કચ્છમાં શિક્ષકોની આંતરીક બદલી કેમ્પને નડયું વિધાનસભા ચૂંટણીનું ગ્રહણ

0
106

આજથી ઓનલાઈન ફોર્મ ભરવાનો તબક્કો શરૂ થવાનો હતો પરંતુ આચારસંહિતાના કારણે પોર્ટલ બંધ રખાયું : હવે ચૂંટણી પછી બદલીની ગતિવિધિ થાય તેવા સંજાેગો

ભુજ : ગુજરાતમાં વિધાનસભાની ચૂટણી જાહેર થાય તે પૂવે શિક્ષણ વિભાગ દ્વારા જારી કરાયેલા જિલ્લાના આંતરીક બદલી કેમ્પને આચારસંહિતા નડતા કામગીરી ઠેલાઈ ગઈ છે. પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી દ્વારા શિક્ષકોની બદલી કેમ્પનો કાર્યક્રમ જાહેર કરાયો હતો. જે પ્રમાણે પ્રથમ તબક્કો ર નવેમ્બરથી ર૦ નવેમ્બર દરમ્યાન અને બીજાે તબક્કો ર૩ નવેમ્બરથી ર ડિસેમ્બર દરમ્યાન યોજવાનું નક્કી કરી જે અંતર્ગત પ્રથમ તબક્કાની જિલ્લા આંતરિક બદલી માટે આજથી ઓનલાઈન ફોર્મ ભરવાની કાર્યવાહી શરૂ થવાની હતી જાે કે ચૂંટણી જાહેર થઈ જતા હાલ રાજ્યમાં આદર્શ આચારસંહિતા અમલમાં છે. જેના નિયમ પ્રમાણે કોઈ પણ સરકારી કર્મચારી, અધિકારીની કોઈપણ જગ્યાએ બદલી કે બઢતી ન થઈ શકે તેમજ પોતાનું હેડ કવાર્ટર છોડી ન શકે અને રજા પણ ન મળે તે સહિતના સંજાેગોમાં હાલ જિલ્લા આંતરીક બદલી કેમ્પની કામગીરી મોકુફ રખાઈ છે.

શિક્ષણ વિભાગ દ્વારા વિદ્યાસહાયકો, પ્રાથમિક શિક્ષક, ઉચ્ચ પ્રાથમિક શિક્ષક, મુખ્ય શિક્ષકના સંકલિત બદલીના નિયમો પ્રસિદ્ધ કરવામાં આવ્યા હતા. જે અન્વયે ચાલુ વર્ષે પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરીના આદેશ અનુસાર ૩૧ જુલાઈ ર૦રરની સ્થિતિએ મંજૂર થયેલા મહેકમ અનુસાર જિલ્લા અને નગરપાલિકા શિક્ષણ સમિતિ હસ્તક ફરજ બજાવતા પ્રાથમિક શિક્ષક અને વિદ્યાસહાયકના બદલી કેમ્પોનું આયોજન કરવાનું નક્કી કરાયું હતું.

આજથી ૯ નવેમ્બર દરમ્યાન આંતરિક બદલીઓ માટે ઓનલાઈન ફોર્મ ભરવાની કાર્યવાહી થવાની હતી. ત્યારબાદ ૧૦ નવેમ્બરથી ૧ર નવેમ્બર દરમ્યાન તાલુકા દ્વારા ફોર્મ વેરિફિકેશન અને ૧૪ નવેમ્બરથી ૧૬ નવેમ્બર દરમ્યાન જિલ્લા કક્ષાએ અરજીઓની ચકાસણી બાદમાં ૧૯ નવેમ્બરથી ર૦ નવેમ્બર દરમ્યાન આંતરિક બદલીના હુકમો જાહેર કરાશે તેવું જાહેર કરવામાં આવ્યું હતું. આ બાબતે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી જે. પી. પ્રજાપતિને પુછતા તેમણે જણાવ્યું કે, આજથી જિલ્લા આંતરીક બદલી કેમ્પની કામગીરી શરૂ થવાની હતી પરંતુ હાલ આચારસંહિતા અમલમાં હોવાથી બદલીની તમામ કામગીરી થઈ શકશે નહીં. તેમજ ઓનલાઈન ફોર્મ ભરવા માટે પોર્ટલ પણ હાલ વિભાગ તરફથી બંધ રાખવામાં આવ્યું છે. ચૂંટણી બાદ જ આ પ્રક્રિયા આગળ ધપી શકશે.

ઉલ્લેખનીય છે કે, કચ્છ જિલ્લાની પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં આમ પણ સ્ટાફની ઘટ્ટ રહેતી હોય છે તેવામાં કેમ્પના કારણે અમુક શિક્ષકો સરહદી અને પછાત ગામોમાંથી પોતાની બદલી કરાવી લેતા હોય છે જેના કારણે પછાત વિસ્તારમાં શિક્ષણનું સ્તર દિન પ્રતિદિન ઘટી રહ્યો છે. બદલી અને બઢતી ભલે થાય પણ સરહદી વિસ્તારોમાં શિક્ષકોની ઘટ્ટ ન રહે તે વાતની પણ તકેદારી રાખવામાં આવે તે જરૂરી છે.