રણોત્સવ દરમિયાન સ્થાનિકોને રોજગારી મળે તે ઈચ્છનીય

0
21

રેવન્યૂ દરજ્જાે ન હોતા હંગામી ટેન્ટની મંજૂરી કે વીજ જાેડાણ નથી મળતા : મંજૂરી માટે સ્થાનિકોને અગ્રતા આપવા રજૂઆત કરાઈ

ભુજ : દેશ-વિદેશના પર્યટકોને ઘેલું લગાડનાર કચ્છ રણોત્સવ આડે હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. રણોત્સવ દરમિયાન સ્થાનિક કારીગરોની સાથે નાના-મોટા હોમસ્ટેવાળાઓને ખુબ આર્થિક લાભ થતો હોય છે, પરંતુ બન્ની પચ્છમ વિસ્તારને રેવન્યૂ દરજ્જાે ન હોવાથી સ્થાનિકોને વીજ કનેકશન મેળવવામાં ભારે તકલીફ થાય છે. તેવું ગોરેવાલી ઉપસરપંચ પ્રતિનિધિ અમીરઅલી મુતવાએ જણાવ્યું હતું.

 તેમણે આક્ષેપ કરતા કહ્યું હતું કે, સફેદ રણની ભાગોળે બીઓપી બીએસએફની નજીક વ્હાઈટ રણ રિસોર્ટ છે. તેની તદ્દન નજીક જ અન્ય એક ખાનગી રિસોર્ટન પણ મંજૂરી મળી ગઈ છે. જ્યાં એક તરફ સરકાર રણોત્સવના માધ્યમથી સ્થાનિક રહેવાસીઓને રોજગાર મળે તેવું ઈચ્છે છે તો બીજી તરફ હોમસ્ટે શરૂ કરવા ઈચ્છુકોને લાઈટ અને પાણીના કનેકશન ન આપી કનગડત કરવામાં આવે છે. અમુક સ્થાનિક અગ્રણીઓ રાજકીય સાંઠગાઠ કે લાગવગથી વહીવટી તંત્ર પાસેથી મંજૂરી મેળવી લે છે. વીજતંત્ર પણ હંગામી ધોરણે ચાર માસ માટે વીજ જાેડાણ આપી દે છે. જેનાથી સ્થાનિક રોજગારી મેળવવા ઈચ્છુકોમાં કચવાટ ફેલાયો છે. સ્થાનિક રહેવાસીઓને હંગામી ધોરણે ટેન્ટ લગાવવા મંજૂરી અને લાઈટ કનેકશન આપવામાં આવે તેવી લોકલાગણી છે તેવું શ્રી મુતવાએ વધુમાં જણાવ્યું હતું.