વરણુના ત્રણ ખેતરમાં પ૦ ઢોર છોડી મુકી જુવારના ઊભા પાકનું કરાયું ભેલાણ

0
30

ચાર ઈસમો સામે ફોજદારી : પાકમાં ૧૮ હજારના નુકશાન સાથે મોબાઈલ પણ તુટ્યો

રાપર : તાલુકાના વરણુ ગામે આવેલા ત્રણ ખેતરમાં એક સાથે પ૦ ઢોર છોડી મુકીને જુવારના ઊભા પાકને નુકશાન કરનારા અને મારામારી કરનારા ચાર ઈસમો સામે આડેસર પોલીસમાં ફરિયાદ કરવામાં આવી છે.રાપર તાલુકાના વરણુ ગામે રહેતા મનસુખભાઈ મોહનભાઈ રાજગોરે આડેસર પોલીસમાં ફરિયાદ લખાવતા જણાવ્યું કે, તેમના ખેતરમાં તેઓ જુવાર વાઢતા હતા ત્યારે ખેતરની બાજુમાં કાશીરામભાઈ પણ તેમના ખેતરમાં હાજર હતા. આ દરમિયાન કરશનભાઈ હઠાભાઈ ભરવાડ, લીંબા હઠા ભરવાડ, નવઘણ હઠા ભરવાડ અને ભરતભાઈ બાબુભાઈ ભરવાડ તેમના ખેતરમાં ગાય-ભેંસોના પ૦ જેટલા ધણને સાથે લઈને આવ્યા અને પશુઓ ફરિયાદી મનસુખભાઈ તેમજ કાશીરામભાઈ અને વિષ્ણુભાઈના ખેતરમાં ઊભા પાકમાં ચરવા માટે છુટા મુકી દીધા હતા. જેથી તેઓને ખેતરમાંથી તેમના ઢોર બહાર લઈ જવાનું કહેતા ઉસ્કેરાઈને ગાળો આપવાનું શરૂ કર્યું હતું અને લાકડી વડે માર માર્યો હતો. ફરિયાદી વીડિયો ઉતારવા ગયા ત્યારે કરશને હાથ પહરેલું કડું મારીને મોબાઈલમાં તીરાડ પાડી દીધી હતી. બાદમાં આરોપીઓ જતા રહ્યા હતા અને ચારેય જણાએ ખેતરમાં રહેલા ઊભા પાકમાં પશુઓ ચરાવીને રૂા.૧૮ હજારનું નુકશાન કર્યું હોઈ તેઓ સામે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.