કચ્છમાં વીસીઈનો ‘ટેકો’ ન મળતા મગફળી રજીસ્ટ્રેશન કામગીરી ઘોંચમાં

0
31

રપ સપ્ટેમ્બરથી શરૂ થયેલી નોંધણી પ્રક્રિયા ર૪ ઓકટોબર સુધી ચાલશે : રજીસ્ટ્રેશન થયેલા ખેડૂતો પાસેથી લાભપાંચમથી સરકાર ટેકાના ભાવે કરશે ખરીદી : લાંબી લચક રજીસ્ટ્રેશન પ્રક્રિયા, ખરીદીના કઠીન નિયમો, પેમેન્ટ માટે લાંબો સમય જોવી પડતી રાહ ઉપરાંત ટેકાને સમકક્ષ બજાર ભાવ પણ મળતા હોઈ કેટલા ખેડૂતો આગળ આવે છે તે રહ્યું જોવું : ગત વર્ષે જિલ્લામાં એક પણ ખેડૂતે ટેકાના ભાવે નહોતું કર્યું વેંચાણ

(બ્યુરો દ્વારા)ભુજ : ગુજરાત સરકાર દ્વારા ગુજરાતનાં ખેડૂતને પોતાના પાકનાં સારા ભાવ મળી રહે તે માટે સરકાર જુદા જુદા પાકોની સીઝન પ્રમાણે ટેકાના ભાવે ખરીદી કરતી હોય છે. આ વખતે પણ મગફળી, મગ સહિતના પાકોની ટેકાના ભાવે ખરીદી કરવા માટે રજીસ્ટ્રેશનની કામગીરી શરૂ કરી દીધી છે. ગઈકાલથી રાજ્યના અન્ય જિલ્લાઓની સાથોસાથ કચ્છમાં પણ રજીસ્ટ્રેશનની પ્રક્રિયા શરૂ તો થઈ છે પરંતુ વીસીઈની હડતાળના પગલે આ કામગીરી ઘોંચમાં મુકાઈ છે.આ અંગેની વિગતો મુજબ ચાલુ સાલે કચ્છમાં વરસેલા સારા અને આગોતરા વરસાદને પગલે અન્ય પાકોની સાથોસાથ મગફળીનું મોટા પ્રમાણમાં વાવેતર કરાયું છે. મગફળીનો પાક ચાર મહિનાનો હોવાથી દિવાળી સુધીમાં પાકનો ઉતારો પણ લઈ લેવાશે. સાનુકુળ વાતાવરણને પગલે મગફળીનો ઉતારો પણ સારો રહે તેવી શક્યતા વ્યકત કરાઈ રહી છે. ધરતીપુત્રો પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે મગફળી ઉપરાંત મગ, અડદ અને સોયાબીનની ટેકાના ભાવે ખરીદી માટે ગઈકાલથી નોંધણી પ્રક્રિયા શરૂ થઈ છે અને તા.૨૪ ઓકટોબર, ૨૦૨૨ સુધી તે ચાલશે. જુદા જુદા પાકો માટે ટેકાનો ભાવ પણ સરકારે જાહેર કર્યો છે. મગફળીનો ભાવ ટેકાનો ભાવ રૂ.૫,૮૫૦, મગનો રૂ. ૭,૭૫૫, અડદનો રૂ.૬,૬૦૦ અને સોયાબિનનો રૂ.૪,૩૦૦ પ્રતિ ક્વિન્ટલ જાહેર કરવામાં આવ્યો છે. લાભપાંચમથી મગફળીની ટેકાના ભાવે ખરીદી શરૂ કરાશે. ગઈકાલથી આ માટે રજીસ્ટ્રેશન પ્રક્રિયા પણ શરૂ કરવામાં આવી છે. જો કે, વિવિધ પડતર માંગણીઓને લઈને વીસીઈ લાંબા સમયથી હડતાળ પર હોઈ આ રજીસ્ટ્રેશન પ્રક્રિયા પણ શરૂઆતના તબક્કે જ પ્રભાવિત થઈ છે. ચાલુ સાલે પુરવઠા નિગમના બદલે ગુજકોમાસોલને નોડેલ એજન્સી તરીકે નિમણૂંક કરવામાં આવી છે ત્યારે વીસીઈની હડતાળના પગલે રજીસ્ટ્રેશન પ્રક્રિયા પ્રભાવિત થઈ હોઈ ખેડૂતોને મગફળીમાં ટેકો મેળવવો હશે તો ભારે હાલાકીનો સામનો કરવો પડી શકે તેમ છે.અત્રે ઉલ્લેખનીય છે કે, ખેડૂતો વાવણી કાર્ય માટે મોટો ખર્ચ કરતા હોય છે જેના લીધે પાકનો ઉતારો આવ્યા બાદ બીજા પાકની તૈયારી કરવાની હોવાથી ઝડપથી તેના વેંચાણ અને નાણા છૂટા કરવા માટે ધરતીપુત્રો ઈચ્છતા હોય છે. ટેકાના ભાવે ખરીદીની લાંબી લચક રજીસ્ટ્રેશન પ્રક્રિયા, કઠીન નિયમો, પેમેન્ટ માટે લાંબો સમય જોવી પડતી રાહ ઉપરાંત ટેકાને સમકક્ષ બજાર ભાવ પણ મળતા હોઈ ખેડૂતો બજારમાં જ વેચાણ કરવાનું વધુ મુનાસીબ માનતા હોય છે ત્યારે આ વખતે ટેકાના ભાવ માટે કેટલા ખેડૂતો આગળ આવે છે તે જોવું રહ્યું. બીજીતરફ ગત વર્ષે જિલ્લામાં રજીસ્ટ્રેશન કરાવ્યા બાદ એક પણ ખેડૂતે ટેકાના ભાવે મગફળીનું વેંચાણ નહોતું કર્યું ત્યારે ચાલુ વર્ષે પણ આજ સ્થિતિ સર્જાશે કે કેમ તે તો સમય જ બતાવશે.

નોંધણી માટે જરૂરી દસ્તાવેજો

• આધાર કાર્ડ • જમીન ખાતાની માહિતી ૭/૧૨ અને ૮ અ • તલાટીનો વાવેતરનો દાખલો (નોંધણી સમયે ઉપર મુજબના તમામ દસ્તાવેજો અપલોડ કરવાના રહેશે)

અરજી ક્યાં કરવાની રહેશે

ખેડૂતોએ તા.૨૫ સપ્ટેમ્બર થી તા.૨૪ ઓકટોબર, ૨૦૨૨ દરમિયાન નોંધણી કરાવવાની રહેશે. ખેડૂતોની નોંધણી ગ્રામ્ય કક્ષાએથી ઇ-ગ્રામ કેન્દ્રો પરથી વીસીઈ ઓપરેટર મારફતે કરવામાં આવશે.