ભુજ નગરપાલિકા વોર્ડ નં.૬માં રોડ રસ્તાના રૂ.૧.૩૧ કરોડના કામોનું વિધાનસભા અધ્યક્ષશ્રી ડૉ.નીમાબેનના હસ્તે ખાતમુહૂર્ત

0
33

આજરોજ ભુજ શહેરમાં ઉપલીપાળ રોડ, રઘુનાથજી મંદિર ખાતે વિધાનસભાના અધ્યક્ષ શ્રી ડૉ.નીમાબેન આચાર્યના અધ્યક્ષસ્થાને વોર્ડ નં.૬ના વિવિધ રોડ‌ રસ્તાના કામોનું ખાતમુહૂર્ત કરાયું હતું.

આ પ્રસંગે વિધાનસભાના અધ્યક્ષશ્રી ડૉ.નીમાબેન આચાર્યે જણાવ્યું હતું કે, લાભપાંચમના શુભદિને કરોડો રૂપિયાના રોડ રસ્તાના કામોની ભેટ નાગરિકોને મળી રહી છે. શહેરમાં રોડ રસ્તાઓ જેવી‌ માળખાકીય સુવિધાઓ સુદ્ઢ રીતે ઉપલબ્ધ હશે તો શહેરીજનોની સાથે પ્રવાસીઓને પણ વિશેષ સવલતો મળશે. સ્મૃતિવન મેમોરિયલ ખાતે પ્રવાસીઓનો મેળાવડો જામ્યો છે. સહેલાણીઓ ભુજ શહેરમાં ઉમટી રહ્યા છે જેનો સીધો‌ લાભ સ્થાનિક કળાઓ, ધંધા વેપારને મળે છે. ચૂંટાયેલા પ્રતિનિધિઓ સુંદર કામગીરી બદલ અધ્યક્ષાશ્રીએ સૌને અભિનંદન આપ્યા હતા. આ કાર્યક્રમનું સંચાલન જગતભાઈ વ્યાસે કર્યું હતું.

આ કામોમાં પેરિસ બેકરીથી મેકરણ દાદા મંદિર સુધી આર.સી.સી રોડ, ઉપલીપાળથી છઠ્ઠી બારી રીંગ સુધી આર.સી.સી રોડ, મેકરણ દાદા મંદિરથી છઠ્ઠી બારી રિંગ રોડ સુધી આર.સી.સી રોડ, મહાદેવ ગેટથી રઘુનાથજી મંદિર સુધી આર.સી.સી રોડ, પારેશ્વર ચોકથી આશાપુરા મંદિર સુધી આર.સી.સી રોડ અને રઘુનાથજી મંદિરથી આયના મહેલ દરબાર ગઢ સુધી આર.સી.સી રોડનો સમાવેશ થાય છે. જેનો કુલ ખર્ચ રૂ. ૧.૩૧ કરોડથી વધુ થાય છે.

આ પ્રસંગે ભુજ નગરપાલિકાના પ્રમુખશ્રી ઘનશ્યામભાઈ આર. ઠક્કર, નગરપાલિકા ઉપપ્રમુખશ્રી રેશ્માબેન ઝવેરી, નગરસેવકો સૌ મનુભા જાડેજા, ઘનશ્યામભાઈ સી.ઠક્કર, અનિલભાઈ છત્રાળા, હિનાબા ઝાલા, નસીમા પઠાણ, ગોદાવરીબેન ઠક્કર, સાવિત્રીબેન, ધર્મેશભાઈ ગોર, મહિપતસિંહ જાડેજા સહિત પદાધિકારીશ્રીઓ અને શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા.