ફુડ વિભાગની નિષ્ક્રિયતાથી જન આરોગ્ય પર ખતરો : કચ્છમાં તહેવારો ટાંકણે ભેળસેળયુક્ત ખાદ્ય ચીજાેનું ધૂમ વેચાણ

0
33

તહેવારોની સીઝનમાં પણ એક જ તેલમાં વારંવાર તળવાનું ચાલુ : વ્રતધારીઓને ફરાળી નામે મીલાવટવાળી વસ્તુઓ પધરાવાય છે

ભુજ : સામાન્ય રીતે નવરાત્રીથી માંડી દેવદિવાળી સુધી તહેવારોની સળંગ મોસમ રહેતી હોઈ મીઠાઈ, ફરસાણની સાથોસાથ અન્ય ખાદ્ય ચીજવસ્તુઓનું વેંચાણ ખુબ જ વધી જતું હોય છે. શહેરોની સાથોસાથ ગ્રામ્ય વિસ્તારોમાં ગ્રાહકોની માંગને સંતોષવા માટે પુરતો જથ્થો ઉપલબ્ધ રહેતો ન હોઈ આ તકનો પુરેપુરો ગેરલાભ ઉઠાવી ભેળસેળિયા તત્ત્વો સક્રિય થયા છે. ફુડ વિભાગની નિષ્ક્રિયતાના પગલે આવા વેપારીઓને મોકળું મેદાન મળી રહ્યું હોઈ તહેવારોની સીઝન ટાંકણે જન આરોગ્ય સાથે ખુલ્લેઆમ ચેડા થઈ રહ્યા છે.

આ અંગેની વિગતો મુજબ કચ્છ જિલ્લાનું ફુડ તંત્ર વર્ષોથી મહેકમ ઘટથી પીડાઈ રહ્યું છે. તહેવારોની સીઝન દમ્યાન રાજ્યકક્ષાએ આદેશો વછુટે ત્યારે બે – ચાર દિવસ પુરતી કામગીરી કરી બાદમાં સંતોષ માની લેવાતો હોય છે. ફુડ તંત્રની આજ નીતિ – રીતિના કારણે ભેળસેળિયા તત્વોને છુટોદોર મળી જતો હોય છે. હાલે નવરાત્રી પર્વની ઉજવણી ચાલી રહી છેે. નવરાત્રી પર્વ દરમ્યાન વ્રત-ઉપવાસનું મહત્વ હોઈ લોકો મોટી સંખ્યામાં ફરાળી વાનગીઓ આરોગે છે. તહેવારોની આ સીઝન દેવદિવાળી સુધી ચાલનારી હોઈ મીઠાઈ, ફરસાણ સહિતની ખાદ્ય ચીજાેના વેચાણમાં ઉછાળો આવ્યો છે. વ્રતધારીઓને ફરાળી નામે મીલાવટવાળી વસ્તુઓ પધરાઈ તેઓની આસ્થા સાથે પણ રીતસરના ચેડા થઈ રહ્યા છે. એક જ તેલમાં વારંવાર તળીને વાનગીઓ આપવાથી કેન્સર જેવી જાેખમી બીમારીઓ થતી હોવા છતાંય કચ્છમાં ગાંઠિયા, ફરસાણ સહિતની તળેલી વસ્તુઓ બનાવીને વેચનારી અમુક દુકાનના માલિકો અધિકારીઓની નિષ્ક્રિયતાનો લાભ ઊઠાવીને ખાદ્ય તેલ કદડા જેવું થઈ જાય તેવા તેલમાં તળ્યા જ કરે છે.

કાયદાકીય જાેગવાઈ મુજબ વાનગીઓ તળવા માટે ઉપયોગમાં લેવાતા તેલના ટોટલ પોલાર કમ્પાઉન્ટ ૨૫થી વધી જાય તે પછી તે તેલમાં તળીને વાનગી બનાવીને વેચી શકાતી નથી. છતાંય ૭૦થી કે તેનાથીય વધુ ટોટલ પોલાર કમ્પાઉન્ડવાળા અને કદડા જેવા દેખાતા તેલમાં વાનગીઓ તળીને વેચવાનું જિલ્લામાં સરેઆમ ચાલી રહ્યું છે. સૌથી વધુ આઘાતજનક બાબત તો એ છે કે દશેરાના તહેવારમાં ફાફડાંના કિલોદીઠ મોં માંગ્યા ભાવ ગ્રાહકો પાસે વસૂલવામાં આવતા હોય છે, પરંતુ ફાફડાં તળવા માટેના તેલમાં કેન્સર થાય તેટલી હદ સુધી ટોટલ પોલાર કમ્પાઉન્ડ વધી ગયા હોય તો પણ તે જ તેલમાં  તળીને ગ્રાહકોને તે પીરસી કે વેચી દેવામાં આવે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, જિલ્લામાં વાર – તહેવાર ટાંકણે માત્ર દેખાવ પુરતા પાંચ – પંદર કેસો કરીને ફુડ વિભાગ કામગીરી કર્યાનો હરહંમેશ સંતોષ માનતું રહે છે. તો બીજીતરફ આવા સેમ્પલો ચકાસણી માટે લેબોરેટરીમાં મુકાયા બાદ તેના રીપોર્ટ આવવામાં પણ એકથી દોઢ માસનો સમય નિકળી જતો હોઈ આ સમયગાળા દરમ્યાન હલકી ગુણવતાની ચીજ વસ્તુઓ આરોગવાથી લોકોના આરોગ્ય કથળતા રહેતા હોવા છતાં વેપારીઓ ખુલ્લેઆમ આવી પ્રવૃતિ આચરતા રહેતા હોય છે. જિલ્લામાં ખાધ્ય ચીજાેની ભેળસેળ બાબતે કોઈ નક્કર કેસમાં સજા થઈ હોય તેવું જવલ્લે જાેવા મળ્યું છે, જેના લીધે ભેળસેળિયા તત્ત્વોને સતત બળ મળતું જઈ રહ્યું છે. નકલી માવાની મીઠાઈઓ, બળેલું તેલ, ભેળસેળયુક્ત ખાધ્ય ચીજાેનો વેપાર કરનારા ઉપર કડક ચેકીંગ હાથ ધરવામાં અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તે જરૂરી બન્યું છે.