ફરી એકવાર સૂરજબારી – માળિયા હાઈવે પર મહાકાય ટ્રાફિક જામ : વાહનોના થપ્પા લાગ્યા

0
76

  • પરોઢથી નેશનલ હાઈવે પર ભારે વાહનોની કતાર લાગી : વારંવાર સર્જાતા ટ્રાફિક જામના કારણે ટ્રાન્સપોર્ટ ઉદ્યોગને માઠી અસર

ગાંધીધામ : હાલમાં વિધાનસભા ચૂંટણી ચાલી રહી છે અને પ્રચારમાં આવતા નેતાઓ સમક્ષ લોકો દ્વારા પોતાના વિસ્તારની સમસ્યાઓ મુકવામાં આવતી હોય છે. અને ઉમેદવારો પણ તમામ સમસ્યાઓનો ઉકેલ લાવી આપીશું તેવા વચનો આપતા હોય છે. પરંતુ કચ્છના સૂરજબારી અને સામખિયાળી નેશનલ હાઈવે પર અવાર નવાર થતા ટ્રાફિક જામની સમસ્યા નિવારવા માટે કયા જન પ્રતિનિધિ અમને ખાત્રી આપશે તેવો સવાલ દરરોજ આ માર્ગ પર અકળાતા અને પોતાના વાહનના ઈધણ અને સમયનો બગાડ કરતા વાહન માલિકો અને ચાલકો પુછી રહ્યા છે. પણ આ પ્રશ્નનો જવાબ કોઈની પાસે નથી, જે પણ એક હક્કિત છે.આજે વહેલી પરોઢથી સામખિયાળીથી માંડી માળિયા સુધી નેશનલ હાઈવે પર વાહનોના થપ્પા લાગી ગયા હતા. અકસ્માતના કારણે બંને તરફનો વાહન વ્યવહાર એક માર્ગ પર ડાયવર્ટ કરવામાં આવતા સવારથી જ ટેન્કર, ટ્રેઈલર સહિતના તમામ ભારે માલવાહક વાહનોની કતારો લાગી ગઈ હતી. જેમાં બસ અને ખાનગી પેસેન્જર વાહનો અને ફોર-વ્હીલરો પણ ફસાઈ ગઈ હતી. જેના કારણે નિયત સ્થાને સમયસર ન પહાચી શકતા વાહન ચાલકોએ બળાપો ઠાલવ્યો હતો.