કુનરીયા ચકચારી રેતી ચોરી પ્રકરણમાં પોલીસ-ખાણ તંત્રની એક બીજા પર ખો

0
34

  • એકતરફ કોર્ટમાં ફરિયાદ થઈ છે ત્યારે પોલીસ તપાસ ઢીલી છે કે કેમ તેની તપાસ થાય તો હકીકત સામે આવે

ગત સપ્તાહે સરકારી જમીનમાંથી ૧.૬૬ કરોડ રેતી ચોરીની કોર્ટમાં ફરિયાદ થઈ હતી : ખાણ ખનીજ કહે છે ફરિયાદની અરજી આપી છે, પોલીસ કહે છે ફરિયાદ આપવા બોલાવ્યા પણ આવ્યા નથી

ભુજ : ગત સપ્તાહે કુનરીયા ચકચારી રેતી ચોરી પ્રકરણમાં સરકારી જમીનમાંથી થયેલી ૧.૬૬ કરોડની રેતી ચોરીમાં સીધી કોર્ટમાં ફરિયાદ દાખલ થતા અનેક ચર્ચા વહેતી થઈ છે. પોલીસ દ્વારા તપાસ ઢીલી રાખવામાં આવી હોય ત્યારે જ કોર્ટમાં ફરીયાદ કરવાનો વખત આવે તેવું સુત્રો કહી રહ્યા છે. ખરેખર પોલીસની તપાસ ઢીલી છે કે પછી ખાણ ખનીજ તંત્ર દ્વારા ફરિયાદ લખાવવા કોઈ જતું નથી તેની એસ.પી. કડક તપાસ હાથ ધરે તો સત્ય હકીકત બહાર આવે તેમ છે.૧લી જૂનના ખાણ ખનીજ વિભાગ દ્વારા કુનરીયા ગામના સરકારી પડતર સર્વે નંબર ૩૩૯માં સાદી રેતીનું ગેરકાયદેસર ખનન કરવા બદલ દંડ ભરવાની નોટીસ ફટકારાઈ હતી. સરકારી પડતરમાંથી ૪૯૩૩૯.પર મેટ્રીક ટન સાદી રેતી ગેરકાયદેસર રીતે ખનન કરાઈ હોવાનું ડ્રોન સર્વેમાં સામે આવતા પેનલ્ટી સમેત ૧,૬૬ ,૯૬,૪૯૪ રુપીયા દંડ ભરવા માટે અરુલ ગોપાલ છાંગા અને ઉપસરપંચ સુરેશ ગોપાલ છાંગા (રહે. કુનરીયા)વાળાને નોટીસ ફટકારાઈ હતી, તો સાથે સાથે તેમને ફાળવાયેલી લીઝની આસપાસ પણ ગેરકાયદેસર ખનન થયેલુ હોવાનુુ ડ્રોન સર્વેમાં જણાતા ૩.૯૪ કરોડ રુપીયા દંડ ફટકારવાની નોટીસ અપાઈ હતી. ગત સપ્તાહે ખાણ ખનીજ વિભાગ દ્વારા સરકારી જમીનમાંથી થયેલી રેતી ચોરીની સીધી કોર્ટમાં ફરિયાદ કરી હતી અને લીઝ વાળી જમીનમાંથી થયેલા ગેરકાયદેસર ખનન અંગે માધાપર પોલીસમાં ફરિયાદ-અરજી આપી હોવાનું કહ્યું હતું.ત્યારે માધાપર પોલીસ મથકના પીઆઈ પરમાર કહે છે કે, કુનરીયા રેતી ચોરીની ફરિયાદ-અરજી આપી ગયા છે, અમે ખાણ ખનીજ વિભાગના જવાબદારોને ફરિયાદ લખાવવા માટે રુબરુ બોલાવ્યા છે પણ હજુ કોઈ આવ્યું નથી.આમ, ખરેખર પોલીસ તપાસ ઢીલી છે કે ખાણ ખનીજ વિભાગ દ્વારા પોલીસ ફરિયાદ નથી લખાવાતી તે અંગે પશ્ચિમ કચ્છ એસ.પી. સૌરભ સીંઘ કડક વલણ અપનાવી તપાસ હાથ ધરે તો સત્ય બહાર આવે તેમ છે. ખાણ ખનીજ વિભાગ અને માધાપર પોલીસ એક બીજા પર ખો આપી રહ્યા છે તે અંગેનું રહસ્ય પણ બહાર આવી જાય તેમ છે.