વડીલોની ઉંમર વધતા બૌદ્ધિક ક્ષમતા વધે છે, તેઓ માર્ગદર્શકની ભૂમિકા નિભાવે છે – વિધાનસભા અધ્યક્ષશ્રી ડો.નીમાબેન આચાર્ય

0
26

માધાપર ખાતે શ્રી હરિ શાંતિ નિકેતન ટ્રસ્ટ સંચાલિત વયસ્ક આશ્રમ સ્થાનના દશાબ્દી મહોત્સવની ઉજવણી કરાઇ

સીનીયર સિટીઝનની જેમ ઉંમર વધે છે તેમ તેઓની બૌદ્ધિક ક્ષમતા વધતી હોય છે, તેઓ માર્ગદર્શકની ભૂમિકા ભજવી સમાજ માટે રાહબર બની રહે છે તેવું માધાપર ખાતે શ્રી હરિ શાંતિ નિકેતન ટ્રસ્ટ સંચાલિત વયસ્ક આશ્રમ સ્થાનના દશાબ્દી મહોત્સવની ઉજવણી કાર્યક્રમમાં વડીલોને સંબોધતા ગુજરાત વિધાનસભા અધ્યક્ષશ્રી ડો.નીમાબેન આચાર્યે જણાવ્યું હતું.

માધાપર વયસ્ક આશ્રમ સ્થાનના ૧૧માં મંગલપ્રવેશ કાર્યક્રમમાં વિધાનસભા અધ્યક્ષશ્રીએ જણાવ્યું હતું કે, આ આશ્રમ વડીલોને આશ્રય નહીં પરંતુ હુંફ આપી રહ્યો છે. અહીં કચ્છ અને કચ્છ બહારથી આવેલા સિનીયર સિટીઝનો ઘર જેવી લાગણી અનુભવી રહ્યા છે તે જ આ આશ્રમની સફળતા છે. તેમણે અહીંના ટ્રસ્ટીઓ તથા સંચાલકોની કામગીરીને બિરદાવીને અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે, વડીલોના જીવનસંધ્યાના દિવસો સારી રીતે વીતે તે માટે અહીં સૌ કોઇ પ્રતિબદ્ધ છે. દિવસ-રાત અહીંના સંચાલકો તમામ પ્રકારની સુશ્રુષા કરીને અહીં આશ્રય મેળવનારા વૃદ્ધોને તમામ પ્રકારની સેવા આપવા પ્રયત્નશીલ છે. તે સાથે જ દાતાઓ દ્વારા સતત વહેતી સરવાણીને પણ તેઓએ બિરદાવી હતી. વડીલોની સેવાથી વધુ કોઇ પૂણ્ય નથી તેવું જણાવતા તેમણે આશ્રમને કોઇપણ પ્રકારની જરૂરીયાત હોય તો જણાવવા અનુરોધ કર્યો હતો.

આ પ્રસંગે બાલિકાઓએ ગણેશ સ્તુતિ રજૂ કરી હતી. તેમજ દાતાઓનું સંસ્થાવતી સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે દશાબ્દી પુસ્તિકાનું વિમોચન કરવામાં આવ્યું હતું. દાતાઓએ આ ટાંકણે દાનની સરવાણી વહાવી હતી.

આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખશ્રી પારૂલબેન કારા, જુનાવાસ સરપંચશ્રી ગંગાબેન મહેશ્વરી, સંસ્થાના આગેવાનશ્રી નરેન્દ્રભાઇ મીરાણી, જયંતિભાઇ દયા, મણીલાલભાઇ ઠક્કર, ઇશ્વરભાઇ ઠક્કર, દિનેશભાઇ ઠક્કર, સુકેતુભાઇ રૂપારેલ, ભરતભાઇ ભીંડે, દિલીપભાઇ ભીંડે તથા સંસ્થામાં આશ્રય મેળવનાર વડીલો ઉપસ્થિત રહ્યા હતા.