ભુજમાં મહારાણી પ્રીતિદેવીના હસ્તે પરંપરાગત રીતે ચામરવિધિ કરાઈ

0
35

  • ૪પ૦ વર્ષ જુની પરંપરા મુજબ

રાજપરીવારના સભ્યો રહ્યા ઉપસ્થિત : સાતમના ચામર માતાના મઢ પહોંચશે

ભુજ : કચ્છમાં રાજપરીવાર દ્વારા ચાલી આવતી ૪પ૦ વર્ષ જૂની પરંપરા મુજબ મહારાણી પ્રીતિદેવીએ દરબારગઢની ટીલામેડી ખાતે ચામરવિધિ કરી હતી. આ પૂજાવિધિ કચ્છ રાજવંશમાં ૪પ૦ વર્ષ પૂર્વે જાડેજા રાજવી ખેંગારજી પ્રથમના સમયથી ચાલુ છે. અહીં દરેક પૂજન કે ધાર્મિક યાત્રા અહીંથી શરૂ થાય છે. કચ્છના કુળદેવી મા આશાપુરાના સ્થાનક માતાના મઢ ખાતે દર વર્ષે આસો નવરાત્રિ દરમિયાન પતરીવિધિ કરવામાં આવે છે. જેમાં કચ્છના રાજપરીવારના મોભી મા આશાપુરા સમક્ષ ખોળો પાથરી કચ્છની પ્રજા માટે સુખ-સમૃદ્ધિ પ્રાપ્ત થાય તેવા આશીર્વાદ માંગે છે. મા તેમના ખોળામાં પતરીરૂપે આશીર્વાદ આપે છે. આ પતરીવિધિ પૂર્વે આજે પાંચમના દિવસે દરબારગઢ ખાતે આવેલી તીલામેળીએ મહારાણી પ્રીતિદેવીએ ચામરવિધિ કરી હતી.આ અંગે કુંવર ઈન્દ્રજીતસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, ૪પ૦ વર્ષથી પરંપરાગત મુજબ ટીલામેળી ખાતે મહારાણી પ્રીતિદેવીના હસ્તે ચામરવિધિ કરવામાં આવી છે. શાસ્ત્રોક્તવિધિથી ચામરપૂજા શાસ્ત્રી જયેશભાઈ ઓઝાએ પૂર્ણ કરાવી હતી. આ ચામર જે ગ્રહણ કરે તેને જ માતાના મઢ ખાતે પતરી પૂજા કરવાનું અધિકાર છે. આ પૂજા બાદ સાતમના દિવસે ચામરયાત્રા નીકળશે. જે માતાના મઢ ખાતે પહોંચશે. આઠમના દિવસે સવારે માતાના મઢમાં ચાચરકુંડની પૂજા-અર્ચના કર્યા બાદ શાહી સવારી માના દરબારમાં પહોંચશે જ્યાં ખોળો પાથરીને મા આશાપુરા પાસે કચ્છના લોકોની સુખ-સમૃદ્ધિ બને રહે તેવા આશીર્વાદ માંગશે અને માના આશીર્વાદથી પતરી આપોઆપ ખોળામાં આવશે.ભુજ આશાપુરા મંદિરના પૂજારી જનાર્દનભાઈ દવેએ જણાવ્યું કે, જ્યારથી ભુજની સ્થાપના થઈ છે ત્યારથી આ પરંપરા શરૂ કરાઈ છે. કચ્છ રાજસત્તા પર ધર્મસત્તા માનનારો જિલ્લો છે. સ્વ. પ્રાગમલજી ત્રીજા આ ચામરવિધિ કરતા હતા. તેમના બાદ હવે મહારાણી પ્રીતિદેવીના હસ્તે આ વિધિ કરવામાં આવે છે. આજે જે ચામરપૂજા કરે તેને જ માતાના મઢ ખાતે પતરીવિધિ કરવાનો અધિકાર છે.આ પ્રસંગે મોટી પોશાળના મહંત પ્રવીણગુરુજી, તેરા ઠાકોર મયૂરધ્વજસિંહ, આરતીબા, કુમાર હર્ષઆદિત્ય, દેવપર ઠાકોર કૃતાર્થસિંહજી, જોરાવરસિંહ જાડેજા, સાવજસિંહ જાડેજા, રોહા ઠાકોર પુષ્પેન્દ્રસિંહજી, અક્ષ્યરાજસિંહ, વિજેશભાઈ પૂંજા, મહેન્દ્રભાઈ ગોર, કલુભા વાઘેલા તથા પ્રાગમહેલ અને રણજીત વિલાસનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.