ભુજમાં જલારામ બાપાની રર૩મી જન્મજયંતિની કરાઈ ઉજવણી

0
38

દરિયાસ્થાન મંદિર તેમજ રવાણી ફળિયા ખાતે ભક્તોએ શિશ ઝુકાવ્યું

ભુજ : કોરોનાના કારણે છેલ્લા બે વર્ષથી કચ્છ સહિત રાજ્યભરમાં જલારામ જયંતિની સાદગી પૂર્વક ઉજવણી કરવામાં આવતી હતી, પરંતુ આ વખતે વીરપુર વાસી અને જલિયાણ જાેગી એવા સંત શીરોમણી જલારામ બાપાની રર૩ મી જન્મજયંતિની ભુજમાં ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. શહેરના દરિયાસ્થાન તેમજ રવાણી ફળિયા ખાતે આવેલા જલારામ બાપાના મંદિરે સવારથી જ ભકતોનું ઘોડાપુર ઉમટ્યું હતું. શહેરની જૂની શાકમાર્કેટ પાસે આવેલા દરિયાસ્થાન મધ્યે પણ ભુજ લોહાણા મહાજન દ્વારા જલારામ જયંતિ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સવારે પૂજનવિધિ ત્યાર બાદ મહાઆરતી યોજાઈ હતી. આ કાર્યક્રમના મુખ્ય દાતા તરીકે સ્વ.માતૃશ્રી જયાબેન કિશોરભાઈ ભીંડે પરિવાર હસ્તે દિપાબેન હર્ષદભાઈ ભીંડે અને ધ્રુવ હર્ષદભાઈ ભીંડે રહ્યા હતા.

આ તકે ભુજ લોહાણા મહાજન પ્રમુખ ડો.મુકેશભાઈ ચંદે, ઉપપ્રમુખ ઘનશ્યામભાઈ ઠક્કર, મંત્રી હિતેશભાઈ ઠક્કર, નવિનભાઈ આઈયા, કમલેશભાઈ કારીયા, મીતભાઈ ઠક્કર, ગૌતમ શેઠીયા, હિતેશ ઠક્કર, ભાવેશ ઠક્કર, દિલીપ ઠક્કર, મુળરાજ ઠક્કર, સંજય ઠક્કર, શંકરભાઈ સચદે, હરેશભાઈ કતીરા, ચેતનભાઈ કતીરા સહિતના સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. જલારામ જયંતિ નિમિત્તે પરંપરા મુજબ નવી લોહાણા મહાજનવાડી લોહાણા જ્ઞાતિના લોકો માટે સમૂહપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે.રવાણી ફળીયા ખાતે સવારના સાદગીથી આરતી કરવામાં આવી હતી. તેમજ મોરબી દુર્ઘટનામાં મૃત્યુ પામેલાઓને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી. આજે સાંજે મંદિર ખાતે મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં બહોળી સંખ્યામાં ભાવિક ભક્તો જાેડાશે.