પવનચક્કીની કંપનીને વીજપોલ ઊભા કરવા કુદરતી વહેણને ડાયવર્ટ કરવા સિંચાઈ વિભાગે આપી લીલીઝંડી

  • કાયદો માત્ર સામાન્ય લોકો માટે, કંપનીઓ માટે નિયમોમાં મનસ્વી ફેરફાર

લખપતના મેઘપરમાં ડેમના કુદરતી વહેણમાં કંપનીના વીજપોલને નડતર ન થાય તે માટે વર્ષો જુનો પાણીનો વહેણ અન્યત્ર ડાયવર્ટ કરવા જેસીબી કામે લગાડાયું

ભુજ : કચ્છમાં પવનચક્કીની કંપનીઓને ગમે તે ભોગે મંજુરી આપવા કચ્છનું સરકારી તંત્ર કેટલી હદે નિયમો તોડી મરોડીને પવનચક્કીનો ફાયદો પહોચાડવા કામ કરી રહ્યું છે. તેવો એક કિસ્સો બહાર આવ્યો છે જેમાં સિંચાઈ વિભાગે પવનચક્કીની કંપનીને વીજપોલ ઉભા કરવા વહેણ ડાયવર્ટ કરવા મંજુરી આપી દીધી છે. પ્રાપ્ત થતી વિગતો મુજબ લખપતમાં નાની સિંચાઈના મેઘપરમાં બે ડેમ આવેલા છે જે આસપાસના ગામોના સ્થાનીક રહીશો અને પશુઓ માટે જીવાદોરી સમાન છે. ડેમના કુદરતી વહેણ પર કિન્ટેક સીનર્જી નામની કંપનીને સિમેન્ટના ફાઉન્ડેશન બાંધકામ કરી બે વીજપોલ ઉભા કરવાની કામગીરી શરૂ કરી હતી. આ બાબતે જાગૃત નાગિરકે કલેકટર, મામલતદાર, નાની સિંચાઈ વિભાગમાં લેખિત રજૂઆતો કરી આ કામ બંધ કરાવવા માંગ કરી હતી.ત્યારબાદ નાની સિંચાઈ વિભાગે સ્થળ પર જઈ પંચનામું કરી કામ ગેરકાયદેસર ઠેરવી નખત્રાણા નાયબ કાર્યપાલક ઈજનેરે કંપનીને વીજપોલ નાખવાનું કામ બંધ કરવા લેખિત આદેશ આપતા કામ બંધ થતા જ કંપનીએ ભુજ પંચાયત સિંચાઈ વિભાગના નાયબ કાર્યપાલક ઈજનેર લેખિત રજૂઆત કરી કે પાણીના આવમાં થઈ રહેલા બે વીજપોલ બીજે જગ્યાએ ખસેડી શકાય તેમ નથી. જેથી આ વહેણનું સ્વખર્ચે ડાયવર્ટ કરવા મંજૂરી આપવામાં આવે.ઈજનેર દ્વારા બીજા દિવસે વીજપોલ ઉભા કરવા મંજુરી આપી દીધી. હાલ અહી ડેમની કુદરતી આવને ડાયવર્ટ કરવા જેસીબીથી કામ ચાલી રહ્યું છે. અત્રે નોંધનીય છે કે, કચ્છનું સિંચાઈ વિભાગ પવનચક્કી કંપનીઓને વીજપોલ ઉભા કરવા માટે કંપનીને ફાયદો થાય તે માટે કાયદાઓને તોડી મરોડીને ખુલ્લેઆમ ગેરકાયદે પ્રવૃતિઓને ઉતેજન આપી રહ્યું છે.