિના પછી ૪૬૦૦૦ મેળવવા (૩) દર મહિને ૪૦૦૦ના ૬૦ હપ્તાલેખે ૨.૪૦ લાખ ભરી અલ્ટો કાર અથવા ત્રણ લાખ મેળવવાની સ્કીમો થકી ઠગાઈ કરાયાની તપાસ સીઆઈડી કરે છે.