કચ્છની ર૮૩ શાળાઓમાં ધો. ૧૦-૧ર ની બોર્ડની પરીક્ષા લેવાશે

0
42

પરીક્ષા માટે નક્કી કરવામાં આવેલી શાળાઓમાં વ્યવસ્થા ઉભી કરાશે : ધો. ૧૦ના ત્રણ અને ધો. ૧રના સાયન્સ અને સામાન્ય પ્રવાહના ઝોનલ અધિકારીની નિમણૂંક કરાઈ

ભુજ : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ-ર૦ર૩માં લેવામાં આવનારી ધો.૧૦ અને ૧રની પરીક્ષા માટે જિલ્લાની ર૮૩ શાળાઓ પર પસંદગી ઉતારી છે. પરીક્ષા માટે નક્કી કરવામાં આવેલી શાળાઓમાં વ્યવસ્થા ઉભી કરાશે. તેમજ ધો. ૧૦ના ત્રણ અને ધો. ૧રના સાયન્સ અને સામાન્ય પ્રવાહના ઝોનલ અધિકારીની નિમણૂંક કરાઈ છે.

આ અંગેની વિગતો મુજબ શિક્ષણ બોર્ડે આગામી પરીક્ષાને લઈને પરીક્ષા કેન્દ્રો નક્કી કર્યા છે, જેમાં ર૮૩ શાળાઓને પરીક્ષા કેન્દ્ર નક્કી કરવામાં આવ્યા છે. દર વખતે જે શાળાઓમાં પરીક્ષા લેવામાં આવતી હોય છે તે જ શાળાઓ પર પસંદગી ઉતારવામાં આવી છે. શિક્ષણ બોર્ડ દ્વારા નક્કી કરેલા પરીક્ષા કેન્દ્રોને લઈને જરૂરી વ્યવસ્થા કરવા માટે જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા સૂચના આપવામાં આવી છે. પરીક્ષા કેન્દ્રના ફાળવેલા તમામ બ્લોકમાં સીસીટીવી કાર્યરત સ્થિતિમાં હોય તેની તકેદારી રાખવાની રહેશે. પરીક્ષા કેન્દ્રમાં બ્લોકદીઠ ફાળવવામાં આવતા પરીક્ષાર્થીને અનુરૂપ વ્યવસ્થા બેન્ચિસની સુવિધા કરવા માટે શાળાઓને જણાવાયું છે. પરીક્ષા સ્થળ પર જરૂરી તમામ ફર્નિચર સુવિધા, વીજળી, પાણીની યોગ્ય સુવિધા કરવા માટે પણ તાકીદ કરાઈ છે. શિક્ષણ બોર્ડ દ્વારા આગામી પરીક્ષાને લઈને સૌપ્રથમ શાળાનું રજિસ્ટ્રેશન અને શિક્ષકોના રજિસ્ટ્રેશનની કાર્યવાહી બાદ ધો.૧ર સાયન્સની પરીક્ષા માટે ફોર્મ ભરવાની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે. આગામી દિવસોમાં ધો.૧ર સાયન્સ પ્રવાહ અને ધો.૧૦ની પરીક્ષા માટેના ફોર્મ પણ ટૂંક સમયમાં ભરવાની કાર્યવાહી શરૂ થશે.

આ બાબતે જિલ્લા શિક્ષણાધિકારી સંજય પરમારને પુછતા તેમણે જણાવ્યું કે, ગત વર્ષની જેમ આ વર્ષે બોર્ડ પરીક્ષા માટે સરકારી, ખાનગી અને ગ્રાન્ટેડ શાળાઓ મળી કુલ્લ ર૮૩ શાળાઓમાં પરીક્ષા કેન્દ્રો ફાળવાયા છે. હાલમાં ધો. ૧૦ ના ભુજ, ગાંધીધામ અને નખત્રાણા તેમજ ધો. ૧ર સાયન્સ અને સામાન્ય પ્રવાહના ઝોન વાઈઝ ઝોનલ અધિકારીની નિમણૂંક કરી દેવાઈ છે. જેઓ દ્વારા દરેક કામગીરીનું મોનીટરીંગ કરવામાં આવશે.