કચ્છના આરોગ્ય કર્મચારીઓની દિવાળી બગડી

0
31

સરકારની સૂચના હોવા છતાં દિવાળી પહેલા પગાર ન થતા આરોગ્ય કર્મચારીઓ નારાજ

ભુજ : ગુજરાત સરકારના તમામ કર્મચારીઓ દિવાળીની સારી રીતે ઉજવણી કરી શકે તે માટે રાજ્ય સરકાર દ્વારા એક મહત્વનો ર્નિણય કરવામાં આવ્યો હતો, જે મુજબ દરેક કર્મચારીઓને ૨૦ તારીખ પહેલા પગાર મળી જાય એવી સૂચના તમામ વિભાગના વડાઓને આપવામાં આવી હતી, પરંતુ કચ્છ જિલ્લાના આરોગ્ય કર્મચારીઓનો પગાર આજ સુધી ન થતા અને હવે ૫ દિવસ રજા હોતા કોરોના વોરિયર્સને પગાર વગર દિવાળી ઉજવવાનો વખત આવ્યાનું જાણવા મળે છે. અત્રે ઉલ્લેખનીય છે કે ૫૬ દિવસની હડતાલમાં ગયા પછી છેલ્લા ત્રણ માસથી આરોગ્ય કર્મચારીઓને પગાર મળેલ નથી, જેથી આરોગ્ય કર્મચારીઓ અને તેના કુટુંબીજનો તહેવારના દિવસોમાં તંત્રથી નારાજ થઈ ગયા છે અને બારીસ મેં આટા ગીલા તથા ગ્રહણ ટાણે જ સાપ નીકળ્યા જેવો તાલ સર્જાયો છે.
કચ્છ જિલ્લા જાહેર આરોગ્ય કર્મચારી મંડળના પ્રમુખ દેવજીભાઈ નોરીયા અને મુખ્ય કન્વીનર દેવુભા વાઘેલાના જણાવ્યા અનુસાર આરોગ્ય તંત્ર અને બેંકમાં ચેક પાસ ન થવાને લીધે આવી સ્થિતિ સર્જાઇ છે જે અંગે દિલગીરી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, મંડળ દ્વારા તમામ પ્રયત્નો કરવામાં આવ્યા છતાં છેલ્લી ઘડીએ બિલોમાં ભૂલો કાઢતા પગારના ચેકો વિલંબથી મળવાને કારણે બેંકમાં સમયસર કિલીયરિંગ ન થવાથી અમુક તાલુકાઓના આરોગ્ય કર્મચારીઓને પગાર મળી શકેલ નથી. આ ઉપરાંત સરકાર દ્વારા ૫૬ દિવસ હડતાલના પગારનો ઠરાવ પણ હડતાલ પૂરી થયાના ૧૯ દિવસ બાદ કરવામાં આવતા એ બે માસનો પગાર પણ આવતા માસમાં થશે. જ્યારે ઓક્ટોબર માસના પગાર સાથે મોંઘવારીના ત્રણ હપ્તા આપવાના આદેશ હોવા છતાં માત્ર એક જ હપ્તો પાસ કરવામાં આવતા અને કર્મચારીઓના રજા પ્રવાસ, તફાવત બીલો તથા મુસાફરી ભથ્થાના બિલો છેલ્લા બે વર્ષથી નિયમિત રીતે પાસ થતા ન હોઇ પડ્યા પર પાટુ જેવો તાલ સર્જાયો છે અને કર્મચારીઓનો આક્રોશ વ્યાજબી હોવાનું આરોગ્ય મંડળના હોદ્દેદારોએ સમર્થન આપતા આ અંગે આગામી દિવસોમાં જિલ્લા પંચાયતના અધિકારીઓને મળીને યોગ્ય નિરાકરણ કરવામાં આવશે એવી ખાતરી પણ આ તબક્કે ઉચ્ચારી હતી.