કચ્છના ૧૮૬૦ મતદાન મથકો પર આરોગ્ય વિભાગને મેડિકલ કીટ સાથે સજ્જ રહેવા તાકીદ

0
35

  • વિધાનસભા ચૂંટણી-૨૦૨૨

ફર્સ્ટ એઈડ કીટની સાથે નજીકના આરોગ્ય કેન્દ્રમાં એમ્બ્યુલન્સ વાહનને પણ સ્ટેન્ડ બાય રાખવા અપાઈ સૂચના : ૩૩૪૮૪ વરિષ્ઠ મતદારો અને ૧૩૭૧૪ દિવ્યાંગ મતદારો માટે અલગથી વ્યવસ્થા ઉભી થશે

(બ્યુરો દ્વારા)ભુજ : આગામી દિવાળી પછી ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી યોજાવા જઈ રહી છે. હાલ સુધીના ઘટનાક્રમ પ્રમાણે બે તબક્કામાં ચૂંટણીનું મતદાન થવાનું છે. કચ્છ જિલ્લામાં વિધાનસભાની પ્રથમ છ સિટો આવેલી હોઈ પ્રથમ તબક્કામાં કચ્છનો સમાવેશ થઈ જશે. આ વખતે જિલ્લામાં નવા ર.૦૬ લાખ મતદારો ઉમેરાતા ૧૬.૩૪ લાખ મતદારો મતાધિકારનો ઉપયોગ કરવાના છે. કોરોના પછી પ્રથમ વખત કોઈપણ પ્રતિબંધો વગર મતદાન થવા જઈ રહ્યું છે, જેથી આ વખતે અપેક્ષા કરતા વધુ મતદાન થવાની ધારણા વ્યકત કરવામાં આવી છે. તેમજ યુવા મતદારો વધુ હોઈ તેઓ રોમાંચ ખાતર અને પોતાની ફરજને અનુલક્ષીને પ્રથમ વખત મતદાન કરવા જશે, ત્યારે મતદાન કેન્દ્રો પર ભીડને પારખીને ગભરાહટ કે ડીહાઈડ્રેશન સહિતના આરોગ્ય વિષયક પ્રશ્નો સર્જાય ત્યારે મતદારોની સુવિધા માટે દરેક મતદાન મથકો પર આરોગ્ય વિભાગના કર્મચારીઓને સ્ટેન્ડ બાય રાખવા માટે રાજ્ય ચૂંટણી પંચ દ્વારા નિર્દેશ આપવામાં આવ્યો છે.વિધાનસભાની સામાન્ય ચૂંટણીઓ દરમ્યાન મતદાન મથકો પર પ્રાથમિક સારવાર માટે દવાઓની કીટ ઉપલબ્ધ કરવા માટે આરોગ્ય અધિકારીને સુચના આપવામાં આવી છે. રાજ્ય આરોગ્ય તબીબી સેવાઓ અને તબીબી શિક્ષણ વિભાગના નિયામક દ્વારા કલેકટર અને ડીડીઓને આ મુદ્દે પગલા ભરવા માટે વિશેષ સુચના આપવામાં આવી છે. જેમાં ખાસ કરીન દરેક મતદાન મથકો પર જરૂરી દવાઓ સાથે ઓઆરએસના પેકેટ, બીપી માપવાનું મશીન, ડાયાબીટીસના મશીનની સાથે ફર્સ્ટ એઈડ કીટ સહિતના જરૂરી સાધનો રાખવાના રહેશે. લાઈનમાં ઉભવાના કારણે ગભરાહટ કે અન્ય કોઈ સમસ્યા સર્જાય ત્યારે સ્થાનીકે સારવાર મળી રહેશે. આ સિવાય નજીકના સરકારી કેન્દ્રોમાં એમ્બ્યુલન્સને પણ સ્ટેન્ડ બાય રાખવા માટે સુચના આપવામાં આવી છે. ખાસ કરીને વરિષ્ઠ અને દિવ્યાંગ મતદારો માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવનાર છે. કચ્છમાં ૮૦ વર્ષથી ઉપરના ૩૩૪૮૪ મતદારો અને ૧૩૭૧૪ દિવ્યાંગ મતદારો છે ત્યારે તેઓ માટે બેલેટ પેપરની સાથે મતદાન કેન્દ્રો પર રેમ્પની સુવિધા તેમજ આકસ્મિક બિમારી દરમ્યાન કેન્દ્રો પર સારવાર કીટની વ્યવસ્થા કરવા માટે આરોગ્ય વિભાગને તાકીદ કરવામાં આવી છે.ઉલ્લેખનીય બાબત છે કે, વર્ષ ર૦૧૭માં કચ્છમાં ૧૧પ૮ મતદાન મથકો હતા, જે આ વખતે વધીને ૧૮૬૦ થયા છે. તેમજ આ વખતે ૧૬,૩૪,૬૭૪ મતદારો મતદાન કરવાના છે. જેમાં પુરૂષ ૮,૪૪,૪૮૮ અને મહિલા મતદારો ૭,૯૦,૧૭૪ નોંધાયેલા છે.