ઉમેદવારોની પસંદગીમાં જિલ્લા ભાજપ સંગઠનનો દબદબો

0
45

પાર્ટી દ્વારા મેદાનમાં ઉતારવામાં આવેલા ત્રણેય નવા ચહેરા સંગઠનમાંથી પામ્યા પસંદગી : જિલ્લા ભાજપના પ્રમુખ, ઉપપ્રમુખ અને મહામંત્રીને મળી ઉમેદવારીની તક : પાર્ટી સંગઠનમાં કરેલી નોંધપાત્ર કામગીરીનો મળ્યો પુરસ્કાર

ભુજ : ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા કચ્છની તમામ છ બેઠકોના ઉમેદવારો જાહેર કરી દેવાયા છે. જાહેર થયેલા ઉમેદવારોમાં જિલ્લા સંગઠનના હોદ્દેદારોનો દબદબો જાેવા મળ્યો છે.

ભાજપ દ્વારા અબડાસા અને ગાંધીધામ બેઠક પર વર્તમાન ધારાસભ્યો અનુક્રમે પ્રધ્યુમનસિંહ જાડેજા અને માલતીબેન મહેશ્વરીને રીપીટ કરવામાં આવ્યા છે. જયારે માંડવી ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાને રાપર બેઠક પર ઉમેદવાર બનાવાયા છે. બીજીતરફ ત્રણ બેઠકો પર નવા ચહેરાને ભાજપ હાઈકમાન્ડે તક આપી છે. આ ત્રણેય ઉમેદવારો ભાજપના જિલ્લા સંગઠનમાંથી જ લેવામાં આવ્યા છે. ભુજ બેઠક પર જિલ્લા ભાજપ પ્રમુખ કેશુભાઈ પટેલનું નામ જાહેર થયું છે. તો અંજાર બેઠક પર જિલ્લા ભાજપ ઉપપ્રમુખ ત્રિકમભાઈ છાંગાને ઉમેદવાર બનાવાયા છે. માંડવી બેઠકના ઉમેદવાર તરીકે જિલ્લા મહામંત્રી અનિરૂદ્ધ દવેને તક આપવામાં આવી છે. આમ ભાજપ દ્વારા જે નવા ચહેરાઓને તક અપાઈ છે તે ત્રણેય ઉમેદવાર હાલે જિલ્લા સંગઠનમાં મહત્વપૂર્ણ હોદ્દો ધરાવે છે. વિધાનસભા ચૂંટણીના સેન્સ લેવાની પ્રક્રિયા દરમ્યાન આ વખતે અનેક દાવેદારોએ પાર્ટી પાસે ટિકિટની માંગણી કરી હતી. પાર્ટી હાઈકમાન્ડ દ્વારા સંગઠનમાં નોંધપાત્ર કામગીરી કરનારાઓ પર વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો છે. આમ ઉમેદવારોની પસંદગીમાં સંગઠનનો દબદબો જાેવા મળ્યો છે.