આવતીકાલથી હાથીયા નક્ષત્રનો પ્રારંભ : કચ્છમાં વરસાદ વરસ્યો તો ખેતીને પડશે ફટકો

0
25

  • તાપમાનનો પારો ઉંચકાવા સાથે વાદળોની અવરજવર વધી

એકતરફ કચ્છમાં નેઋત્વ ચોમાસાએ વિદાય લીધાની હવામાન ખાતાએ જાહેરાત કરી દીધી છે પરંતુ વાતાવરણમાં એકાએક પલ્ટો આવતા ધરતીપુત્રો સહિતના નવરાત્રીના આયોજકો અને ખેલૈયાઓ પણ ચિંતામાં

(બ્યુરો દ્વારા)ભુજ : ગુજરાતમાં ચોમાસુ હવે વિદાય લેવાની તૈયારીમાં છે, ત્યારે જતા-જતા પણ મેઘરાજા અનેક જિલ્લાઓમાં હાજરી પુરાવી રહ્યા છે. કચ્છમાં સતાવાર રીતે ચોમાસાએ વિદાય લીધી છે પરંતુ પાછલા ત્રણેક દિવસથી તાપમાનનો પારો ઉંચકાવવાની સાથોસાથ આકાશમાં ફરી વાદળોની અવર જવર જોવા મળી રહી છે. ચોમાસાના અંતિમ એવા હાથીયા નક્ષત્રનો આવતીકાલથી પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે જો હવે કચ્છ જિલ્લામાં વરસાદ વરસ્યો તો ફાયદા કરતા નુકશાનીનું પ્રમાણ વધુ જોવા મળી શકે તેમ છે.આ અંગેની વિગતો મુજબ ઉત્તરા ફાલ્ગુની નક્ષત્ર પૂર્ણ થવાની તૈયારી કરી રહ્યું છે ત્યારે હવે સુર્યનો હસ્ત નક્ષત્ર એટલે કે હાથિયા નક્ષત્રનાં પ્રવેશ થવા જઇ રહ્યો છે. જો કે ઉત્તરા નક્ષત્રોમાં કોઈ એવો ખાસ વરસાદ જોવા મળ્યો નથી. અનેક વિસ્તારોમાં વરાપ જોવા મળી રહી છે. પણ હવે સુર્યનો હસ્ત નક્ષત્રમાં પ્રવેશ થવા જઇ રહ્યો છે. સુર્યનો હાથિયા નક્ષત્રમાં પ્રવેશ ૨૭ સપ્ટેમ્બર ૨૦૨૨ નાં રોજ ૧૨ઃ૪૪ કલાકે શિયાળના વાહન સાથે પ્રવેશ થશે. જૂની લોકવાયકઓ મુજબ હાથિયા નક્ષત્રમાં જે વરસાદ થાય એ બપોર બાદ થતો હોય છે. હાથી નક્ષત્ર ભારે વરસાદનુ છેલ્લું નક્ષત્ર ગણાય છે. ત્યાર બાદનાં (સ્વાતિ, ચિત્રા) નક્ષત્રોમાં માવઠા ગણવામાં આવે છે. હાથી નક્ષત્રનો વરસાદ ફાયદાકારક અને નુકશાન કારક બંને ગણાય છે. જેમ કે છેલ્લે ભારે વરસાદને કારણે પાકતા પાક નુકસાન થઇ શકે છે. અને જે વર્ષે શરૂઆતમાં ઓછો વરસાદ હોય તે વર્ષ પાછળનો હાથિનો સારો વરસાદ ગણી શકાય છે. અમુક વિસ્તારોમાં વીજળી પડવાના કિસ્સા પણ મળી આવતાં હોય છે. ઘણી વાર મિની વાવાઝોડા જેવા પવન સાથે વરસાદનું આગમન થતું હોય છે.હાથી નક્ષત્રમાં બપોર બાદ થી સાંજના સમયગાળામાં વધારે વરસાદ પડતો હોય છે. જ્યાં વરસાદ પડે ત્યાં ભારે વરસાદ પડી જતો હોય છે. કહેવાય છે કે હાથી ત્રણ પગ (૩ દિવસ) ઊંચા કરી લે પછી વાંધો ના આવે એટલે કે ભારે વરસાદ નાં પડે. અને ઘણી વાર છેલ્લે વરસાદ પડે ત્યારે એવું કહેવામાં આવતું હોય છે કે હાથી પુછડી ફેરવતો ગયો. મતલબ ઘણી વખત છેલ્લે ભારે વરસાદ પડી જતો હોય છે. હાથિયા નક્ષત્રમાં તીવ્ર કડાકા-ભડાકા સાથે વરસાદ જોવા મળતો હોય છે. કચ્છ જિલ્લામાં ચાલુ સાલે અત્યાર સુધીમાં ૧૮પ ટકા કરતા વધુ વરસાદ વરસી ચુકયો છે. છેલ્લા આઠ – દસ દિવસથી મેઘરાજાએ વિરામ લીધો છે અને ચોમાસાની સીઝન પણ પૂર્ણ થવા ભણી આગળ ધપી રહી છે. હવામાન વિભાગે તો કચ્છમાંથી ચોમાસાની વિદાયની જાહેરાત પણ કરી દીધી છે. પાછલા ત્રણ ચાર દિવસથી મહત્તમ પારો ઉંચકાવાની સાથોસાથ વાદળોની અવરજવર પણ જોવા મળી રહી છે. આવતીકાલથી નક્ષત્રમાં પરિવર્તન આવી રહ્યું હોઈ જો હવે મેઘરાજા જિલ્લામાં જતા જતા ફરી દસ્તક દેશે તો ખેતીને તો મોટો ફટકો પડવાની ભીતિ વ્યકત કરાઈ જ રહી છે તેની સાથોસાથ નવરાત્રીના આયોજકો અને ખેલૈયાઓમાં પણ ચિંતા જોવા મળી રહી છે.