ઔધોગિક એકમો/ઠેકેદારોએ મજૂરો માટે પાણી, વિજળી, રહેણાંક અને શૌચાલય તેમજ પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધએ કરાવવી પડશેઃ જાહેરનામું જારી કરાયું

0
37

રાજયમાં બાંધકામ હેઠળના ઈમારતમાં મહિલા મજુરો ઉપર બળાત્કારના બનાવ બનેલા છે. જે ગુન્‍હાની તપાસ દરમ્‍યાન જાણવા મળેલ છે કે બળાત્‍કારના ભોગ બનનાર મહિલાઓ અને મજૂરોને સબંધિત મજુર ઠેકેદાર દ્વારા બાંધકામના સ્‍થળે પીવાના પાણી, વિજળી, શૌચાલય વિગેરે પ્રાથમિક સુવિધા ઉપલબ્‍ધ કરાવવામાં આવતી નથી. જેથી આ પ્રકારના પ્રાથમિક સુવિધાથી વંચિત મહિલા મજૂરો અને તેમના નાબાલિક બાળકો બળાત્‍કારના ભોગ બને તેવી સંભાવના રહે છે.

 જિલ્‍લામાં ભૂકંપ પછી મોટી સંખ્‍યામાં ઔધોગિક એકમોના આગમનથી પરપ્રાંતિય શ્રમિકો મોટી સંખ્‍યામાં વસવાટ કરે છે. તેઓને પાણી, વિજળી, રહેણાંક અને શૌચાલયની પ્રાથમિક સુવિધાઓ કોન્‍ટ્રાકટરો તરફથી મળે તે જોવું ઈચ્‍છનીય છે.

આથી જિલ્‍લા મેજીસ્‍ટ્રેટશ્રી દિલીપ રાણા દ્વારા ફોજદારી કાર્યરીતી અધિનિયમ-(સી.આર.પી.સી.) ૧૯૭૩ (૧૯૭૪ના નં.૨) ની કલમ-૧૪૪ અન્‍વયે જિલ્‍લાની મહેસુલી હદમાં આવેલ તમામ ઔધોગિક એકમો, બાંધકામની જગ્‍યાઓ, ઈંટના ભઠ્ઠાઓ, ખાણો ખાતે મજૂરી કરતા મજૂરોને લેબર કોન્‍ટ્રાકટર દ્વારા પાણી, વિજળી, રહેણાંક અને શૌચાલયને લગતી પ્રાથમિક સુવિધાઓ પુરી પાડવાની રહેશે.

 આ હુકમ સમગ્ર જિલ્‍લાના સમગ્ર વિસ્‍તારમાં લાગુ પડશે. આ જાહેરનામું તા.૨૩/૧૧/૨૦૨૨થી તા.૨૧/૦૧/૨૦૨૩ સુધી અમલમાં રહેશે. આ હુકમનો ભંગ કે ઉલ્‍લંઘન કરનાર સામે ભારતીય દંડ સંહિતાની કલમ-૧૮૮ મુજબ શિક્ષાને પાત્ર થશે.