કચ્છમાં ૧૯ અપક્ષ સહિત ૫૫ પૈકી કેટલા ઉમેદવારો ડિપોઝીટ ગુમાવશે ?

0
98

  • વિધાનસભા ચૂંટણી – ર૦રર

જિલ્લાની છ બેઠક પર વર્ષ ર૦૧રની ચૂંટણીમાં પ૬ પૈકી ૪૪ જ્યારે ર૦૧૭ની ચૂંટણીમાં ૮૦ પૈકી ૬૮ ઉમેદવારોએ ગુમાવી હતી ડિપોઝીટ : થયેલ મતદાનના ૧૬ ટકાથી ઓછા મત મેળવનાર ઉમેદવારની ડિપોઝીટ થાય છે ડૂલ : ત્રીજા પરિબળ તરીકે મેદાને ઉતરેલા આમ આદમી પાર્ટીના ઉમેદવારો પર મંડાઈ મીટ

(બ્યુરો દ્વારા)ભુજ : ગત તા. ૧ ડિસેમ્બરના ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાન વખતે કચ્છની છ વિધાનસભા બેઠકો પર મતદારો પોતાના ભાવિ લોકપ્રતિનિધિના ભાગ્યનો ફેંસલો કરવા મતદાન કર્યું હતું. કચ્છની છ બેઠક પર ત્રિ-પાંખિયો જંગ જોવા મળે છે. ર૦રરની વિધાનસભા ચૂંટણીમાં કચ્છની છ બેઠકો પર ૧૯ અપક્ષ ઉમેદવારો મળી કુલ્લ પપ ઉમેદવારોએ ભાગ્ય અજમાવ્યું છે. ભૂતકાળ પર નજર કરીએ તો કચ્છની છ બેઠક પર વર્ષ ર૦૧રની ચૂંટણીમાં પ૬ પૈકી ૪૪ જ્યારે ર૦૧૭ની ચૂંટણીમાં ૮૦ પૈકી ૬૮ ઉમેદવારોએ ડિપોઝીટ ગુમાવી હતી, ત્યારે આ ચૂંટણીમાં કોને જીત નસીબ થશે અને કેટલા ઉમેદવારો પોતાની ડિપોઝિટ બચાવી શકશે તે તો ૮મી ડિસેમ્બરના ફેંસલો આવી જશે.કચ્છ- ગુજરાતમાં સામાન્ય રીતે અપક્ષ કે પ્રાદેશીક પક્ષના ઉમેદવારોને ખાસ સફળતા મળતી નથી. કચ્છ જિલ્લાના મતદારો પણ રાજ્યની મુખ્યધારાને અનુરૂપ બે પ્રમુખ રાજકીય પક્ષોમાંથી જ પોતાના પ્રતિનિધિની પસંદગી કરતા હોય છે. વિધાનસભાની ગત બે ચૂંટણીઓમાં પણ કોઈ અપક્ષ કે અન્ય પાર્ટીના ઉમેદવારને સફળતા મળી ન હતી. નિયમાનુસાર થયેલ મતદાનના ૧૬ ટકાથી ઓછા મત મેળવનાર ઉમેદવારની ડિપોઝીટ ડૂલ થતી હોય છે. વર્ષ ર૦૧રની ચૂંટણીમાં પ૬ પૈકી ૪૪ ઉમેદવારોએ પોતાની ડિપોઝીટ ગુમાવી હતી. અબડાસા બેઠક પર ૮ પૈકી ૬, માંડવી બેઠક પર ૧૧ પૈકી ૯, ભુજમાં ૧૦ પૈકી ૮, અંજારમાં ૯ પૈકી ૭, ગાંધીધામમાં ૮ પૈકી ૬ જયારે રાપર બેઠક પર ૧૦ પૈકી ૮ ઉમેદવારોએ પોતાની ડિપોઝીટ ગુમાવી હતી. તો ર૦૧૭ની વિધાનસભા ચૂંટણીની વાત કરીએ તો ૮૦ ઉમેદવારોએ ચૂંટણી જંગમાં ઝંપલાવ્યુ તેમાંથી ૧૨ ઉમેદવારો જ પોતાની ડિપોઝીટ બચાવી શકયા હતા, જે મુખ્ય રાજકીય પક્ષોના ઉમેદવારો હતા, તેને બાદ કરતા ૬૮ ઉમેદવારની ડિપોઝીટ જપ્ત થઈ હતી. માત્ર ૨૦૧૭ જ નહિ તે
પૂર્વે યોજાયેલી તમામ ચૂંટણીઓમાં મોટાભાગે આવી સ્થિતી જોવા મળી હતી. સામાન્ય રીતે વિધાનસભા હોય કે લોકસભા તમામ ચૂંટણીઓમાં ભાજપ અને કોંગ્રેસને બાદ કરતાં અન્ય કોઈ બળુકા ઉમેદવારો હોય તો જ તેઓ પોતાની ડિપોઝીટને જપ્ત થતી બચાવી શકતા હોય છે.આ વખતની ચૂંટણી લડનારા મુરતિયાઓની સંખ્યા ઘટી છે, પરંતુ આ વખતે કચ્છની તમામ છ બેઠકો પર આમ આદમી પાર્ટીએ પોતાના ઉમેદવાર ઉતારતા ત્રીપાંખિયો જંગ જામ્યો હતો. અબડાસા બેઠક પર ૪ અપક્ષ સહિત કુલ્લ ૧૦, માંડવી બેઠક પર બે અપક્ષ સહિત કુલ્લ ૮, ભુજ બેઠક પર ત્રણ અપક્ષ સહિત કુલ્લ ૧૦, અંજાર બેઠક પર એક અપક્ષ સહિત કુલ્લ ૭, ગાંધીધામ બેઠક પર બે અપક્ષ સહિત કુલ્લ ૯ જ્યારે રાપર બેઠક પર સૌથી વધુ ૭ અપક્ષ સહિત ૧૧ ઉમેદવારો મળી જિલ્લામાં ૧૯ અપક્ષ સહિત પપ મુરતિયાઓના ભાવિ ઈવીએમમાં કેદ થઈ ગયા છે.કચ્છમાં પ૯.૮પ ટકા જેટલું સામાન્ય મતદાન થયું છે. જિલ્લાના મતદારોના ઉદાસીન વલણથી રાજકીય પક્ષોના ઉચ્ચાટમાં વધારો થયો છે ત્યારે મતદારો કોના પર રીઝયા છે તેનોે ૮મી ડિસેમ્બરે ખુલાસો થશે. કચ્છમાં કેટલા ઉમેદવારો પોતાની ડિપોઝીટ બચાવવામાં સફળ રહેશે તે જોવું અગત્યનુ બની રહેશે.