કુનરિયા ચકચારી પ્રકરણમાં ફોજદારી ન નોંધાતા અનેક તર્કવિતર્ક ઊભા થયા

0
31

  • ખાણ-ખનીજ તંત્રની બેવડી નિતી : દંડ ભરવા નામજોગ નોટીસ આપી, પોલીસમાં અજાણ્યા ઈસમો લખાવ્યા

સરકારી જમીનમાં થયેલી ૧.૬૬ કરોડની રેતી ચોરીમાં અજાણયા ઈસમો સામે કેસ કરવા ફરિયાદ આપી છે : રોયલ્ટી ઈન્સ્પેકટર

ખાણ ખનીજ તંત્ર અજાણયા ઈસમો સામે ફરિયાદ નોંધવા અરજી આપી ગયા છે, : માધાપર પીઆઈ પરમાર

ભુજ : પાંચેક માસથી ગાજી રહેલા ચકચારી કુનરીયાના રેતી ચોરી પ્રકરણમાં ખાણ ખનિજ વિભાગની બેવડી નિતી સામે આવી છે. સરકારી ટાવર્સ પૈકીની જમીનમાં ગેરકાયદેસર રેતી ખનન બદલ ૧.૬૬ કરોડ અને માલિકીના લીઝ વાળા સર્વે નંબરમાં રેતી ચોરી બદલ ૩.૯૪ કરોડ દંડ ભરવા માટે નામજોગ નોટિસ પાઠવાઈ હતી. જો કે હવે પોલીસ ફરિયાદમાં અજાણયા ઈસમો સામે ગુનો નોંધાવવા ફરિયાદ-અરજી માધાપર પોલીસમાં આપી છે. આમ, નોટીસ નામજોગ આપી છે ત્યારે પોલીસ ફરિયાદ માટે અરજીમાં અજાણયા ઈસમો લખતા બેવડુ વલણ સામે આવ્યુ છે.
ગત ૧લી જૂનના ખાણ ખનીજ વિભાગ દ્વારા કુનરીયા ગામના સરકારી પડતર સર્વે નંબર ૩૩૯માં સાદી રેતીનું ગેરકાયદેસર ખનન કરવા બદલ દંડ ભરવાની નોટીસ ફટકારાઈ હતી. સરકારી પડતરમાંથી ૪૯૩૩૯.પર મેટ્રીક ટન સાદી રેતી ગેરકાયદેસર રીતે ખનન કરાઈ હોવાનું ડ્રોન સર્વેમાં સામે આવતા પેનલ્ટી સમેત ૧,૬૬ ,૯૬,૪૯૪ રુપીયા દંડ ભરવા માટે અરુલ ગોપાલ છાંગા અને ઉપસરપંચ સુરેશ ગોપાલ છાંગા (રહે. કુનરીયા)વાળાને નોટીસ ફટકારાઈ હતી, તો સાથે સાથે તેમને ફાળવાયેલી લીઝની આસપાસ પણ ગેરકાયદેસર ખનન થયેલુ હોવાનુુ ડ્રોન સર્વેમાં જણાતા ૩.૯૪ કરોડ રુપીયા દંડ ફટકારવાની નોટીસ અપાઈ હતી.ખાણ ખનીજ વિભાગના રોયલ્ટી ઈન્સ્પેકટર ભાવીક જોષી કહે છે કે, રેતી ચોરી સામે આવી ત્યારે સરકારી અને ખાનગી સર્વે નંબરમાં ગેરકાયદેસર ખનન બદલ નામજોગ નોટિસ પાઠવાઈ હતી, પોલીસ ફરિયાદ-અરજીમાં અજાણયા ઈસમો સામે ગુનો દર્જ કરી તપાસ હાથ ધરવા કહેવાયું છે. બીજી તરફ માધાપર પોલીસ મથકના પીઆઈ પરમાર કહે છે કે, કુનરીયા રેતી ચોરીની ફરિયાદ-અરજી આપી ગયા છે, જો કે અરજીમાં અજાણયા ઈસમો સામે ફરિયાદ કરવાનું કહ્યું છે કોઈના નામ ઉલ્લેખ કરાયા નથી જેથી હવે અજાણયા ઈસમો સામે ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરવામાં આવશે.આમ, સર્વે નંબર અને સરકારી પડતરમાં થયેલા ગેરકાયદેસર ખનન બદલ બંને ભાઈઓને નામજોગ નોટિસ અગાઉ અપાઈ હતી જયારે હવે ફરિયાદમાં નામનો ઉલ્લેખ કરવાને બદલે અજાણયા ઈસમો દર્શાવ્યા હોવાનું સામે આવ્યું છે.