ગાંધીધામ સુધરાઈમાં હું.. તું.. રતનીયો અને ફઈનું વધુ એક ભ્રષ્ટ કારનામું ચર્ચામાં..!

0
28

  • સફાઈ ટેન્ડરમાં રીંગની ગંધ : જેસીબીની શરત સામે સવાલો..!

સુધરાઈ દ્વારા શહેરના અમુક વોર્ડમાં સફાઈના ઠેકાના જાહેર કરાયેલા ટેન્ડરમાં માલીકીના જેસીબીની આરસી બુકની કોપી મુકવાના આગ્રહથી ઉઠયા અનેક સવાલો : સફાઈમાં ટ્રેકટર-ટ્રોલી સહિતના સાધનોની આવશ્યકતા હોય, જેસીબી ઠેકેદારની માલીકીનો આગ્રહ તો ગુજરાતભરમાં કયાંય નહી રખાતો હોય..! : જાણકારોનો ટોણો : રોડ-રસ્તાના કામોમાં લેવલીંગ કરવા, નાળા સફાઈના કામોમાં કદાચ જેસીબી-હિટાચીની જરૂર પડે, પરંતુ સફાઈના કામમાં તો રોડ સ્વીપર મીશનની જરૂર પડે? જેસીબી માલીકીનો હોવાની શરત દાળમાં કઈંક કાળુ હોવાની આપી રહ્યુ છે ગંધ..!

નિયમ અનુસાર જ ટેન્ડરની પ્રક્રીયા થઈ રહી છે, છતાં પણ કોઈ અતિશયોકિત જેવુ હશે તો ચોકકસથી ફેરવિચારણા કરાશે, શહેરની સફાઈ યોગ્ય કહી શકે તેવા કવોલીફાઈ ઠેકેદારને જ કામ અપાશે : શ્રી ચાવડા(મુખ્ય કારોબારી અધિકારી, ગાંધીધા નગરપાલીકા)

લાંબા સમયથી છાપેલા કાંટલા સમાન સફાઈના નામે ત્રાગા રચનાર ઠેકેદારના ફાળે જ ટેન્ડર જાય તેવી ગોઠવણીઓ કરાઈ : આ ઠેકેદાર ખખડધજ જેસીબી ધરાવતો હોવાથી તે એક માત્ર કવોલીફાઈ થઈ જાય તે રીતે ટેન્ડર કરવામાં આવ્યુ હોવાની બૂમરાડ : સુધરાઈના હુ..તુ..રતનીયો અને ફઈના મોઢે ભ્રષ્ટાચારના ડુચ્ચા ભરાવી દઈને ગોઠવણી માત્રથી જ ટેન્ડર કરવામાં આવ્યુ હોવાની ફરીયાદ : પ્રી બીડ બેઠક પણ ન કરાઈ હોવાની રાવ : અન્ય ઈચ્છુક પાર્ટીઓને ટેન્ડરની શરતોથી જ બહાર કરી દેવાય તે રીતે ગોઠવણો-સાંઠગાંઠ કરાયાની ચર્ચા

ગાંધીધામ : પૂર્વ કચ્છન એ કેટેગરીની સમકક્ષન નગરપાલિકામાં જયારથી નવી બોડી આવી છે ત્યારથી પાછલા એકાદ વર્ષ થયે અહી હુ..તુ..રતનીયો અને ફઈના શાસનની સામે ભારોભાર અંગુલીનિર્દેશ સતત થવા પામી રહ્યા છે. દરમ્યાન જ આ ટોળકી દ્વારા વધુ એક ભ્રષ્ટ કારનામાને અંજામ અપાઈ રહ્યો હોય તેવી ચર્ચા સંકુલમાં હોટટોપીક બની જવા પામી ગઈ છે.ગાંધીધામ શહેરને નર્કાગાર બનાવી દેવાયુ છે, આખાય શહેરને ખાડાધામમાં પરીવર્તિત કરી દીધુ છે, ગંદકીના ગંજ ઠેર ઠેર ખડકાયેલા જ પડયા છે તે વચ્ચે જ હવે સુધરાઈને આધુનીક ઢબે શહેરની સફાઈ કરવાનુ એકાએક જ્ઞાન થવા પામી ગયુ હોય તેમ સફાઈનું ટેન્ડર બહાર પાડયુ છે. શહેરના અમુક વોર્ડ માટે જાહેર કરવામાં આવેલ આ ટેન્ડર તા.૧૩મી આવેદન ભરવાની છેલ્લી તારીખ રખાઈ છે. આ ટેન્ડર માત્ર પારદર્શિતાથી કામગીરી થતી હોવાના દેખાડા પુરતુ ઔપચારીક પ્રક્રીયાનો જ ભાગ લાગી રહ્યુ છે. હકીકતમાં તો આ ટેન્ડરમાં ચોકકસ રીંગ થઈ ગઈ હોય અને ચોકકસ છાપેલા કાંટલા સમાન શખ્સોને આવ ભાઈ હરખા આપણે બેઉ સરખાના તાલે ભાગબટાઈઓ કરી અને આપી દેવાની ગોઠવણ જ વધારે લાગી રહી છે.આ બાબતે સહેજ વિગતે વાત કરીએ તો આ ટેન્ડરમાં કેટલીક શરતો ઠેકેદારો માટે રાખવામાં આવી છે તેને લઈને ભારે હોબાળો થવા પામી રહ્યો છે. એક કરોડનુ ટર્નઓવર અને ત્રણ વર્ષનો નગરપાલિકાનો અનુભવ તો હજુય ગળે ઉતરી રહ્યો છે પરંતુ શહેરના આ વિસ્તારોમાં સફાઈનુ કામ રાખવા ઈચ્છુક ઠેકેદાર-પાર્ટી પાસેજી જેસીબી તેની માલીકીનું છે તે માટે આરસીબુકની નકલ પણ અચુક જમા કરાવવાનો આગ્રહ રખાયો છે. જેની લઈને જ આ બધાય સવાલો થઈ રહયા છે. સફાઈના કામમાં જેસીબીનુ શુ કામ? જેસીબી તો જમીન સમથળ કરવી હોય તો કામ લાગે? અથવા તો ખુબજ મોટા પ્રમાણમાં કદાચ ગંદવાડ કે કચરો હોય તો જેસીબી કામ લાગે તે પણ રોજ બરોજ તો જેસીબીથી સાફ કરી જ ન શકાય? આ તો સૌ કોઈ સમજી શકે તેમ છે. સફાઈના ઠેકામાં તો ટ્રેકટર-ટ્રોલી અથવા તો સ્વીપર મશીનની માંગ થઈ શકે છે પરંતુ આ જેસીબી ઠેકેદારની માલીકીનુ જ હોય તે માંગવુ સહેજ વધુ પડતુ જ લાગી રહયુ છે. કહેવાય છે કે, અગાઉથી જ અલગ અલગ નગરપાલિકામાં કચરાનુ કામ સંભાળનારી એક જ પેઢી તેના ખખડધજ જેસીબી સાથે નામપુરતી માત્ર આરસી બુક રજુ કરી દઈ એન આ ટેન્ડરમાં પણ કવોલીફાઈ થઈ જાય તે માટેની જ રીંગ અહી ગોઠવી લેવાઈ હોવાનુ ચર્ચાય છે. કારણ કે, આ પાર્ટી છે તે આરસી બુક રજુ કરશે તો તેનુ પાસીંગ જી જે ૧ર કચ્છનું જ છે કે નહી? તેની કોણ ચકાસણ કરશે? રાજકેાટમાં જેસીબી પડયા હોય અને તેની પાસીંગવાળી બુક ગાંધીધામમાં રજુ કરી દેવાશે તો શુ એ માન્યરખાશે ખરી? હકીકતમાં જેસીબીનો આગ્રહ જ ટેન્ડરમાં ન રાખવો જોઈએ, સુધારો કરવો જોઈએ અને જો રખાય તો જે-તે પાટીના જેસીબી લોકલ પાસીંગના હોય અને લોકલમાં પણ તે અન્ય મુંદરા કે અંજાર કે અન્યત્ર કાર્યરત ન હોય તેવા જ હોવા જોઈએ તે પણ શરત મુકવી જોઈએ. ઠેકદારોને અથવા તો રસ ધરાવતી પાર્ટીઓને અહી અંધારામાં રાખવાના ઈરાદે જ આ કૃત્યુ થયુ હોય તેમ શુક્રવારના ટેન્ડર બહાર પાડયુ, શનિ-રવિ રજા આવી ગઈ, તે બાદ જવાબદારો મળતા નથી, અને ૧૩મીએ તો બીડ ખોલી નાખવાની છે. ખરેખર તો આ માટે નગરપાલિકાએ પ્રિબીડ બેઠક બોલાવી જોઈએ અને દરેક ઠેકેદારો જેઓ ભાગ લેવા ઈચ્છુકો હોય તેમને હાજર પણ રાખવા જોઈએ તેવી પણ માંગ થવા પામી રહી છે. બીજીતરફ આ બાબતે ગાંધીધામ નગરપાલીકાના મુખ્ય કારોબારી અધિકારી શ્રી દરશનસિંહ ચાવડાને પુછતા તેઓએ કહ્યુ હતુ કે, જેસીબીથી સફાઈ હવે આધુનીક સમયની માગ બની રહી છે. તમામ પ્રક્રીયાઓ નીતી નિયમ અનુસાર છે. અન્ય કેટલાક નિયમો વધારે આકરા લાગ્યા હતા તેમાં ફેરફાર કરાયા છે અને જેસીબીને લઈને પણ પુનઃ વિચારણાઓ કરવામં આવશે તેવુ શ્રી ચાવડાએ આ તબક્કેથી જણાવ્યું હતુ. શ્રી ચાવડાએ અન્ય આક્ષેપોને તથ્યવિહોણા જ ગણાવી નકારી કાઢયા હતા.