નર્મદા નહેરમાં પાણી ન છોડાય તો આંદોલનની ચિમકી

0
36

પાણી ન મળે તો એરંડા અને કપાસના પાકને નુકશાનની ભીતિ : રાપર પંથકના કિસાનો દ્વારા નર્મદા નિગમની કચેરીએ કરાઈ ઉગ્ર રજૂઆત

રાપર : તાલુકાના ૩૯ જેટલા ગામના ધરતીપુત્રોએ આદિપુર સ્થિત નર્મદા નિગમની કચેરીએ ઉગ્ર રજૂઆત કરી નર્મદા કેનાલમાં વહેલીતકે પાણી છોડવા માંગ કરી હતી. તાલુકાના ૩૯ ગામોમાંથી પસાર થતી નર્મદા કેનાલનું સમારકામ ચાલી રહ્યું હોવાથી હાલે કેનાલ બંધ છે. પાણી નહીં છોડવામાં આવે તો ખેતરોમાં ઊભેલા એરંડા અને કપાસના પાકને નુકશાન થવાની ભીતિ કિસાનોએ વ્યક્ત કરી હતી. આ ઉપરાંત પાણીના અભાવે રવી પાકની વાવણી કરવામાં પણ મુશ્કેલીઓ થશે તેવું ખેડૂતોએ વધુમાં જણાવ્યું હતું.

નર્મદા નહેરના પાણીથી પીયત કરતા ખડૂતો દ્વારા ગત તા.ર૩ના આદિપુર કચેરી ખાતે રજૂઆત કરવામાં આવી હતી અને ખેડૂતોના હિતમાં તા.૧ ઓક્ટો. સુધી પાણી છોડવા માંગ કરવામાં આવી હતી, પરંતુ આજ દિન સુધી કોઈ કાર્યવાહી ન થતા કિસાનો રોષે ભરાયા હતા. કેનાલના સમારકામની ગતિ વધારવામાં નહીં આવે તો ખેડૂતોને ભારે નુકશાન થશે. ખેડૂતો દ્વારા તા.૧૧ સુધીમાં સમારકામ પૂર્ણ કરી પાણી છોડવા આક્રોશપૂર્વક રજૂઆત કરવામાં આવી હતી. જાે પાણી છોડવામાં નહીં આવે તો આગામી તા.૧૩ ઓક્ટોબરથી આંદોલન કરવાની ચીમકી કિસાનોએ ઉચ્ચારી હતી.