હનીટ્રેપ કાંડ : ભુજના બિલ્ડર વિનય રેલોનની ધરપકડ

0
75

ગાંધીધામના ફાયનાન્સરને ભુજની હોટલમાં બોલાવી અંગતપળોનો લેવાયો હતો વીડિયો : મામલો પતાવવા ૧૦ કરોડની ખંડણી મંગાતા ભુજ બી ડિવિઝનમાં થઈ ફરિયાદ : ભુજમાં એસપીએ પત્રકાર પરિષદ યોજી ઘટનાની આપી સિલસિલાવાર માહિતી

ભુજ : ગાંધીધામમાં ફાયનાન્સનો વ્યવસાય કરતા રહીશ સાથે સંપર્કમાં આવેલી સુરતની યુવતિએ અંગત પળોનો વિડીયો કેદ કરી લીધા બાદ ભુજ અને મુંબઈના મોટામાથાઓએ પતાવટ માટે રૂપિયા ૧૦ કરોડની ખંડણી માંગવાના કેસમાં મામલો ગૃહમંત્રી સુધી પહોંચ્યા બાદ ભુજ બી ડિવિઝન પોલીસમાં ફરિયાદ દાખલ કરાતા પોલીસે આરોપીઓની ધરપકડ માટેના ચક્રો ગતિમાન કરતા આરોપીઓ પૈકીના ભુજના બિલ્ડર વિનય રેલોનની ધરપકડ કરવામાં આવી છે, જેને આજે સાંજે કોર્ટમાં રજૂ કરવામાં આવશે.ગાંધીધામના ફાયનાન્સર અનંતભાઈ ચમનલાલ ઠક્કરે નોંધાવેલી ફરિયાદ મુજબ વડોદરાની યુવતિ, ભુજના બિલ્ડર વિનય ઉર્ફે લાલો રેલોન, અંજારના મનીષ મહેતા, ભચાઉનો વકિલ હરેશભાઈ કંઠેચા, મુંબઈના રમેશભાઈ જોષી અને તેમના ભાઈ શંભુભાઈ જોષી, જયંતી ભાનુશાલી હત્યા કેસમાં જેલમાં કેદ જયંતીભાઈ ઠક્કર અને તેનો ભાણેજ ખુશાલ ઉર્ફે લાલો તથા તપાસમાં જે નિકળે તે લોકોએ તેને હનીટ્રેપમાં ફસાવ્યો છે. મુળ સુરતની હાલે વડોદરા રહેતી યુવતી સોશિયલ મીડિયા મારફતે ફરિયાદીના સંપર્કમાં આવી બાદમાં તેને હોટેલમાં મળવા માટે બોલાવીને અંગત પળોના વિડીયો કેદ કરી હનીટ્રેપમાં ફસાવી યુવતિએ એક વખત ર૦ હજાર રુપીયાની માંગણી કરી હતી બાદમાં પ૦ હજારની માંગણી કરતા ફરિયાદીએ ના પાડી દીધી હતી. બાદમાં ભચાઉના હરેશ કંઠેચા અને ભુજના વિનય રેલોને ફરિયાદીને ભુજ બોલાવી આ વિડીયો ક્લિપ બતાવી હતી. ફરિયાદી ભુજમાં વિનય રેલોન (લાલો) અને હરેશ કંઠેચાને મળવા માટે આવ્યો હતો ત્યારે મુંબઈના રમેશ જોષી અને શંભુ જોષી સહિતના સાથે વાત કરાવી હતી અને સમાધાન માટે ૧૦ કરોડ રુપીયા આપવાની વાત કરી હતી. આ લોકોને પૈસા આપવા માંગતા ન હોઈ ફરિયાદીએ પોલીસ અધીક્ષકનો સંપર્ક કરી સમગ્ર ઘટના અંગે લેખિત ફરિયાદ આપી હતી.ફરિયાદ નોંધાયાના બીજા દિવસે આજે પશ્ચિમ કચ્છ એસપી સૌરભસિંઘ દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી, જેમાં તેમણે જણાવ્યું કે, આરોપીઓ પૈકીના એક ભુજના વિનય રેલોનની ધરપકડ કરવામાં આવી છે, જેને આજે સાંજે કોર્ટમાં રજૂ કરવામાં આવશે. તેમજ ફરિયાદી પાસેથી અન્ય આરોપીઓના આધાર – પુરાવા એકત્ર કરવાની કામગીરી ચાલુમાં છે. પુરાવાઓ મળ્યા બાદ અન્યોની પણ ધરપકડ કરવામાં આવશે. આ કેસમાં સંડોવાયેલા તમામ લોકો સામે કાર્યવાહી થશે. કોઈ જગ્યાએ બાંધછોડ કરવામાં નહીં આવે તેવો સ્પષ્ટ નિર્દેશ પણ એસપીશ્રીએ આપ્યો હતો.વધુમાં એસપી સૌરભસિંઘે જણાવ્યું કે, વિનય રેલોને સૌથી પહેલા ફરિયાદીને ફોન કરી તેની પાસે ફરિયાદીની વીડિયો ક્લિપ હોઈ મળવા માટે ભુજના જયુબીલી ગ્રાઉન્ડ પાસે બોલાવ્યો હતો અને પૈસાની માંગણી કરી હતી. હનીટ્રેપમાં પૈસા માંગવાની સૌથી પહેલી શરૂઆત વિનય રેલોને કરી હોઈ તેની અટકાયત કરાઈ છે. જયારે ફરિયાદીના જણાવ્યા પ્રમાણે અન્ય આઠ જેટલા આરોપીઓએ પણ વારા ફરતી રૂપિયાની માગણી કરી હોઈ તેઓ સામે પુરાવા એકત્ર કરી એ દિશામાં તપાસ ચાલી રહી છે. તેમજ જયંતિ ઠક્કર હાલ જેલમાં સજા કાપતો હોવા છતાં તેની આ કેસમાં સંડોવણી ગંભીર બાબત છે, જેની તપાસ કરાશે.