કચ્છમાં સબળ ‘અપક્ષ’ ઉમેદવારો બન્યા શીરદર્દ સમાન : રાજકીય પક્ષોના મોવડીઓની ઉંઘ હરામ

0
56

ખેલ પાડવા માત્ર ગણતરીના કલાકો જ બચ્યા : ૧૭મીએ ચૂંટણી ચિત્ર થશે સ્પષ્ટ : કચ્છની છ વિધાનસભા બેઠકો માટે મુખ્ય રાજકીય પક્ષો ઉપરાંત અન્ય દાવેદારો મળી ૯૬ ઉમેદવારો મેદાને હોઈ મતમાં ગાબડું પાડે તેવાઓને યેન-કેન પ્રકારે સાચવવા શામ, દામ, દંડ, ભેદની અપનાવાતી નીતિ – રીતિ

બળુકાઓને મનાવવા કયાંક સમાજના આગેવાનોની પણ લેવાતી મદદ : કચ્છમાં આ વખતે ત્રિશંકુ જંગ હોઈ એક મત પણ ગુમાવવો પડી શકે છે ભારે : ટિકીટથી વંચિત રહેલા નેતાજીઓ પણ આડા અવળા ન થાય તે માટે લેવાતી પુરતી તકેદારી : હરીફો દ્વારા ફેંકાતા પાસાઓની ચાલ જાણવા ‘ખબરીે’ની જાળ બીછાવાઈ

(બ્યુરો દ્વારા)ભુજ : કચ્છની છ વિધાનસભા બેઠકો માટે ઉમેદવારી પત્રો ભરવા માટેની મુદ્દત પૂર્ણ થઈ ગઈ છે. જિલ્લાની છ બેઠકો માટે મુખ્ય રાજકીય પક્ષો ઉપરાંત અપક્ષો મળી હાલ તુરંત ૯૬ મુરતિયાઓ ચૂંટણી જંગમાં ઉતર્યા છે. કચ્છમાં સબળ ‘અપક્ષ’ ઉમેદવારો રાજકીય પક્ષો માટે શીરદર્દ સમાન બન્યા હોઈ ઉમેદવારી પત્રોની ચકાસણી અને ફોર્મ પરત ખેંચવા માટે બે દિવસની મુદ્દત હોઈ ખેલ પાડવા માત્ર ગણતરીના કલાકો જ બચ્યા છે. ૧૭મીએ સાંજે ચૂંટણી ચિત્ર સ્પષ્ટ થાય તે બાદ પ્રચાર ઝુંબેશ ટોપ ગીયરમાં જોવા મળશે.આ અંગેની વિગતો મુજબ ગુજરાત વિધાનસભાની ૧પમી સામાન્ય ચૂંટણી માટે પ્રક્રિયા ચાલી રહી છે. કચ્છ – સૌરાષ્ટ્ર સહિત દક્ષિણ ગુજરાતની ૮૯ બેઠકો માટે ઉમેદવારી પત્રો ભરવાનો ગઈકાલે અંતિમ દિવસ હતો. ગત રોજ કચ્છમાં પણ છ બેઠકો માટે ઉમેદવારી પત્રો ભરવા રીતસરનો રાફડો ફાટયો હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું હતું. જિલ્લાની છ બેઠકો માટે ૯૬ ફોર્મ ભરાયા છે જેમાં અબડાસા – ૧૭, માંડવી – ૧૭ , ભુજ – ૧૮, અંજાર – ૧૪, ગાંધીધામ – ૧૪, રાપર – ૧૬ ઉમેદવારોએ નામાંકન રજૂ કર્યા છે. આ વખતની ચૂંટણીમાં મુખ્ય રાજકીય પક્ષો ભાજપ, કોંગ્રેસની સાથોસાથ આમ આદમીએ પણ પોતાના ઉમેદવારો ઉતાર્યા હોઈ આ ચૂંટણી ભાજપ – કોંગ્રેસ વચ્ચે નહીં પણ ત્રિપાંખીયા જંગ સમાન બની ગઈ છે. કચ્છમાં દરેક ચૂંટણીમાં અપક્ષ ઉમેદવારોની સંખ્યા વધુ રહેતી હોય છે. પરંતુ આ વખતની ચૂંટણીમાં બળુકા અપક્ષોએ મેદાનમાં જંપલાવ્યું હોઈ મુખ્ય ઉમેદવાર ઉપરાંત પક્ષના મોવડીઓની પણ ઉંઘ હરામ થઈ ગઈ છે. એકતરફ આજ સવારથી ફોર્મ ચકાસણીનો ધમધમાટ ચાલી રહ્યો છે. ડમી ઉમેદવારોને બાદ કરતા અન્ય માન્ય રહેલા ફોર્મની વિગત સાંજ સુધીમાં સ્પષ્ટ થઈ જશે. ઉમેદવારી પત્રો પરત ખેંચવાની તારીખ ૧૭ નવેમ્બર હોઈ બે દિવસ દરમ્યાન વધુમાં વધુ ફોર્મ પરત ખેંચાય તે દિશામાં જોડ તોડની રાજનીતિ પરાકાષ્ટાએ જોવા મળશે.કચ્છની છ વિધાનસભા બેઠકો માટે મુખ્ય રાજકીય પક્ષો ઉપરાંત અન્ય દાવેદારો મળી ૯૬ ઉમેદવારો મેદાને હોઈ મતમાં ગાબડું પાડે તેવાઓને યેન-કેન પ્રકારે સાચવવા શામ, દામ, દંડ, ભેદની નીતિ – રીતિ અપનાવાઈ રહી છે. બીજીતરફ બળુકાઓને મનાવવા કયાંક સમાજના આગેવાનોની પણ મદદ લેવાઈ રહી છે. કચ્છમાં આ વખતે ત્રિશંકુ જંગ હોઈ એક મત પણ ગુમાવવો ભારે પડી શકે તેમ છે. તો તેની સાથે ટિકીટથી વંચિત રહેલા નેતાજીઓ પણ આડા અવળા ન થાય તે માટે પુરતી તકેદારી લેવાની સાથોસાથ હરીફ પક્ષ દ્વારા ફેંકાતા પાસાઓની ચાલ જાણવા ‘ખબરીે’ની જાળ પણ બીછાવાઈ દેવાઈ છે.